અન્ય યુવતી સાથે સંબંધની શંકામાં પત્નીએ ભાઈ સાથે મળી કરી દીધી પતિની હત્યા
મહેસાણામાં ગોપાલ ઠાકોર નામના કુખ્યાતની તેની પત્નીએ હત્યા કરી દીધી છે. પત્નીને શંકા ગઈ કે તેના પતિના અન્ય કોઈ યુવતી સાથે અફેર છે. ત્યારબાદ તેના ભાઈ સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ 'પતિ, પત્ની અને વો'ના કિસ્સામાં મહેસાણામાં એક પત્નીએ પોતાના જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. પતિના અન્ય યુવતી સાથેના સંબધના વહેમને લઇ પત્નીએ પોતાના ભાઈ સાથે મળી પતિ ન હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. પતિ સાથે અન્ય યુવતી સાથે સંબધને લઈને થયેલો ઝગડો એટલો ઉગ્ર બની ગયો કે પત્નીએ પહેલા પતિનો હાથ ભાંગી નાખ્યો અને ત્યારબાદ પત્ની અને સાળાએ પતિને છરીના ઉપરા ઉપરી 10થી વધુ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં ઘટનાસ્થળે જ પતિનું મોત થઈ ગયું હતું. તો પત્ની અને તેનો ભાઈ હત્યા નિપજાવ્યા બાદ પોલીસ સ્ટેશન જાતે જ હાજર થઈ ગયા હતા.
ગોપાલ ઠાકોર. આ નામ કદાચ ભાગ્યેજ મહેસાણામાં કોઈ એવું હશે કે જેને નહીં સાંભળ્યું હોય. મહેસાણાના ગોપીનાળા વિસ્તારમાં ગોપાલ ઠાકોરના નામની એક સમયે ભારે ધાક હતી. તેની સામે મારામારી અને હુમલો કરવાના અનેક ગુના નોંધાયેલા છે. આ કારણે ગોપાલ ઠાકોરનો એક સમયે મહેસાણામાં સિક્કો ચાલતો હતો. પણ કુખ્યાત એવા ગોપાલ ઠાકોરનો કરુણ અંજામ આવ્યો છે. તેની હત્યાને બીજા કોઈએ નહિ પણ તેની જ પત્ની ક્રિશ્ના ઠાકોર અને સાળા સુરેશ ઠાકોરે અંજામ આપ્યો છે. ગોપાલ ઠાકોર અન્ય યુવતી સાથે આડા સંબધના વહેમને લઇ અને પોતાના પતિ ગોપાલ ઠાકોરને યુવતી સાથે સંબધ તોડી નાખવા લાંબા સમયથી દબાણ કરતી હતી. પણ ગોપાલ ઠાકોરે સંબધ ચાલુ રાખતા હોવાની જાણ થતાં પત્ની ક્રિશ્ના ઠાકોરે પોતાના ભાઈ સુરેશ ઠાકોરની મદદ લીધી અને પોતાના જ પતિને સ્વધામ પહોંચાડી દીધો છે.
આ પણ વાંચોઃ 1981ના કાયદા હેઠળ LPG ગેસ ડિલરોને વિતરણ-વેચાણ માટે પરવાનગી લેવામાંથી મુક્તિઃ સરકારે કરી જાહેરાત
ગોપાલ ઠાકોર અનેક ગુનામાં સંડોવાયેલો હતો. તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, બળાત્કાર અને ખંડણી માગવાના ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. માથાભારે કહી શકાય તે પ્રકારની પ્રકૃતિ ધરાવતો ગોપાલ ઠાકોર અનેક વખત જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. ગોપાલની છાપ ખૂબ ખરાબ હોવાને કારણે તે પોતાની મનમાની કરવા ટેવાયેલો હતો. જો કે ગોપાલ ઠાકોરના તમામ કૃત્યમાં સાથ આપનાર પત્ની ક્રિશ્ના ઠાકોર ગોપાલના અન્ય યુવતી સાથેના સંબધ હોવાનું જાણી હચમચી ઉઠી હતી. જે બાબતને લઈને સોમવાર મોડી રાત્રે પતિ પત્ની વચ્ચે યુવતીને લઈને ઝગડો થયો. આ જગડામાં ઉશ્કેરાયેલા ગોપાલે પોતાની પાસેની છરી પત્નીને મારવાનો પ્રયાસ કર્યો. જો કે તે સમયે ક્રિશ્ના ઠાકોરનો ભાઈ સુરેશ આવી જતા ભાઈ બહેને ભેગા મળી ગોપાલ ઠાકોરને પાઇપનો ફટકો મારી હાથ ભાંગી નાખ્યો હતો. ત્યારબાદ બંને ભાઈ બહેન છરી વડે ગોપાલ ઉપર તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર ઇજા થવાને કારણે ગોપાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે