માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છે
Loksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
Trending Photos
Mansukh Mandaviya On Porbandar Lokabha : ગુજરાતની પોરબંદર બેઠક પર દેશભરની નજર છે અહીંથી મોદી સરકારના આરોગ્યમંત્રી ચૂંટણી લડી રહ્યાં છે. ગુજરાતમાં ભાજપે 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. ભાજપે માંડવિયાની જીત માટે ઓપરેશન લોટસ અંતર્ગત અર્જુંન મોઢવાડિયાને લઈને મહેર સમાજની વોટબેંક ભાજપમાં સેરવવાનો પ્રયાસ કર્યો છે. પણ માંડવિયા માટે અહીંથી જીત એટલી આસાન નહીં હોય. માંડવિયા માટે સૌથી મોટુ ટેન્શન એ મતદાન બની રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં પોરબંદર સીટ પર માત્ર 37.96 ટકા મતદાન થયું છે. માંડવિયાના ભરપૂર પ્રયાસો છતાં આ સીટ પર મતદાન વધી રહ્યું નથી. ગુજરાતમાં હાલમાં સૌથી ઓછું મતદાન એ પોરબંદરમાં છે. આ પ્રકારે મતદાન થયું તો માંડ 55થી 58 ટકા મતદાન પહોંચે તો આ સ્થિતિમાં માંડવિયા માટે 5 લાખની લીડ અશક્ય બની જશે. ગુજરાતમાં પોરબંદર સીટ પર પહેલાંથી ઓછું મતદાન થાય છે. ગત લોકસભાની ચૂંટણીમાં પણ 57 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં પણ મતદાન એ આંકડાએ પહોંચે તો પણ નવાઈ નહીં. માંડવિયા માટે પ્લસ પોઈન્ટ એ પણ છે કે મોઢવાડિયા આ ચૂંટણીમાં ભાજપમાં છે.
પોરબંદર બેઠકના લેટેસ્ટ અપડેટ
- બપોરે 3 વાગ્યા સુધીમાં નોંધાયેલ મતદાનના આંકડા
- પોરબંદર લોકસભા બેઠક પર 37.96 ટકા મતદાન
- પોરબંદર વિધાનસભા બેઠક પર 41.03 ટકા મતદાન
જ્યાં પીવાનું પાણી, રસ્તો, વીજળી અને એકપણ પાકું મકાન નથી ત્યાં કેવું મતદાન થાય છે જુઓ
કોંગ્રેસે 2019 લોકસભાના ઉમેદવાર લલિત વસોયાને અહીંથી રીપિટ કર્યા છે. ભાજપ અને કોંગ્રેસે અહીં પાટીદાર ઉમેદવાર ઉતારતાં આગામી દિવસોમાં અહીં ખરાખરીનો જંગ છે. ગત લોકસભામાં ભાજપે રમેશ ધડૂક પર આ સીટ પર દાવ ખેલ્યો હતો. જેમાં ધડૂક અહીંથી વિજેતા બન્યા હતા. આ સીટના સમીકરણો જોઈએ તો 7 વિધાનસભા સીટો ધરાવતી આ લોકસભામાં 2 બેઠકો કોંગ્રેસ શાસિત હોવાથી ભાજપે માંડવિયાને આસાનીથી જીતાડવા માટે 2 સીટના ધારાસભ્યોને ખેલ પાડી ભાજપમાં ભેળવી લીધા છે. લોકસભા મતવિસ્તારમાં સૌથી વધુ મત લેઉવા પટેલ સમુદાયના છે. મહેર સમાજની વસ્તી બીજા નંબરે છે અને આ નિર્ણાયક છે. કોળી અને લુહાણા સમુદાયની વસ્તી ત્રીજા ક્રમે આવે છે. માંડવિયા પર બહારના વ્યક્તિનું ટેગ હોવાથી અહીં સ્થાનિક નેતાઓનું સમર્થન જરૂરી છે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને અર્જુંન મોઢવાડિયા અહીં માંડવિયાના તારણહાર બની શકે છે. પોરબંદરની બેઠક પર 5 લાખ વોટની લીડથી જીત મેળવવા માટે માંડવિયાએ ચમત્કાર કરવો પડશે.
કુતિયાણામાં કાંધલનો દબદબો
2019ના ડેટા જોઈએ તો પોરબંદર વિધાનસભામાં 16.32 લાખ મતદારો હતા. જેમાંથી 9.51 લાખ લોકોએ વોટિંગ કર્યું હતું. આમ આ લોકસભા પર 57 ટકા વોટિંગ થયું હતું. 2024માં 18 લાખની આસપાસ મતદારો થયા હોય તો પણ ભાજપે અહીં 70 ટકાથી વધારે મતદાન કરાવવું એ જરૂરી છે. ગત લોકસભામાં લલિત વસોયાને 3.34 લાખ વોટ મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર 2.29 લાખ મતોથી જીત મેળવી હતી. માંડવિયા અહીં વન વે જીત મેળવે તો પણ 5 લાખની લીડથી જીતવું એ અઘરું છે. પોરબંદર વિધાનસભામાં ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ વિધાનસભા આવે છે. અહીં કુતિયાણા બેઠક પર એસપીના ધારાસભ્ય છે. અહીં કોંઘલ જાડેજાનો દબદબો છે. ભાજપે ઓપરેશન લોટસ અંતર્ગત પોરબંદર અને માણાવદરના 2 કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દઈને માંડવિયાને સીધો ફાયદો કરાવ્યો છે પણ અહીંની પ્રજા આ પક્ષપલટાને અવગણે એ પણ જરૂરી છે. પોરબંદર બેઠક એ ભાજપ અને કોંગ્રેસ બંનેનો ગઢ ગણાય છે પણ આ સમયે સમીકરણો માંડવિયાની તરફેણમાં છે. આમ છતાં લલિત વસોયાને અવગણવા ભારે પડી શકે છે. લલિત વસોયા એ પાટીદાર સમાજના નેતા છે. જેઓએ 2019ની લોકસભામાં 3.34 લાખ મત મેળવ્યા હતા.
2019થી મતોનું બદલાયું ચિત્ર
2009થી લઈને 2017 સુધી આ સીટ પર ભાજપ અને કોંગ્રેસને મળતા મતોની ટકાવારીમાં સામાન્ય તફાવત રહ્યો છે. 2019થી અહીં ચિંત્ર બદલાયું છે અને ભાજપ આગળ રહી છે. 2022ની વિધાનસભામાં અહીં કોંગ્રેસને 29.3 ટકા તો ભાજપને 44.9 ટકા વોટ મળ્યા હતા. છેલ્લી 3 લોકસભાની વાત કરીએ તો 2009માં અહીંથી સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા વિજેતા થયા હતા. જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ 2014માં અહીંથી સાસંદ બન્યા હતા. 2019માં અહીં ભાજપે રમેશ ધડૂક પર દાવ ખેલ્યો હતો. આ લોકસભાની ચૂંટણીમાં જયેશ રાદડિયા પણ દાવેદાર હતા પણ ભાજપે ધારાસભ્યોને ટિકિટ ન આપવાનું જણાવી પહેલેથી જ રાદડિયાનું પત્તું કાપી દીધું હતું. આજે રાદડિયા મનસુખ માંડવિયાને જીતાડવા માટે કમર કસી રહ્યાં છે. અર્જુંન મોઢવાડિયા પોરબંદર સીટ પરથી પેટા ચૂંટણી લડ્યા તો ભાજપને અહીં ફાયદો થવાની સંભાવના છે. લલિત વસોયા અહીં ધમપછાડા કરે તો પણ મનસુખ માંડવિયા જેવા કદાવર નેતાને અહીં હરાવવું એ કપરું છે. ભાજપે અહીં પહેલેથી જ સોગઠા ગોઠવી માંડવિયાની જીતને આસાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, મતદાને ટેન્શન આપ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે