ફોન લાગતા જ નથી, તો અમદાવાદના આ હેલ્પલાઈન નંબર શું કામના!
Ahmedabad News : પૂર સહિતની કટોકટીની સ્થિતિમાં કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર વિભાગે અડધી રાતે મદદ માંગવા આપેલા નંબરોમાં મોટા છબરડા, કંઈ થાય તો કોણ મદદે આવશે
Trending Photos
Ahmedabad News : અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરતા કટોકટીના નંબર હોવા ન હોવા બરાબર છે. જિલ્લા કલેક્ટર દ્વારા પૂર અને વાવાઝોડા જેવી કટોકટીની પળ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાય છે. પરંતુ આ નંબર માત્ર શોભાના ગાઠિયા જેવા છે. કારણ કે, નંબર ડાયલ કરવા પર અહી તમને કોઈ મદદ નહિ મળે. એવુ કેમ તે પણ જાણી લઈએ.
તંત્ર દ્વારા જાહેર કરાયેલા ૧૩ નંબર પૈકી છ નંબર લેન્ડલાઇન અને ૭ નંબર સંબંધિત કર્મચારી અધિકારીના છે. પરંતુ હકીકત તો એ છે કે, જાહેર કરાયેલા ૭ કર્મચારી અધિકારી નંબર પૈકી ચાર લોકોની ટ્રાન્સફર અને બે રીટાયર્ડ થઈ ગયા છે. નાયબ મામલતદાર ફ્લડનો નંબર સ્વીચ ઓફ અવસ્થામાં છે.
રવિવારે વાસણા બેરેજના દરવાજા ખોલાયા સમયે જાહેર કરેલ પત્રના એનેક્ષરમાં નંબર જાહેર કરાયા છે. વાસણા બેરેજની પાણીની વિગતના આધારે વસ્ત્રાપુર સિંચાઈ વિભાગ કચેરી કલેક્ટર કચેરીએ માહિતી મોકલે છે. આ વિગત અને ડિઝાસ્ટર બુકલેટમાં રહેલા અધિકારી કર્મચારીના નંબરના આધારે નંબર જાહેર કરાય છે.
કયા નંબરની હાલ શું સ્થિતિ છે
- મામલતદાર આપત્તિ વ્યવસ્થાપન ૮૭૮૦૯૨૩૫૦૮ (નિવૃત નવેમ્બર ૨૦૨૨)
- નાયબ મામલતદાર ફ્લડ-૯૯૯૮૪૦૦૦૦૪ (સ્વિચ ઓફ અવસ્થા)
- ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફીસર -૭૮૭૮૧૨૮૩૦૩ (બદલી થઈ ગઈ)
- નાયબ કાર્યપાલક ઇજનેર પુર નિયંત્રણ કક્ષ - ૮૫૧૧૩૭૬૬૬૧ (નિવૃત ફેબ્રુઆરી ૨૦૨૪)
- અધિક ઇજનેર સિંચાઇ- ૯૪૨૮૪૦૫૮૯૧ (બદલી થઈ ગઈ)
- નાયબ મામલતદાર ડિઝાસ્ટર-૯૮૨૫૬૨૬૫૩૦ (બે વર્ષ પહેલાં બદલી)
- કાર્યપાલક ઇજનેર - ૯૯૨૪૭૯૪૫૩૭ (બે વર્ષ પહેલાં બદલી)
આ વિશે આપત્તિ વ્યવસ્થાપન મામલતદાર કૌશિક વાળાએ એક નિવેદનમાં જણાવ્યું કે, સિંચાઇ વિભાગના કોઇ ઓપરેટર દ્વારા લેટરમાં શરત ચૂક થઇ હોઈ શકે છે. આ શરતચૂકની નોંધ લઇ નિવાસી અધિક કલેક્ટરે કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગને પત્ર લખી તકેદારી રાખવા સુચના આપી છે. નદીમાં પાણી છોડતાં પહેલાં એક કલાક અગાઉ જાણ કરવા પણ સૂચના અપાઈ છે.
બુકલેટમાંથી નંબર કોપી પેસ્ટ કરીને મૂકી દેવાયા
વાસણા બેરેજમાંથી પાણીની વિગત લઈને વસ્ત્રાપુર કચેરીને મોકલાય છે. ત્યાંથી આ વિગત કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા પાસે આવે છે. દર વર્ષે સરકાર બુકલેટ બહાર પાડે છે અને ડિઝાસ્ટર બુકલેટમાં આપત્તિ વ્યવસ્થાપન સહિત તમામ વિભાગોના અધિકારીઓના નંબર લખેલા હોય છે. તે પ્રમાણે ડિઝાસ્ટર બુકલેટ દ્વારા જાહેર કરાયેલા નંબર પ્રેસનોટમાં છાપવામાં આવતો હોય છે પણ સુધારા વગર બુકલેટ કોપી પેસ્ટ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે