રાજ્યસભાની ટિકિટ મેળવનાર રામ મોકરિયા ભાજપના જૂના જોગી છે, જનસંઘમાં શીખ્યા હતા રાજનીતિના પાઠ

રાજ્યસભાની ટિકિટ મેળવનાર રામ મોકરિયા ભાજપના જૂના જોગી છે, જનસંઘમાં શીખ્યા હતા રાજનીતિના પાઠ
  • પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા
  • હિંમત હાર્યા વિના આગળ વધેલા રામભાઈની નાની એવી કુરિયર સર્વિસ તારણહાર બની અને આજે મોટું વટવૃક્ષ બની ગઈ

ઉદય રંજન/રાજકોટ :ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે દિનેશભાઈ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાની પસંદગી કરી છે. દિનેશ પ્રજાપતિ પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તો રામ મોકરિયા બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપ તરફથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રામ મોકરિયાનું નામ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રથી શરૂ થયેલી અને હવે ભારતભરમાં ફેલાયેલી તેમની મારૂતિ કુરિયર કંપની 400 કરોડનું ટર્નઓવર ધરાવે છે. ત્યારે ભાજપે પસંદ કરાયેલ રામભાઈની રાજકીય તથા વ્યવસાયિક કારકિર્દી ભારે વખણાય છે. 

રામભાઈ મોકરિયા મારૂતિ કુરિયરના CMD છે. તેઓ રાજકોટ ભાજપના જૂના કાર્યકર છે અને એબીવીપીના કાર્યકર રહી ચૂક્યા છે. રામ મોકરિયા બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. કુરિયરનું નામ આવે એટલે ગુજરાત સહિત ભારતભરના મોટાભાગના વિસ્તારમાં એક જ નામ આવે ‘મારૂતિ કુરિયર કંપની’. આજે કુરિયરનો પર્યાય બનેલી મારૂતી કુરિયર સર્વિસની સફળતા પાછળ તેમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની તનતોડ મહેનત અને અડગ મનોબળ છે. ભારતના છેવાડાના ગામ સુધી પોતાની સર્વિસ પૂરી પાડતી મારૂતી કુરિયરના ફાઉન્ડર રામભાઈ મોકરીયાની સફળતાની જર્ની પણ ઘણું બધુ શીખવી જાય તેમ છે. 

પોરબંદરના નાના એવા ગામમાં ખેતી કરતા બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા રામભાઈ મોકરીયાના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. જો કે દરેક મુશ્કેલીનો સામનો કરી આગળ વધેલા રામભાઈની મારૂતી કુરિયર કંપની આજે ભારત સહિત વિદેશમાં પણ સર્વિસ પૂરી પાડે છે. એટલું જ નહીં 7000 લોકોને રોજગારીની સાથે આશરે 400 કરોડનું ટર્નઓવર પણ કરે છે. નાનપણથી જ પોતાના ખર્ચ જાતે ઉઠાવવામાં માનતા રામભાઈને રાતોરાત સફળતા મળી નથી. કોલેજમાં ફીના પૈસા ન હોવાથી અભ્યાસ અધવચ્ચે જ છોડ્યો હતો. પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. તો તેમાં કાળની થપાટ તો જુઓ, 1983માં પોરબંદરમાં આવેલા પૂરમાં ઘરવખરી તમામ વખરી તણાઈ ગઈ હતી. છતાં હિંમત હાર્યા વિના આગળ વધેલા રામભાઈની નાની એવી કુરિયર સર્વિસ તારણહાર બની અને આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે. તેના બાદ 1985ના વર્ષમાં મારૂતિ કુરિયરની શરૂઆત કરી. તેઓ ખેતી સાથે પણ સંકળાયેલા છે, ખેડૂત ખાતેદાર છે. 

ઝી 24 કલાક સાથેની વાતચીતમાં રામભાઈએ પોતાના સંઘર્ષ અને પોતાની સફળતા વિશે વિગતે વાત કરી હતી. માત્ર પોતાની સફળતા જ નહિ, પણ મારૂતી કુરિયર કંપનીમાં કામ કરી તેમના સમાજના લોકોનું જીવનધોરણ અને બાળકોમાં અભ્યાસની ગુણવત્તા પણ સુધરી હોવાનો તે ગર્વ અનુભવે છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે. 

રામભાઈ મોકરિયા વિશે માહિતી 

  • રામભાઈનો જન્મ 1-6-1957 ના રોજ જન્મ થયો
  • પોરબંદરના ઘેડ વિસ્તારના ભડ ગામના રહેવાસી
  • સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે
  • કોલેજકાળમાં જીએસ રહી ચૂક્યા છે
  • 1978 જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા
  • 1989 નગરપાલિકામાં કાઉન્સિલર બન્યા
  • ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે
  • પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news