લાલ થઈ ગયું ગુજરાતના આ ગામના 20 કૂવાનું પાણી, એક ટીપું પાણી પીવાના છે ફાંફા!

Water Pollution : મહેસાણાના રાજપુર ગામમાં કેમિકલ માફિયાના પાપને કારણે આખા ગામના બોરનું પાણી લાલ થઈ ગયું છે, આ પીવાથી ગામના લોકો ચામડીના રોગોથી પીડાઈ રહ્યાં છે 
 

લાલ થઈ ગયું ગુજરાતના આ ગામના 20 કૂવાનું પાણી, એક ટીપું પાણી પીવાના છે ફાંફા!

Mehsana News તેજસ દવે/મહેસાણા : રાજ્યમાં જળ સ્તર ઊંડા જવાના કારણે અનેક ગામોમાં પાણીને લઈને લોકો વલખા મારતા જોવા મળે છે. પરંતુ મહેસાણા જિલ્લાના એક એવા ગામમાં બોરમાંથી પાણી તો આવે છે, પરંતુ તે પી નથી શકાતું કે ન તો તેનો વપરાશ કરી શકાય છે. તેનું કારણ છે બોરમાંથી આવતું પેટ્રોલ જેવું લાલ પાણી. ક્યાંથી આવે છે આવું પેટ્રોલ જેવું લાલ પાણી અને કયું છે આ ગામ જોઈએ. 

જમીનમાં કેમિકલ વેસ્ટનો નિકાલ
મહેસાણા જિલ્લાના રાજપુર ગામમાં બોરમાંથી લાલ પાણી આવતું હોવાની રાવ ઉઠવા પામી છે. રાજપુર ગામમાં છેલ્લા બે વર્ષથી અત્યંત લાલ પાણી આવતું હોવાની વાત સામે આવી છે. આસપાસ અંદાજિત 27 જેટલી કેમિકલ ફેક્ટરીઓ હોવાના કારણે ખેડૂતો સહિત ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. કેમિકલ માફિયાઓ દ્વારા જે વેસ્ટ કેમિકલનો યોગ્ય નિયમ મુજબ નિકાલ કરવાનો હોય છે, તેની જગ્યાએ આ કેમિકલ માફિયાઓ જમીનમાં આ કેમિકલ વેસ્ટનો નિકાલ કરી રહ્યા હોવાની વાત સ્થાનિક લોકો કરી રહ્યા છે.

20 બોરમાં પેટ્રોલ જેવું લાલ પાણી આવે છે 
જમીનમાં કેમિકલ વેસ્ટનો નિકાલના કારણે રાજપુર ગામના 20 થી વધુ બોરમાં પેટ્રોલ જેવું લાલ પાણી આવી રહ્યું છે. આ લાલ પાણી આવવાના કારણે લોકોને ક્યાંક ગામ છોડી હિજરત કરવાની પણ ફરજ પડી છે. તો કેટલાક લોકો ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે અને કેન્સર જેવી ગંભીર બીમારીના ઝપેટમાં આવ્યા છે. સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર પ્રદૂષણ વિભાગને જાણ કરી પરંતુ પ્રદૂષણ વિભાગ માત્ર સેમ્પલ લઈને સંતોષ માની લેતું હોય તેવા દ્રશ્યો રાજપુર ગામમાં જોવા મળી રહ્યા છે. આ કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતો સહિત સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે, માત્ર તેમની એક જ માંગ છે કે આ કેમિકલ માફિયાઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય અને તેમને આ ઝેરી પાણીમાંથી છુટકારો મળે અને ચોખ્ખું પાણી તેમને મળી રહે.

લાલ પાણીથી ચામડીના રોગ વધ્યા 
બોરમાંથી કેમિકલ યુક્ત આ લાલ પાણી આવવાના કારણે રાજપુર ગામમાં ચામડીના રોગોમાં પણ વધારો થયો છે. સમગ્ર મામલે zee 24 કલાકની ટીમે રાજપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો લાલ પાણી આવવાને લઈ અવારનવાર રજૂઆત મને પણ કરી છે. આ આ પાણી જોતા જ એવું લાગે છે કે પીવા માટે તો અન્ય કોઈ વપરાશમાં પણ લઈ શકાય તેમ નથી. કેમિકલયુક્ત પાણીના કારણે રાજપુર ગામમાં પાણીજન્ય, ચામડીના રોગોમાં પણ વધારો થયો છે. પ્રતિદિન 20 જેટલા દર્દીઓ પાણીજન્ય રોગના કારણે સારવાર લઈ રહ્યાં છે અને આ પાણીના કારણે લોકોને કેન્સર થવાની પણ સમસ્યાઓ સામે આવી છે.

તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ
હાલમાં તંત્ર દ્વારા આ મામલે કોઈપણ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી રહી નથી. પ્રદૂષણ વિભાગને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પ્રદૂષણ વિભાગ જાણે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ રાજપુર ગામમાં જોવા મળી રહી છે. આવા કેમિકલ માફિયાઓને પ્રદૂષણ વિભાગ કે તેના અધિકારીઓ કેમ છાવરી રહ્યા છે તે પણ એક સવાલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news