હનુમાન જયંતી : સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંગળા આરતીમાં ‘જય શ્રીરામ’ ના નારા ગુંજ્યા

હનુમાન જયંતી : સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંગળા આરતીમાં ‘જય શ્રીરામ’ ના નારા ગુંજ્યા
  • હનુમાન જન્મોત્સવ પર દાદાના ધામ એવા સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપુર છલકાયું
  • પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ ના નારાથી મંદિર પરિસર ગુંજ્યું
  • એક દિવસમાં 10 લાખ ભક્તો ઉમટી પડે તેવી શક્યતા 

ઝી મીડિયા/બ્યૂરો :આજે ચૈત્રી સુદ પૂર્ણિમા એટલે હનુમાન જયંતી છે. આજે હનુમાન જયંતીનો પાવન પર્વ છે. ત્યારે બોટાદના સાળંગપુરમાં હનુમાનજીની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આજે હનુમાન જયંતી પ્રસંગે સાળંગપુર હનુમાન મંદિરે 10 લાખથી વધુ ભક્તો દાદાનાં દર્શન કરશે. આજના દિવસે મારુતિ યજ્ઞ પણ કરવામાં આવશે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યુ છે. સવારની મંગળા આરતી ખાસ બની રહી હતી. તો ત્યાર બાદની શ્રૃંગાર આરતી ખાસ બની રહી છે. દાદાને કરોડોના ઝવેરાતથી સજાવવામાં આવ્યા છે. 

સાળંગપુરમાં દાદાનાં દર્શન માટે અંદાજે 10 લાખથી વધુ ભક્તો ઊમટશે. તંત્ર દ્વારા ખાસ રૂટ સાથે રહેવા-જમવા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરાઈ છે. બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં હનુમાનજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અંદાજે 10 લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાન જંયતીના દિવસે આવશે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય એ માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એકસાથે દસ હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે એ માટે 6 વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે.

No description available.

દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે અહીં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે. શુક્રવારે 15 મી તારીખે બપોરે 4 થી સાંજે 7 વાગ્યા સુધી નારાયણ કુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની હાથી પર ભવ્ય શોભા યાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં હજારો બહેનો મસ્તક પર દાદાના અભિષેકનું જળ ધારણ કરશે. 251 પુરુષ મહિલા સાફા ધારણ કરીને શોભાયાત્રામાં જોડાશે. 108 બાળકો ધ્વજ લહેરાવી શોભાયાત્રાને મહેકાવશે. 

No description available.

શોભાયાત્રામાં નાશિક ઢોલ, DJ અને બેન્ડવાજા પણ લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત દેશી ઘોડાગાડી અને બળદગાડું પણ શોભાયાત્રામાં ખાસ આકર્ષણ જમાવશે. આ દરમિયાન સંતો દ્વારા 251 કિલો ફૂલ અને 25 હજાર કિલો ચોકલેટનો દર્શનાર્થીઓ પર વરસાદ કરાશે. મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરો યોજાશે. 15 તારીખે રાત્રે 8.30 વાગ્યાથી મોડે સુધી અહીં ભવ્ય લોકડાયરો યોજાશે. જેમાં લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હિતેશભાઈ અંટાળા અને જાદુગર અમિતભાઈ સોલંકી શ્રદ્ધાળુઓને જમાવટ કરાવશે.

No description available.

પંચમુખી યજ્ઞમાં 1 હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે. હનુમાનજયંતીના દિવસે દાદાના દરબારમાં પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે. જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ, સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50 થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે.

તો બીજી તરફ, આજના પાવન દિવસે વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી, સંતો અને 1 હજારથી વધુ હરીભક્તો યજ્ઞનો લ્હાવો લેશે. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50 બ્રાહ્મણો આ મારુતિ યજ્ઞ કરાવશે. મોટી સંખ્યામાં ભક્તોને ઉમટશે ત્યારે તંત્રએ જમવા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હનુમાન જયંતીના પગલે મંદિરે તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news