'હું તમારો જ દીકરો છું, કોઈપણ સમસ્યામાં ગમે ત્યારે યાદ કરો', ગુજરાતના આ સાંસદે લોકોને આપી ખાતરી
વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના યુવાન અને નવા ચહેરા ધવલ પટેલ સામે કોંગ્રેસે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/વલસાડ: વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલને હરાવી સંસદમાં પહોંચેલા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનો આજે તેમના હોમ ટાઉન વાંસદામાં અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદે ધારાસભ્ય નથી પણ હું તમારો જ દીકરો છું, કોઈપણ સમસ્યામાં ગમે ત્યારે યાદ કરો, કહી વાંસદાની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપના યુવાન અને નવા ચહેરા ધવલ પટેલ સામે કોંગ્રેસે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપ અને અનંત પટેલ વચ્ચેની ટફ ફાઈટમાં બિનઅનુભવી ધવલ પટેલે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા સાથે પોતાના ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરી લોકસભા ચૂંટણી 2024 માં આદિવાસી નેતા અનંત પટેલને 2.10 લાખ મતોની લીડથી પછડાટ આપી હતી.
મૂળ વાંસદાના ઝરી ગામના વતની ધવલ પટેલ સાંસદ બનતા વાંસદાના લોકોમાં હરખ જોવા મળ્યો છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર વાંસદાનો દીકરો ભારતીય સંસદમાં સાંસદ તરીકે પહોંચ્યો તેની ખુશીમાં આજે વાંસદા તાલુકા ભાજપ દ્વારા નવનિયુક્ત સાંસદ ધવલ પટેલનું અભિવાદન અને વિધાનસભા ચૂંટણી કરતા લોકસભામાં સારી કામગીરી કરતા ભાજપી કાર્યકર્તાઓનો આભાર દર્શન સમારોહ યોજ્યો હતો. જેમાં સાંસદ ધવલ પટેલે લોકસભા અંતર્ગત 6 વિધાનસભામાં ભાજપી ધારાસભ્ય છે જ્યારે વાંસદામાં કોંગ્રેસી ધારાસભ્ય છે. પરંતુ વાંસદાના દીકરાને જ્યારે સંસદમાં મોકલ્યો હોય, ત્યારે મારૂ ઉત્તરદાયિત્વ વધી જાય છે કહીને, વાંસદાના લોક પ્રશ્નો સાથે મુખ્ય સમસ્યાઓનું સમાધાન લાવવા સાથે મળી પ્રયાસ કરવાની આશ્વાસન પણ આપ્યું હતુ. જ્યારે વાંસદામાં ઉત્તમ આરોગ્ય સુવિધા, રોજગારીની નવી તકો ઉભી કરવા સાથે જ આગામી 2027 ની વિધાનસભા ચૂંટણી બાદ વાંસદામાં ભાજપી ધારાસભ્ય હશેની ખાતરી પણ તેમણે આપી હતી.
આ સાથે જ દાદરા નગર હવેલીના નરોલીમાં ધોડિયા પટેલ યુવાનની હત્યા મુદ્દે તેમણે દુઃખ વ્યક્ત કરી, સ્થાનિક સાંસદ અને પોલીસ અધિક્ષક સાથે સતત સંપર્કમાં છે અને આદિવાસી યુવાનને ન્યાય મળે એ માટે વહેલામાં વહેલા આરોપીઓ પકડાય અને તેમને કડકમાં કડક સજા થાય એ માટેના પ્રયાસો હોવાની વાત કરી હતી. સાથે જ મૃતક યુવાનના પરિવાર સાથે એક દીકરાની જેમ ઊભા છે અને તેમને રક્ષણ સહિત તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી.
સાંસદ ધવલ પટેલના અભિવાદન સમારોહમાં હાજર જિલ્લાના બે મોટા નેતાઓ ધારાસભ્ય નરેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહે વાંસદા સાથે ભાજપ એ ક્યારેય અન્યાય કર્યો નથી, પરંતુ ચૂંટણીમાં કાર્યકર્તાઓની મહેનત કેમ ઓછી પડે છે એનો રંજ રાખી મીઠો ઠપકો પણ આપ્યો હતો. સાથે જ હવે સાંસદ ધવલ પટેલને પૂરેપૂરો સહયોગ આપી આગામી તમામ ચૂંટણીઓમાં વાંસદામાં ભગવો લહેરાવવા મંડી પડવાની ટકોર કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે