અમિત શાહે ડ્રગ્સની દાણચોરીને સમાજ માટે ગણાવી ઘાતક, NCB એ નષ્ટ્ર કર્યું 31,000 કિલો ડ્રગ્સ
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સની દાણચોરી અને પ્રસાર કોઇ પણ સમાજ માટે ખૂબ જ ઘાતક હોય છે. નશીલા પદાર્થોની તસ્કરી બાદ જ્યારે તે સમાજમાં ફેલાય છે ત્યારે પેઢીઓને ખોખલી બનાવી દે છે અને દેશ અને સમાજનાં મૂળિયા ખોખલા કરવા ઉધઈની જેમ કામ કરે છે.
Trending Photos
Conference On Drug Trafficking:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ચંદીગઢમાં નશીલાં દ્રવ્યોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર રાષ્ટ્રીય સંમેલનને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ અને પંજાબના મુખ્યમંત્રીઓ, ચંદીગઢના વહીવટકર્તા, બીએસએફ, એનઆઈએ અને એનસીબીના અધિકારીઓ તેમજ રાજ્યોના એએનટીએફના વડા અને એન્કોર્ડના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દેશના ચાર શહેરોમાં પકડાયેલા લગભગ 31,000 કિલોગ્રામ ડ્રગ્સને સળગાવી નષ્ટ કરી દીધું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સની દાણચોરી અને પ્રસાર કોઇ પણ સમાજ માટે ખૂબ જ ઘાતક હોય છે. નશીલા પદાર્થોની તસ્કરી બાદ જ્યારે તે સમાજમાં ફેલાય છે ત્યારે પેઢીઓને ખોખલી બનાવી દે છે અને દેશ અને સમાજનાં મૂળિયા ખોખલા કરવા ઉધઈની જેમ કામ કરે છે. નશીલા દ્રવ્યોની દાણચોરી સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવ્યા વિના કોઈ પણ તંદુરસ્ત, સમૃદ્ધ, સક્ષમ અને સલામત રાષ્ટ્ર તેનો હેતુ સિદ્ધ કરી શકે નહીં. તેમણે કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈ સામાજિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તે દેશની અર્થવ્યવસ્થાને ખોખલી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ડ્રગ્સના વેપારથી ઉત્પન્ન થતા ગંદા નાણાંનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. એક તરફ નશીલા પદાર્થોની તસ્કરી અને તેના પ્રસારને અટકાવીને આપણે આવનારી પેઢીઓને બરબાદીથી બચાવવા માગીએ છીએ, સાથે જ નશાના વેપારથી પેદા થતા ગંદા નાણાંનો ઉપયોગ દેશની વિરુદ્ધ કરવામાં આવે છે, તેને રોકવાનું પણ આપણા દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2014માં નરેન્દ્ર મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી જ ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને ધીમે ધીમે આપણે સિસ્ટમમાં રહેલી ખામીઓને પૂરીને ડ્રગ્સ સામેની લડાઈને અભેદ્ય અને ઝડપી ગતિએ ચાલનારી લડાઈ બનાવી છે. "આઝાદી પછી, આટલી સ્પષ્ટ દિશા અને ગતિ સાથે ડ્રગ્સ સામેની લડાઈ ક્યારેય નહોતી થઈ, પરંતુ આજે એક સ્પષ્ટ દિશા અને ઝડપી ગતિ સાથે, અમે ડ્રગ્સ સામેની લડાઈને આગળ વધારવામાં સફળ થયા છીએ. એનાં પરિણામો પણ આવ્યાં છે. ડ્રગ્સની વ્યક્તિ, સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષા પર ખરાબ અસર પડે છે, તેથી તેને મૂળ સહિત દ્રઢતાથી ઉખેડી નાખવું જરૂરી છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત સરકારે ગૃહ મંત્રાલય, સમાજ કલ્યાણ મંત્રાલય, મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળીને ખૂબ જ સારી ડિઝાઇન સાથે એનસીબી મારફતે આ લડાઇ લડવાનું શરૂ કર્યું છે. આ લડાઈ ગૃહ મંત્રાલય એકલા હાથે લડી શકે નહીં. જે બાળકો નશામાં ચૂર છે, આપણે તેમને પણ બહાર કાઢવાં પડશે અને તે માટે સામાજિક ન્યાય મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયની પણ જરૂર છે. યુવાનોને નશાની લત ન લાગે તે માટે શિક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય મંત્રાલય અને ગૃહ મંત્રાલયે મળીને સાથે મળીને કામ કરવું પડશે. તેમાંથી પેદા થતા ગંદા નાણાંથી દેશની સુરક્ષામાં કોઈ ચૂક ન આવે અને આવા વિચાર ધરાવતા લોકોને રોકવા માટે ગૃહ મંત્રાલય પણ ખૂબ જ કઠોરતાથી કામ કરી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, ડ્રગ્સ સામેની લડાઈમાં ગૃહ મંત્રાલય બહુઆયામી અભિગમ સાથે આગળ વધ્યું છે. આ માટે અનેક વહીવટી સુધારાઓ કરવામાં આવ્યા છે, નવી પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવી છે અને રાજ્યોને તેની સાથે જોડવા માટે સક્રિય અભિગમ અપનાવ્યો છે. એક તરફ ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે અત્યાધુનિક લેબ ઉપલબ્ધ થાય તે માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
તો બીજી તરફ કાયદાને કડક બનાવવા માટે પણ સૌની સાથે ચર્ચા ચાલી રહી છે. ત્રીજી તરફ, એન્કોર્ડ દ્વારા જિલ્લામાં કોઈ પણ પ્રકારની છટકબારીઓ ન રહે તે માટે એક એવું સમન્વય તંત્ર બનાવવાનું કામ પણ ગૃહ મંત્રાલયે 2019થી કર્યું છે. આ બધા સંકલિત પ્રયત્નોનાં જે પરિણામો મળ્યાં છે મનોબળમાં વધારો કરનારાં છે. આ પરિણામો દર્શાવે છે કે આ એવી સમસ્યા નથી કે જેનું નિદાન નથી અને મૂળ સહિત તેને સમાપ્ત ન કરી શકાય. તેમણે કહ્યું કે, જો જિલ્લા અને તાલુકા સુધી એન્કોર્ડ પહોંચે અને તમામ વિભાગો સાથે મળીને કામ કરે તો થોડાં વર્ષોમાં મોદીજીનું નશામુક્ત ભારતનું સપનું પૂરું થતું જોવા મળશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં મોદીજીનાં નેતૃત્વમાં નશીલા દ્રવ્યો સામેની લડાઈનાં સારાં પરિણામો મળ્યાં છે. 2006-2013ની સરખામણીએ 2014-2022 વચ્ચે છેલ્લાં 8 વર્ષમાં લગભગ 200 ટકા વધુ કેસ નોંધાયા છે. ધરપકડની સંખ્યામાં ૨૬૦ ટકાનો વધારો થયો છે. ક્વોલિટી કેસમાં ૮૦૦ ટકાનો વધારો થયો છે. ઝડપાયેલા ડ્રગ્સનો જથ્થો બમણાથી વધુ થઈ ગયો છે.
વર્ષ 2006થી 2013 વચ્ચે 1.52 લાખ કિલો નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યું હતું જ્યારે 2014થી 2022 વચ્ચે 3.3 લાખ કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું. અમે એવા ડ્રગ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે વધુ નુકસાન પહોંચાડે છે અને શરીર અને સમાજને ખોખલું કરે છે. 2006થી 2013 સુધીમાં 768 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું, જ્યારે 2014થી 2021 વચ્ચે 20,000 કરોડ રૂપિયાના ડ્રગ્સને પકડીને અને તેનો નાશ કરવા માટે અભિયાન ભારત સરકાર ચલાવી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આજના આ સેમિનારનો વિષય ખૂબ ગંભીર છે. અમે આ વિષય પર ભારત સરકારની ગંભીરતાને રાજ્યથી લઈને જિલ્લા સુધી, જિલ્લાથી લઈને તાલુકા અને તાલુકાથી ગ્રામ પંચાયત સુધી પહોંચાડવા માગીએ છીએ, તેથી જ અમે આ સેમિનારને પાંચ રાજ્યોનો સેમિનાર બનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, દેશનાં બે ક્ષેત્રો એવાં છે – ઉત્તર-પૂર્વ અને ઉત્તરી ભાગ, જ્યાં સરહદો પરથી ડ્રગ્સ આવે છે. પરંતુ આપણે આંખ આડા કાન કરી બેસી શકતા નથી કારણ કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે અને તેને શોધવાની જરૂર હોય છે.
આ લડાઈમાં રાજ્યોને સાથે લાવવા અને તાલમેલથી લડાઈ લડવી ખૂબ જ જરૂરી છે. જો નાર્કોટિક્સનાં ક્ષેત્રમાં કામ કરતી તમામ એજન્સીઓ વચ્ચે પ્લેટફોર્મ પર ચર્ચા થાય અને જો દરેકના પ્રયત્નો એકબીજાના પૂરક હોય, તો પરિણામો વધુ આવશે. આ સેમિનારનાં મનોમંથનમાંથી જે અમૃત નીકળશે તેનાથી આવનારી પેઢીઓને આપણે બચાવી શકીશું.
અમિત શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં સરકારે પોતાના અભિગમમાં મોટો ફેરફાર કર્યો છે. એનસીબીએ ઘણા પ્રયત્નોથી એસઓપી વિકસાવી છે. જો મોટા પ્રમાણમાં માદક દ્રવ્યો પકડાય તો તે ક્યાં જવાનું હતું ત્યાં સુધીની તપાસ કરવામાં આવે છે. જો કોઈ સેવન કરનાર પકડાય તો દેશની સરહદોમાં આ પદાર્થ ક્યાંથી આવ્યો, ત્યાં સુધીની તપાસ કરવી પડશે. ઉપરથી નીચે અને નીચેથી ઉપરની સમગ્ર તપાસ સાથેના આ અભિગમથી પરિણામો લાવવામાં ઘણી મદદ મળી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીના નિર્દેશો પર 1 જૂનથી 15 ઑગસ્ટ સુધી 75 દિવસ સુધી ડ્રગ્સ નષ્ટ કરવાનું અભિયાન શરૂ થયું અને અત્યાર સુધી 1200 કરોડ રૂપિયાનું 51000 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા નાશ કરાયેલા લગભગ 31 હજાર કિલોગ્રામ ડ્રગ્સની કાળા બજાર કિંમત લગભગ 800 કરોડ રૂપિયા છે. આમ, અત્યાર સુધીમાં આશરે રૂ. 2000 કરોડની કિંમતના 82,000 કિલો ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. 15 ઑગસ્ટના રોજ 75 દિવસનાં આ અભિયાનના અંતે તેનું વોલ્યુમ એક લાખ કિલોગ્રામ સુધી પહોંચી જશે, જેની અંદાજિત કાળા બજાર કિંમત લગભગ 3,000 કરોડ રૂપિયા હશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, આજે એન્કોર્ડ (NCORD) પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલથી દેશભરની તમામ એજન્સીઓ માત્ર માહિતી જ મેળવી શકશે એટલું જ નહીં પરંતુ તે એન્કોર્ડની શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન પણ હશે, દેશમાં નશીલા દ્રવ્યો વિશે જે સીમાચિહ્નરૂપ ચુકાદાઓ આવ્યા છે એ તમામ તેના પર ઉપલબ્ધ થશે, પ્રોસિક્યુશન અને પોસિક્યુટર બંનેને તાલીમ આપવામાં આવશે અને થ્રસ્ટ એરિયામાં આવેલા જિલ્લા કક્ષાના પોલીસ સ્ટેશન સુધી માહિતી સરળતાથી પહોંચી શકશે. તેમણે પોલીસ અને પાંચ રાજ્યોમાં નાર્કોટિક્સ સાથે જોડાયેલી તમામ એજન્સીઓને આ પોર્ટલનો ઉપયોગ કરવાની અપીલ કરતાં કહ્યું કે, તેના ઉપયોગથી આવનારા સમયમાં દેશભરમાં એક જ રીતે નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં મદદ મળશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, નાર્કો-ગુનેગારો પર નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ (ડાયગ્નોસ્ટિક્સ)ની પણ રચના કરવામાં આવી છે. તેમાં એનડીપીએસ અધિકૃત એજન્સીઓ અને એનસીબીના તમામ નાર્કો ગુનાઓનો ડેટા છે. તેમાં વિવિધ પ્રકારના મોડ્યુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, તેઓએ દરેકને ડાયગ્નોસ્ટિક ડેશબોર્ડનો યોગ્ય રીતે અભ્યાસ અને ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે શ્વાન દળની પણ શરૂઆત થઈ ગઈ છે અને ભારતીય કૂતરાઓને નાર્કોટિક્સની ટ્રેનિંગ આપવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં પણ આપણે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધીશું તેવો પૂરો વિશ્વાસ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે ગૃહ મંત્રાલયે સંસ્થાકીય માળખાને મજબૂત કરવા માટે ત્રિસ્તરીય ફોર્મ્યુલા પર કામ શરૂ કર્યું છે. એક તો તમામ નાર્કો એજન્સીઓનું સશક્તીકરણ અને સંકલન, જેથી તેમને વિશ્વભરમાં શ્રેષ્ઠ પ્રેક્ટિક્સ, શ્રેષ્ઠ ઉપકરણો અને સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે, બીજું વિસ્તૃત જાગૃતિ અભિયાન છે અને ત્રીજું છે નશામુક્તિ. ડ્રગ્સ સામેની લડાઈને આ ત્રણ મોરચામાં વિભાજિત કરવામાં આવી છે અને આ ત્રણેય ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી કામ થઈ રહ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે પંજાબમાં આ સમસ્યા વધારે છે કારણ કે તે સરહદી રાજ્ય છે, તેથી અહીં પ્રયાસ પણ વધુ કરવો પડશે. તેમણે કહ્યું કે અમૃતસરમાં પણ ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે અને એનસીબીનું એક નાનું કેન્દ્ર પણ ખોલીશું જે તાલીમ ઉપલબ્ધ કરાવશે. અમિત શાહે કહ્યું હતું કે, ભારત સરકાર નશીલા દ્રવ્યો સામેની લડાઈમાં પંજાબ સાથે ખભેખભો મિલાવીને ઊભી છે. અમે જાણીએ છીએ કે પંજાબના યુવાનોને ડ્રગ્સમાંથી બહાર કાઢવા પડશે અને પંજાબ આ માટે જે પણ પ્રયત્નો કરે છે તેની સાથે અમે છીએ.
અમિત શાહે જણાવ્યું હતું કે, તેઓ ખાતરી આપે છે કે, પંજાબમાં નશીલા દ્રવ્યો સામેની જે લડાઈ છે એમાં ભારત સરકાર મોદીજીનાં નેતૃત્વમાં મજબૂત સહયોગ આપશે. તેમણે કહ્યું કે ગેરકાયદે દવાઓની ખેતી માટે પણ રાજ્યમાં ડ્રોન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારીને તેને બહુ જલ્દી રોકવી પડશે. એનસીબી ભાસ્કરાચાર્ય કેન્દ્રના સહયોગથી સંયુક્ત પ્રયાસ કરી રહી છે, સેટેલાઇટ દ્વારા એરિયા આઇડેન્ટિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસ પ્રકારની સેટેલાઇટ ઇમેજની આઇડેન્ટિફિકેશન સિસ્ટમ પણ વિકસિત કરવામાં આવી રહી છે. આનાથી સચિવાલયની અંદર જ સર્વે નંબરની સાથે જે વિસ્તારમાં ડ્રગ્સની ખેતી કરવામાં આવે છે તેની માહિતી તમને મળી જશે, જો આવું થશે તો ડ્રગ્સનો નાશ કરવામાં કોઈ વિલંબ નહીં થાય. તેમણે તમામ રાજ્યોને વિનંતી કરી હતી કે તેઓ ભાસ્કરાચાર્ય સંસ્થાનો પણ સંપર્ક કરી શકે છે અને તે તેમની મદદ કરવા તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે