ભૂપેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ઔદ્યોગિક એકમોના ગેરકાયદેસર બાંધકામ કરાશે કાયદેસર

ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જાહેરાત કરતા મંત્રી રાજપૂતે ઉમેર્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "આત્મ નિર્ભર ભારત"ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ "આત્મ નિર્ભર ગુજરાત" થકી "આત્મ-નિર્ભર ભારત"ના નિર્માણનું સપનું સેવ્યું છે.

ભૂપેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, ઔદ્યોગિક એકમોના ગેરકાયદેસર બાંધકામ કરાશે કાયદેસર

ગાંધીનગર: રાજયમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય એ માટે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો ને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે રાજ્યની જી.આઈ.ડી.સીમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 50 ચો.મીથી લઈને 300 ચો.મીથી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લેવાયેલ આ મહત્વના નિર્ણય અંગે રાજ્ય સરકારે નવી નીતિ અમલી કરી છે. એની ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જાહેરાત કરતા મંત્રી રાજપૂતે ઉમેર્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "આત્મ નિર્ભર ભારત"ના સપનાને સાકાર કરવા ગુજરાતે પણ "આત્મ નિર્ભર ગુજરાત" થકી "આત્મ-નિર્ભર ભારત"ના નિર્માણનું સપનું સેવ્યું છે. તેને સાકાર કરવામાં આ નિર્ણય મહત્વનો સાબિત થશે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત આજે પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં મોખરે રહ્યું છે, જેના પરિણામે રોલ મોડલ ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો આજે મીટ માંડીને બેઠા છે. જે માત્રને માત્ર રાજ્ય સરકારની પારદર્શી અને ટેકનોસેવી નીતિઓને પરિણામે શક્ય બન્યું છે. રાજયમાં આવા ઉદ્યોગો થકી સ્થાનિક રોજગારીનું વધુને વધું સર્જન થાય એ આશયથી આ નીતિ અમલી કરાશે.

મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જી.આઇ.ડી.સી.ની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જી.આઇ. ડી.સી વસાહતમાં અનઅધિકૃત બાંધકામના બનાવો વધવા પામ્યા છે. આ પ્રકારના બાંધકામ દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ, રોજગારી અને સંલગ્ન રોકાણ ઉપર નકારાત્મક અસર થવા પામે છે. આ બાબતો ધ્યાને લઇ જી.આઇ.ડી.સી દ્વારા આવા અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો છે, જે આગામી ચાર મહિના સુધી અમલમાં રહેશે. જી.આઇ.ડી.સીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકોને પુષ્કળ તકો આપી મહત્વની ભૂમિકા અદા કરી છે. ગુજરાતમાં હાલમાં 220 કરતાં પણ વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે. જેમાં 70,000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે, આ તમામને આ નીતિનો લાભ મળશે.

મંત્રીએ ઉમેર્યું કે, આ નવી નીતિના અમલથી જીઆઈડીસીમાં 50 ચો.મીથી લઈને 300 ચો.મી થી વધુ કદના બાંધકામો નિયત દર લઈ નિયમિત કરાશે.

તેમણે નિયત કરાયેલા દરોની વિગતો આપતા કહ્યું કે, કુલ બાંધકામ 50 ચો.મી. સુધીનું બાંધકામ નિયત કરવા માટે રૂા.3000ની ફી ભરવાની રહેશે. એ જ રીતે કુલ બાંધકામ 50 ચો.મી.થી વધુ અને 100 ચો.મી. સુધી રૂા. 3000 વત્તા વધારાના રૂા.3000,કુલ બાંધકામ 100 ચો.મી. થી વધુ અને 200 ચો.મી સુધી રૂા.6000 વત્તા વધારાના રૂા.6000,કુલ બાંધકામ 200 ચો.મી. થી વધુ અને 300 ચો.મી સુધી રૂા. 12000 વત્તા વધારાના રૂા.6000,તેમજ કુલ બાંધકામ 300 ચો.મી. થી વધુ માટે રૂા.18000 વત્તા વધારાના રૂા.150 પ્રતિ ચો.મી 300 ચો.મી.થી વધારાના વિસ્તાર માટે ભરવાના રહેશે.

તેમણે ઉમેર્યું કે, આ દર રહેણાંક માટે અમલી રહેશે જ્યારે રહેણાંક ઉપરાંત બીજા વપરાશ માટે બે ગણા દર ફાળવણીદાર દ્વારા ચૂકવવાનો રહેશે.  

આ નીતિ અંતર્ગત રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે કોમન પ્લોટમાં જમીન વપરાશના 50% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. તેમજ વપરાશમાં ફેરફાર (Change of use) તથા મકાનની વધારાની ઉંચાઇ નિયમિત કરવાની જોગવાઇ રાખવામાં આવી નથી. 

આ ઉપરાંત રહેણાંક વપરાશ માટે ખૂટતાં પાર્કિગ માટે જે તે વસાહતના ફાળવણી દરના 15% તથા રહેણાંક સિવાય અન્ય વપરાશ માટે ફાળવણી દરના ૩૦%ના દરે દંડ વસુલવામાં આવશે. રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે સી-જીડીસીઆર-2017ના ડી-9 વર્ગ મુજબ મળતાં મહત્તમ એફ.એસ.આઇ.થી 50% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે 33% વધારે એફ.એસ.આઇ. નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું કે, આ જોગવાઇઓ જોખમી અને હાનિકારક (hazardous /obnoxious) ઉદ્યોગોને લાગુ પડશે નહિ તથા પ્લોટની બહાર કરવામાં આવેલ કોઇ પણ બાંધકામને નિયમિત કરવામાં આવશે નહીં. અરજદાર દ્વારા નિયત નમૂનામાં અને નિયત પદ્ધતિથી  આ નીતિના પરિપત્ર થયેથી ચાર મહિનાની અંદર અરજી કરવાની રહેશે. આ વિનિયમો કાયમી નથી તથા આ પરિપત્રની તારીખથી અગાઉ કરેલ બાંધકામ ઉપર લાગુ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,વર્ષ 1962માં જીઆઇડીસીની સ્થાપના થયા પછી અત્યારસુધી ગુજરાત રાજયના ઔદ્યોગિક વિકાસમાં જી.આઇ.ડી.સીનો મહત્વનો ફાળો રહ્યો છે અને આજે ગુજરાત કેમીકલ, પેટ્રોકેમીકલ, ઓટો, ફાર્માશ્યુટીકલ, એન્જીનીયરીંગ, ટેક્ષટાઇલ અને જવેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજયોની સરખામણીમાં આગળ છે ત્યારે આવા ઉદ્યોગકારો માટે આ નવી નીતિ પ્રેરક બળ પુરૂ પાડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news