આ ઉનાળામાં રોજરોજ કેરીનો રસ નહીં ખાવા મળે કારણ કે...
ઉનાળો આવે એટલે કેરીના શોખીનો કાગડોળે કેરીની રાહ જોવા લાગે છે
Trending Photos
અમદાવાદ : ઉનાળો આવે એટલે કેરીના શોખીનો કાગડોળે કેરીની રાહ જોવા લાગે છે. જોકે આ વખતનો ઉનાળો કેરીનો શોખીનો માટે ખરાબ સમાચાર લાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે શિયાળામાં પડેલા કમોસમી વરસાદ, ઓછી ગરમી અને વાતાવરણમાં થયેલા અસામાન્ય ફેરફારને કારણે આ વર્ષે પ્રખ્યાત હાફૂસ અને કેસર કેરીનું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઉત્પાદન લગભગ 30 ટકા ઓછું થયું છે અને તેના કારણે ભાવમાં વધારો થાય તેવી પણ શક્યતા છે.
ગુજરાતમાં હાફુસનું ઉત્પાદન વલસાડ અને આસપાસના વિસ્તારમાં થાય છે. વલસાડની વાત કરીએ તો ગયા વર્ષે ત્યાં લગભગ 14 લાખ ટન હાફૂસ કેરીનું ઉત્પાદન થયુ હતું, પરંતુ નવેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પડેલા કમોસમી વરસાદને કારણે મ્હોરને અસર થઈ છે અને એને નુકસાન પહોંચ્યું છે. આ સંજોગોમાં હાફુસના ઉત્પાદનમાં લગભગ 30 ટકા ઘટાડો થયો છે.
હાફુસની વાત કરીએ તો ગયા વર્ષે સીઝનની શરુઆતમાં સારી ગુણવત્તા વાળી હાફુસ કેરી 800 રુપિયા પ્રતિ 20 કિલોના ભાવે વેચાઈ હતી અને પછીથી ભાવ ઘટીને 700 સુધી પહોંચ્યો હતો. કેસરનો ભાવ શરુઆતમાં 750 રુપિયા પ્રતિ 20 કિલો હતો અને 550 સુધી પહોંચ્યો હતો. આ વર્ષે કેરીના શોખીનોએ લગભગ 15 ટકા કિંમત વધારે ચુકવવા તૈયાર રહેવું પડશે. મળતી માહિતી પ્રમાણે ગીરની પ્રખ્યાત કેસર કેરીનું પણ ગયા વર્ષની સરખામણીમાં લગભગ 33,000 મેટ્રિક ટન ઉત્પાદન ઘટ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે