આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ; અંબાજીમાં ધબધબાટી; બજારોમાં સન્નાટો

આગામી 2 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક સિસ્ટમ સક્રિય થઈ છે.

આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ; અંબાજીમાં ધબધબાટી; બજારોમાં સન્નાટો

Gujarat Heavy Rains: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પંચમહાલ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. શહેરના દેસાઈનગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળાનાળા, ભીડભંજન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. 

આજે ગુજરાતના અમરેલી, ભાવનગર, અરવલ્લી, અંબાજી, તાપી અને પંચમહાલમાં વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લાના રાજુલા, બગસરા, ધારી અને જાફરાબાદ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા. વરસાદ વરસતા ભાદરવાના તાપથી લોકોને રાહત મળી છે. ભાવનગર શહેરના દેસાઈનગર, વિદ્યાનગર, વિઠ્ઠલવાડી, કાળાનાળા અને ભીડભંજન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. 

માત્ર 20 મિનિટ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા...કુંભારવાડાના અક્ષરપાર્ક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જેસર તાલુકામાં વરસાદથી રસ્તા પરથી પાણી વહ્યું. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. સારા વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન મળશે. તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો. પંચમહાલના ઘોઘમ્બા, કાલોલ અને મોરવાહડફમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. ગાજવીજ સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણ ઠંડુ થયું. અરવલ્લીના બાયડમાં બે કલાકમાં ભારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ખેતરમાં નદી વહેતી થઈ. બાયડની વારાશી નદીમાં ઘોડાપૂર આવતા વારેણાથી બોરમઠના કોઝ-વે પર પાણી ફરી વળ્યા.

અમરેલીના ધારીના ચલાલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ચલાલા, ગોપાલગ્રામ, દહીંડા, વાવડી, પાદરગઢમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સિવાય અમેરલીના જાફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. જાફરાબાદ, નાગેશ્રી, મીઠાપુર, લોર, હેમાળ, માણસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. અરવલ્લીના ધનસુરાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. વડાગામ, નવલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અંબાજી પંથકમાં ભારે વરસાદ શરૂ થયો છે. બજારોમાં પાણીની નદીઓ ચાલી રહી છે. ભાદરવી પૂનમના મેળાનો પ્રથમ દિવસ ભીંજાયો છે. મેળો હોવા છતાં અંબાજીના બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે બજારોમાં સન્નાટો છવાયો છે. અંબાજીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. યાત્રિકોએ વોટરપ્રૂફ સમીયાણાનો લાભ લીધો છે. વરસાદના પગલે વેપારીઓને વેપારમાં ભારે અસર જોવા મળી રહ્યો છે.

ભાદરવી પૂનમના મેળાની આજથી શરૂઆત થઈ છે. મેળાના પહેલા જ દિવસે અંબાજીમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે અંબાજીમાં સ્થિતિ વણસી છે. એકબાજુ ભાદરવી પૂનમના મેળાના પહેલા જ દિવસે ભક્તોનું ઘોડાપૂર આવી પહોંચ્યું. ત્યારે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા માઇભક્તોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

અંબાજી શહેરની બજારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. ત્યારે રસ્તાઓ પર નદીઓ જેવો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદને કારણે મેળો હોવા છતાં બજારમાં સન્નાટો જોવા મળ્યો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 2 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. તો દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી બે દિવસ છોતરા કાઢી નાંખે તેવો વરસાદ પડશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news