જૂનાગઢ: PM મોદીના કાર્યક્રમ અગાઉ PAASના 25 કાર્યકરો નજરકેદ, વિરોધની આપી હતી ચીમકી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની વતનયાત્રા પર છે. આ દરમિયાન તેઓ વિવિધ જનતાલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કરવાના છે.
Trending Photos
હનિફ ખોખર, જૂનાગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસની વતનયાત્રા પર છે. આ દરમિયાન તેઓ વિવિધ જનતાલક્ષી પરિયોજનાઓનો શુભારંભ કરવાના છે. નવી દિલ્હીથી સુરત અને ત્યારબાદ વલસાડની મુલાકાત લેશે. વલસાડથી બપોરે 12.30 કલાકે જૂનાગઢ જવા રવાના થશે અને 2.25 વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાન આવી પહોંચશે. જો કે આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો દ્વારા વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ ચીમકીના પગલે જૂનાગઢ પોલીસે પાસના 25 જેટલા કાર્યકરોને નજરકેદ કર્યા છે. જૂનાગઢ વિસાવદર સહિતના તાલુકાના કાર્યકરોને પણ પોલીસે અટકાયતમાં લીધા છે. તમામ કાર્યકરોને ક્રાઈમ બ્રાન્ચમાં રાખવામાં આવ્યાં છે. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ તેમને મુક્ત કરવામાં આવશે.
જૂનાગઢમાં તેઓ રૂ. 275 કરોડના ખર્ચે નવનિર્મિત 300 બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનિક ઈન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડીંગ, નવી ફિશરીઝ કોલેજના ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ધાટન કરશે. તેમજ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનો લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જાહેર સભા સંબોધશે.
વડાપ્રધાન એક જ દિવસમાં જૂનાગઢમાં રૂ. 450 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્ન કરવાના છે.ત્યાર બાદ તેઓ સાંજે 6.00 કલાકે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે