ધરપકડ બાદ હાર્દિક પટેલને જામીન પર કરાયો મુક્ત
પાટીદારોની અનામતની માંગ અને ખેડૂતોની સમસ્યાઓને અનુલક્ષીને તે 25મી ઓગસ્ટથી પાટીદાર બહુમતી ધરાવતા નિકોલ વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેસશે.
Trending Photos
અમદાવાદઃ પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા બદલ ધરપકડ કરાયેલા હાર્દિક પટેલ સહિતના 9 લોકોને જામીન પર છોડી મુકાયા છે. ક્રાઈમ બ્રાંચે હાર્દિક પટેલ સહિતના નવ લોકોની ધરપકડ કરી હતી જો કે તમામનો જામીન પર છુટકારો થયો છે. હાર્દિક પટેલે ક્રાઈમ બ્રાંચમાંથી બહાર આવીને પોલીસ પર આરોપો લગાવ્યા હતા. હાર્દિક પટેલે કહ્યું કે ઉપવાસ વખતે અમારી ગેરકાયદે રીતે પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં પીઆઈ ચાવડાએ અમારા લોકો સાથે અભદ્ર ભાષામાં વાત કરીને મારી નાખવાની ધમકી પણ આપી છે. હાર્દિકે કહ્યું કે પીઆઈ ચાવડાના આ પ્રકારના વર્તન અંગે અમે હાઈકોર્ટમાં જઈશું. સાથે જ પોલીસ ભાજપ સરકારના ઈશારે કામ કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો. હાર્દિકે કહ્યું કે ગમે તે થાય 25 ઓગસ્ટના દિવસે ઉપવાસ તો કરીને જ રહીશું.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અટકાયત બાદ હાર્દિક પટેલની ધરપકડ કરી લીધી છે. નિકોલમાં ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી પોલીસ સાથે ગેરવર્તણૂક કરવા બદલ હાર્દિક પટેલ સહિત 9 લોકોની ધરપકડ કરાઈ છે. ક્રાઈમ બ્રાંચે હાર્દિક પટેલ સહિતના 9 લોકોની અટકાયત બાદ ધરપકડ કરી છે. હાર્દિક પટેલ સામે ધારા 144 અને 186 હેઠળ ગુનો નોંધાયો છે.
પાટીદાર નેતાઓને ઉપવાસ કરતા રોકવા માટે પાટીદાર સમર્થકો સહિત હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે. પ્રતિક ઉપવાસ માટે નિકોલ જવા નીકળે તે પહેલા જ હાર્દિકની અટકાયત કરવામાં આવી. હાર્દિક સાથે રહેલા સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પર સામે આવ્યા હતા. હાર્દિક સહિત કુલ 19 કન્વીનરોને અમદાવાદ ક્રાઇમબ્રાંચ ખાતે લઇ જવાયા. મહત્વનું છે, કે પાટીદાર નેતા હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે તે પાટીદારોની અનામતની માંગ અને ખેડૂતોની સમસ્યાઓને અનુલક્ષીને તે 25મી ઓગસ્ટથી પાટીદાર બહુમતી ધરાવતા નિકોલ વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેસશે. આ ઉપવાસ માટે હાર્દિકે સૌથી પહેલા શુકન ચાર રસ્તા પાસે આવેલા પ્લોટની પરમિશન લીધી હતી, પરંતુ ગયા અઠવાડિયે તે પ્લોટને પાર્કિંગમાં ફેરવવામાં આવ્યો હતો.આ સિવાય વિસ્તારના અન્ય ચાર મેદાનને પણ પાર્કિંગ પ્લોટમાં ફેરવી નાખ્યા છે. સરકારના આ પગલાને લીધે હવે હાર્દિક કઈ જગ્યાએ ઉપવાસ કરવા બેસશે એવો યક્ષપ્રશ્ન ઉભો થયો છે. આ સંજોગોમાં હાર્દિક પટેલે રવિવારે એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બહાર સૂત્રોચ્ચાર
હાર્દિક પટેલને અટકાયત બાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ જવાયો હતો. ક્રાઈમ બ્રાન્ચની બહાર તેના સમર્થકોએ જય સરદાર જય પાટીદારના સૂત્રોચ્ચાર કર્યાં. આ બાજુ હાર્દિક પટેલની અટકાયતને પગલે સાબરકાંઠા જિલ્લામાં પણ પાસના કાર્યકરોની અટકાયત કરાઈ છે. હિંમતનગર એસઓજી દ્વારા 7 પાસ કાર્યકરોની વડાલી પોલીસ મથકે અટકાયત કરાઈ છે. રમેશ પટેલ કન્વીનર સહિત 7 પાસના કાર્યકરોની અટકાયત કરાઈ. ગાંભોઈ પોલીસે પણ હિંમતનગરના 3 પાસ કાર્યકરોની અટકાયત કરી.
