કાળી વાસ્તવિકતા જીવતા વડીલોનું જીવન એક દિવસ માટે બન્યું રંગીન
કોઇપણ પ્રકારના ગુના વગર જાણે કે સજા ભોગવતા હોય તેવી રીતે ઘણા વૃદ્ધો પોતાના પરિવારથી દુર વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે જેથી કરીને તેમની જિંદગી બેરંગ બની ગઈ હોય છે
Trending Photos
હિમાંશુ ભટ્ટ, મોરબી : કોઇપણ પ્રકારના ગુના વગર જાણે કે સજા ભોગવતા હોય તેવી રીતે ઘણા વૃદ્ધો પોતાના પરિવારથી દુર વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે જેથી કરીને તેમની જિંદગી બેરંગ બની ગઈ હોય છે ત્યારે રંગોના તહેવાર એટલે કે હોળી ધૂળેટી પહેલા મોરબીના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોના જીવનમાં રંગો પુરવા માટે ચિંતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ધુળેટીના તહેવારની નાના મોટા સહુ કોઈ પોતાના મિત્રો, સગા સ્નેહીઓ સાથે અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. જોકે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને તેના જ પરિવારજનો દ્વારા તરછોડી દેવામાં આવ્યા હોય છે જેથી તેના જીવનમાંથી રંગ ઉડી ગયો હોય છે. આ લોકોના જીવનમાં પણ નવા રંગ પથરાય તે માટે થઈને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ચિંતન વિદ્યાલય શાળાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ માટે શોભેશ્વર રોડ પર આવેલ વૃદ્ધાશ્રમ ખાતે રંગ લઈને પહોંચ્યા હતા અને ત્યાં વૃદ્ધોને રંગ ઉડાડીને તેઓની સાથે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વૃદ્ધો પણ બાળકોની સાથે બાળક બનીને રંગોત્સવમાં જોડાયા હતા અને તેમને પણ તેઓ નાનપણના દિવસો યાદ આવી ગયા હતા
મોરબીના વૃદ્ધાશ્રમમાં આજની તારીખે જુદાજુદા શહેરોમાંથી આવેલા કુલ મળીને ૬૦ જેટલા વૃદ્ધો પોતાના પરિવારથી અલગ રહીને એકલા અટૂલા પોતાની જિંદગી જીવી રહ્યા છે ત્યારે આ લોકોને તહેવારો ઉજવવાનો ઉત્સાહ પણ હવે રહ્યો નથી. આવા સમયે વૃદ્ધોના જીવનમાં પણ રંગોના તહેવારની સાથે રંગ પથરાય તે માટેનો પ્રયાસ ચિંતન વિદ્યાલયના સંચાલકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને વૃદ્ધાશ્રમના સંચાલક તરફથી પણ પૂરતો સહયોગ મળ્યો હોવાથી આજે વૃદ્ધાશ્રમમાં રંગેચંગે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અહીં વૃદ્ધોએ એકમેકને રંગ ઉડાવીને રંગોત્સવની ઉજવણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે