આ ભાવે અમેરિકામાં વેચાય છે ગીરની કેસર કેરી, આ રીતે કેસર કેરીનો સ્વાદ અને સુગંધ પહોંચે છે અમેરિકા

Mango Export : ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટી ખુશખબર છે. અમદાવાદના બાવળા ખાતે આવેલા ઈ-રેડિએશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી છે. જેમાં 3 કિલો જેટલી કેરીવાળા એક બોક્સનું અમેરિકામાં 30થી 38 ડોલરમાં વેચાણ થઈ રહ્યું છે. કેરીની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો ગુજરાતનો બાવળામાં પહેલો પ્લાન્ટ છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ની વ્યવસ્થા અને એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શનથી ગુજરાતના  ખેડૂતો અને નિકાસકારોને મબલખ નફો મેળવી રહ્યાં છે. 

આ ભાવે અમેરિકામાં વેચાય છે ગીરની કેસર કેરી, આ રીતે કેસર કેરીનો સ્વાદ અને સુગંધ પહોંચે છે અમેરિકા

Gir Somnath News : ગીર-તાલાળા ટુ અમેરિકા, વાયા બાવળા...હા, આ રૂટ થકી જ જૂનાગઢના તાલાળા ગીરની કેસર કેરીનો સ્વાદ અને સુગંધ છેક અમેરિકા પહોંચે છે. કેસર કેરી પકવતા ખેડૂતોની મહેનતને ડોલરથી પોંખવાની આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પુરૂષાર્થ પણ સામેલ છે. કારણ કે, યુએસએફડી અર્થાત યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડોથી બગીચામાં ઉછેરવામાં આવેલી કેરીનું ઈ-રેડિયેશન અને ક્વોલિટી કંટ્રોલની પ્રોસેસ નિકાસની પરવાનગી મેળવવાનું પાયાનું માધ્યમ છે. 

બાવળા ખાતેના પ્લાન્ટમાં થાય છે ઈ-રેડિએશનની પ્રક્રિયા, ચાલુ વર્ષે (2024માં) 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી

તાલાળાની ગુણવત્તાયુક્ત કેસર કેરી પકવતા અને અમેરિકા ખાતે નિકાસ કરવા ઈચ્છતા હજારો ખેડૂતો તેમના ઉત્પાદનને નિયત કરેલા માપદંડો પ્રમાણે પેકિંગ કરીને ઈ-રેડિએશન કરવા માટે અમદાવાદ મોકલે છે. અમદાવાદના બાવળા ખાતે આવેલા ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GARPF) ખાતે આ કેરીઓનું ઈ-રેડિએશન કરવામાં આવે છે. ઈ-રેડિએશન કરવા માટે નિકાસકારો પાસેથી પ્રતિબોક્સ નિર્ધારીત કરેલી રકમ વસુલવામાં આવે છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અને એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ગત વર્ષે (2023માં) પણ 205 ટનથી વધુ કેરીનું ઈ-રેડિએશન કરી નિકાસ કરાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે (2024માં) અત્યારસુધીમાં 215 ટનથી વધુ કેરીની નિકાસ અમેરિકા ખાતે કરવામાં આવી છે.

અમેરિકાથી આવનાર ક્વોરન્ટીન નિરીક્ષક દ્વારા ચકાસણી
અમેરિકા નિકાસ કરવા માટે આવતી કેરીનું ઈ-રેડિએશન ફરજિયાત છે. આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાથી આવનાર ક્વોરન્ટીન નિરીક્ષકની દેખરેખ હેઠળ થાય છે. તેઓ નિકાસ થનાર જથ્થામાંથી કેટલાક સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે. જેમાં મુખ્યત્વે સૂક્ષ્મ જીવાણુઓની હાજરી તપાસવામાં આવે છે. આ નિરીક્ષક તરફથી મળતી રવાનગીને આધારે કેરીના બોક્સ પર ઈ-રેડિએશન થયાનું સર્ટિફીકેટ લગાવવામાં આવે છે. જે કેરી નિકાસ કરવાપાત્ર ગુણવત્તા ધરાવતી હોવાનો મુખ્ય દસ્તાવેજ છે. જો કોઈ બોક્સ પર આવું સર્ટિફીકેટ ન હોય તો તેની નિકાસ થઈ શકતી નથી. 

અમેરિકા ખાતે 3 કિલો જેટલી કેરીના બોક્સનું વેચાણ 30થી 38 ડોલરમાં થાય

તાલાળાના ખેડૂતોને કેસર કેરીની નિકાસ થકી અમેરિકામાં ખૂબ સારા ભાવ મળતા હોય છે. ભારત કરતા અલગ રીતે અને વધુ ચોક્કસાઈથી આ કેરીનું પેકેજિંગ કરવામાં આવે છે. એક બોક્સમાં 3 કિલો જેટલી કેરી મુકવામાં આવે છે. બોક્સની અંદરના ભાગમાં ચારે તરફ જાળીનું આવરણ કરવામાં આવે છે. ઈ-રેડિએશન કરાયેલા એક બોક્સનું વેચાણ અમેરિકા ખાતે 30થી 38 ડોલરમાં કરવામાં આવે છે. આ ભાવનો સીધો ફાયદો નિકાસકાર ખેડૂતને થાય છે. 

બાવળાના ઈ-રેડિએશન પ્લાન્ટને 2022માં કેરીના નિકાસ માટે અમેરિકા દ્વારા લીલીઝંડી

અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસે નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન (NPPO)ની ટીમ સાથે ગુજરાત એગ્રો પ્રોસેસિંગ પ્રોસેસિંગ ફેસિલિટીનું ઓડિટ કર્યું હતું. તા. 2 જુલાઈ, 2022ના રોજ બાવળા સ્થિત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી. કેરીની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ ગુજરાતનો પહેલો પ્લાન્ટ છે. 

ડુંગળી, બટેટા, અનાજ, કઠોળ, ઈસબગુલ, મસાલા, સૂકી ડુંગળી/સૂકા શાકભાજીને ઈરેડિએટ કરી શકાય તેવી એકમાત્ર સરકારી ફેસેલિટી

રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (RKVY) હેઠળ 2014માં અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે કૃષિ અને પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનો માટે 1,000 કિલો-ક્યુરી (kCi) મલ્ટીપર્પઝ સ્પ્લિટ ટાઈપ, પેલેટાઈઝ્ડ રેડિએશન પ્રોસેસિંગ સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (GAIC) દ્વારા આ મલ્ટિ પર્પઝ રેડિએશન પ્રોસેસિંગ પ્લાન્ટનું નિર્માણ કેન્દ્ર સરકારની 17.50 કરોડની ગ્રાન્ટમાંથી કરાયું હતું. 

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) અને બોર્ડ ઓફ રેડિએશન અને આઇસોટોપ ટેક્નોલોજીના (BRIT) ટેક્નિકલ માર્ગદર્શન અને સહાયથી આ સુવિધા વિકસિત કરવામા આવી છે. ભારતમાં આ એકમાત્ર સુવિધા છે જે ડુંગળી, બટેટા, અનાજ, કઠોળ, ઈસબગોલ, મસાલા, સૂકી ડુંગળી/સૂકા શાકભાજીને ઓછા, મધ્યમ અને ઉચ્ચ માત્રાના ડોઝમાં જરૂરિયાત અનુસાર ઈરેડિએટ કરી શકે છે. આમ, અમદાવાદના બાવળાનો આ પ્લાન્ટ નિકાસને પ્રોત્સાહન આપવાના એક અસરકારક પ્રયાસની સાબિતી બન્યો છે. વિદેશના ધારાધોરણો અનુસાર નિકાસ કરવા માટે યોગ્ય ઉત્પાદનોને ઈ-રેડિએટ કરવા માટેના પ્લાન્ટના નિર્માણથી નિકાસકારોને પણ ખૂબ સરળતા અને સુવિધા રહે છે.

(આલેખન : વિવેક, કુલદીપ, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news