નિકોલ પહોંચે તે પહેલા જ હાર્દિકની કરી અટકાયત
અમદાવાદના નિકોલમાં પાસ નેતા હાર્દિક પટેલ પ્રતીક ઉપવાસ કરે તે પહેલા જ પોલીસે હાર્દિકની અટકાયત કરી લીધી. હાર્દિક પટેલ ઉપવાસ સ્થળે પહોંચે તે પહેલા જ પોલીસે હાર્દિકને અટકાવ્યો હતો. બીજી તરફ નિકોલમાંથી પણ પોલીસે ગીતા પટેલ સહીત 4 કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. હાર્દિકના ઘર બહાર અટકાયત સમયે પોલીસ અને પાસ કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. હાર્દિકની અટકાયતના સમયે પોલીસનો પણ મોટો કાફલો ખડકાયો હતો.
હાર્દિક, બ્રિજેશ, ગીતા પટેલની અટકાયત
હાર્દિક પટેલની સાથે સાથે પાસના કન્વીનર બ્રિજેશ પટેલ, જયેશ પટેલ, નિખિલ સવાણી અને ગીતા પટેલની પણ અટકાયત કરવામાં આવી છે. હાર્દિક પટેલના ઉપવાસ પહેલા જ ક્રાઈમ બ્રાંચનો કાફલો હાર્દિક પટેલના ઘરે પહોચ્યો હતો. અને ત્યાંથી 40 જેટલા પાટીદાર યુવાનોની અટકાયત કરવામાં આવી. મહત્વનું છે કે, પ્રતિક ઉપવાસ આંદોલન માટે હાર્દિક પટેલને મંજૂરી આપવામાં આવી નથી. જો કે સરકાર આ ઉપવાસને કોઈ પણ ભોગે અટકાવવા માટે મક્કમ જોવા મળી રહી છે. અત્યાર સુધી ઉપવાસ સંદર્ભે 140 લોકોની અટકાયત કરવામાં આવી છે.
અટકાયત કરાયેલામાંથી 58 લોકોની અટકાયત નિકોલ અને વસ્ત્રાલમાંથી કરાઈ છે. જ્યારે 26 લોકો કે જેઓ ઉપવાસમાં ભાગ લેવા માટે રાજકોટથી આવી રહ્યાં હતાં તેમની અટકાયત કરાઈ છે. હાર્દિકના નિવાસ સ્થાને 59 લોકોને નજર કેદ કરાયા છે. હાર્દિકના નિવાસસ્થાન બહાર 200થી વધુ પોલીસનો કાફલો ખડકવામાં આવ્યો છે.
અત્રે જણાવવાનું કે હાર્દિક પટેલે આજે એટલે કે રવિવારે એક દિવસના ઉપવાસની જાહેરાત કરતા તંત્ર સજાગ થઈ ગયું છે. નિકોલમાં ઉપવાસ માટે સરકારે જગ્યાની મંજૂરી ન આપતા પાર્ક કરેલી ગાડીમાં બેસીને ઉપવાસ કરશે તેમ હાર્દિકે જણાવ્યું હતું. હાર્દિકનો આરોપ છે કે, તેણે મંજૂરી માગી તેના 11મા કલાકે જ નિકોલ ગ્રાઉન્ડને પાર્કિંગમાં ફેરવી દેવાયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે