નવરાત્રીનું આયોજન રદ્દ રહેતા ગોધરાના અનેક મુસ્લિમ પરિવારોમાં શોકનો માહોલ
Trending Photos
* નવરાત્રી રદ્દ રહેવાને કારણે અનેક મુસ્લિમ પરિવારો બેકારીના ખપ્પરમાં હોમાયા
* ગોધરાના લાકડાના દાંડીયા સમગ્ર વિશ્વમાં વખાણવામાં આવે છે
* નવરાત્રીનું આયોજન જ રદ્દ રહેતા દાંડીયાની માંગ નહી રહેતા લાખોનો માલ પડ્યો
જયેન્દ્ર ભોઇ/ગોધરા : કોરોના મહામારી વચ્ચે નવરાત્રી પર્વની ઉજવણી આ વર્ષે માત્ર શક્તિની ઉપાસનાનું પર્વ બની રહેશે. જેને લઈ ખેલૈયાઓનો ઉત્સાહ તો ઓસર્યો જ છે. બીજી તરફ સરકારની જોગવાઈ અનુસાર રાસ ગરબાના જાહેર કાર્યક્રમ નહીં યોજાય. જેથી કલાકારોથી માંડી ઘણા બધા વ્યવસાયકારોને અસર પહોંચવાની છે. જેમાં નવરાત્રી દાંડિયા લઈ ગરબે ઘુમતા ખેલૈયાને દાંડિયા પુરા પાડતા ગોધરાના વેપારીઓની હાલત પણ આ વર્ષે કફોડી બની છે.આ વર્ષે નવરાત્રીમાં ગરબાના જાહેર કાર્યક્રમ મોકૂફ છે. જેથી બજારમાં દાંડિયા વેચાણ થવાનું નથી. જેની સીધી અસર ઉત્પાદન કર્તાઓને વધારે પડી છે, કારણ કે સમગ્ર વિશ્વમાં દાંડિયા ઉત્પાદનનું હબ ગોધરાને માનવા માં આવે છે. ગોધરામાં આવેલા 200 થી વધુ કારખાનામાં મુસ્લિમ પરિવારો આજ વ્યવસાય પર નભે છે. જે હવે બેકારી ના ખપ્પર માં હોમાઈ જવા ની તૈયારીમાં છે.
નવરાત્રી દરમ્યાન રાસ રમવા માટે ઉપયોગ માં લેવાતા દાંડિયા પંચમહાલના મુખ્ય મથક ગોધરામાં બનાવવામાં આવે છે. ગોધરા શહેર દાંડિયા ઉત્પાદનનું હબ છે. સમગ્ર ભારત અને વિશ્વમાં અહીંથી જ વિવિધ આકાર અને પ્રકાર તથા રંગબેરંગી દાંડિયા સપ્લાય કરવા માં આવે છે. જે પંચમહાલ જિલ્લા માટે ગૌરવપૂર્ણ છે. એથી પણ વિશેષ વાત એ છે કે, ગોધરાના દાંડિયા કોમી એખલાસ અને ભાઈચારાનું પણ પ્રતીક છે. ગોધરા માં બનતા દાંડિયા ગોધરાના જ મુસ્લિમ પરિવારો દ્વારા વર્ષોથી હોંશે હોંશે બનાવવામાં આવે છે. નવરાત્રી આ મુસ્લિમ પરિવારો મટે તો ઈદ ના તહેવાર સમાન છે અને તેથી જ તો આ દાંડિયા ઉત્પાદકો દ્વારા વર્ષમાં બે વખત નવરાત્રી ઉજવાય તેવો ઉત્સાહ વ્યક્ત કરાઈ રહ્યો છે. પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં નવરાત્રી પર્વના આગમન પૂર્વે પાંચ થી છ માસ અગાઉ દાંડિયાનું ઉત્પાદન શરૂ થઇ જતું હોય છે. ભારતના અલગ અલગ રાજ્યો સહીત અમેરિકા,યુરોપ,યુ.એ.ઈ.સહીત વિશ્વ ના અનેક દેશો માં દાંડિયા ગોધરા થી જ પહોંચાડતા હોય છે.
ગોધરા માં બનતા લાકડાના દાંડિયા બનાવવાના વ્યવસાયથી ગોધરા ના 200 થી વધુ મુસ્લિમ પરિવારો અને હજારોની સંખ્યામાં કારીગરો રોજગારી મેળવી રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકડાઉન બાદ દાંડિયા ઉત્પાદન કર્તાઓએ નવરાત્રીમાં દાંડિયા વેચાણ થવાની આશાએ ઉત્પાદન શરૂ કરી દીધું હતું. પરંતુ કોરોના મહામારીએ દાંડિયા ઉત્પાદકો અને તેમાં કામ કરતા કારીગરોની આશા પર પાણી ફેરવી નાખ્યું. કારણ કે દર વર્ષની જેમ આ વખતે પણ દાંડિયા બનાવવાની શરૂઆત તો ફેબ્રુઆરી મહિનાના અંતથી થઇ ચુકી હતી. અચાનક માર્ચ મહિનામાં લોકડાઉન થતા દાંડિયા બનાવતા કારખાના પણ બંધ કરવાની ફરઝ પડી. જેને કારણે આ વ્યવસાય સાથે સંક્ળાયેલ દાંડિયા બનાવતા 200 થી વધૂ કારખાનાના માલિકો અને તેમાં કામ કરતા 500 થી વધુ પરિવાર બેકારીના ખપ્પર માં હોમાઈ ગયા છે.
ગોધરાના દાંડિયા બનાવવાના વ્યવસાય સાથે જોડાયેલ કારખાનાના માલિકો અને તેમાંથી આજીવિકા મેળવતા હજારો કારીગરો કોરોનાના કારણે બેકારીના ખપ્પરમાં હોમાયા બાદ હવે મર્યાદિત અનલોકની સાથે સાથે દાંડિયા બનાવવાનું છોડી લાકડાની અન્ય બનાવટો બનાવતા થયા છે, પરંતુ પહેલા 300 રૂપિયાથી વધુ રોજિંદી કમાણી કરતા કારીગર હવે માત્ર 100 રૂપિયાની આસપાસ આવક મેળવતા થયા છે. જેનાથી તેમના પરિવાર નું ભરણ પોષણ શક્ય નથી. દાંડિયા ઉત્પાદકો અને કારીગરો બેકાર થતા ગોધરાના આગેવાનો પણ તેમની વ્હારે આવ્યા છે. દાંડિયા ઉત્પાદકો અને કારીગરોની સાથે સાથે સ્થાનિક આગેવાનો પણ ગુજરાતને સમગ્ર વિશ્વમાં નામના અપાવનાર ગોધરાના દાંડિયા ઉદ્યોગના માલિકો અને કારીગરો માટે વિશેષ રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે