એવી બીમારી જેમાં દર્દીના શરીરમાં લોહી વહ્યાં જ કરે છે, મહેસાણાની સરકારી હોસ્પિટલને મળ્યો તેના ઈન્જેક્શનનો સ્ટોક
health update : હિમોફિલિયા એટલે એવી બીમારી જેમાં શરીરમાંથી અસાધારણ રીતે રક્તસ્ત્રાવ થાય છે અને લોહીનું વધારે પડતું વહન થાય છે અને શરીરમાં લોહી બરોબર જામતું નથી
Trending Photos
તેજસ દવે/મહેસાણા :મહેસાણા જિલ્લાના વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે હિમોફિલિયાના નવા ફેક્ટર મુજબ સારવાર માટે ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં હિમોફેલિયાના 171 દર્દી નોંધાયેલા છે. અત્યાર સુધી જિલ્લામાં દર્દીઓને જુના ફેક્ટર મુજબ સારવાર આપવામાં આવતી હતી. જેને લઈને દર્દીઓને દર 12 કલાકે ઈન્જેક્શન લેવું પડતું હતું. પરંતુ હવે નવા ફેક્ટર મુજબ ઇન્જેક્શનની ફાળવણી થતા દર્દીઓને એક સપ્તાહ સુધી ઇન્જેક્શન લેવામાં મુક્તિ મળશે.
હિમોફિલિયાને એક બિમારી કહેવા કરતાં લોહીનાં એક ગ્રૂપની આનુવંશિક સમસ્યા કહેવું વધારે ઉચિત છે. જેના કારણે શરીરમાંથી અસાધારણ રીતે રક્તસ્ત્રાવ થાય છે અને લોહીનું વધારે પડતું વહન થાય છે અને શરીરમાં લોહી બરોબર જામતું નથી. મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં અત્યારે કુલ 171 દર્દી છે. આ દર્દી ઓને જ્યારે પણ ત્વચા (ઉઝરડો ધરાવતી હોય) કે સ્નાયુમાં અને નરમ પેશીમાં રક્તસ્ત્રાવ થાય નસકોરી ફૂટે અથવા શરીર પર ઘા અને કાપાથી, કરડવાથી અથવા દાંત પડવાથી જો કોઈ રક્તસ્ત્રાવ થાય તો વધુ પડતું લોહી વહી જાય છે. જેને લઈને આવા દર્દીઓને વધારે પડતી અશક્તિ આવી જાય છે. તેમાં પણ ખાસ કરીને આવા લોકોને સાંધામાં સોજો આવી શકે છે અને દુઃખાવો કે તાણ થઈ શકે છે. ઘણીવાર તેની અસર ઘૂંટણ, કોણીઓ અને પગની ઘૂંટીઓમાં થાય છે, અને નાની ઉંમરે પણ ચાલવામાં તકલીફ પડે છે. આ માટે સરકાર દ્વારા ખૂબ મોંઘી સારવાર ફ્રીમાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જે મહેસાણા જિલ્લા મથકે આપવામાં આવી રહી છે.
જો મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં હિમોફિલિયાની બીમારીના કુલ 171 દર્દીઓ છે. જેમાં વિસનગર તાલુકામાં 19 દર્દી છે. આ દર્દીઓને રક્ત સ્ત્રાવ અટકાવવા તથા કંઈ પણ ઇજા થાય અને રક્ત સ્ત્રાવ વહે નહિ એ માટેના ફેક્ટર ઈન્જેક્શનના રૂપમાં લેવાના હોય છે. આ માટે મહેસાણા અને અમદાવાદ સુધી તેમને લાંબા થવું પડતું હતું. જેને લઈને આખો દિવસ બગડતો અને ખર્ચ પણ થતો હતો. આ બાબતે મહેસાણા જિલ્લામાં આવા દર્દીઓની હિમોફિલિયા સોસાયટી તથા વિસનગર સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.પારૂલ પટેલ દ્વારા આ સારવાર વિસનગર સિવિલ ખાતે ઉપલબ્ધ કરાવવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રજુઆત કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની સારવાર વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી છે. જેને લઈને આવા દર્દીઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે