ઉનાળો કેમનો નીકળશે!! અરવલ્લીની જીવાદોરી સમાન 3 ડેમના તળિયા અત્યારથી જ દેખાવા લાગ્યા

water shortage : ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં પીવાના પાણીની તંગી ઉભી થઈ છે. રાજ્યના 3 જિલ્લાના 20 ગામમાં હાલમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવે છે. હાલમાં બનાસકાંઠાના ધાનેરાના 2, વાવના એક, કચ્છમાં ભચાઉના એક, ભુજના 11, રાપરના 3, દ્વારકાના કલ્યાણપુરના 2 ગામમાં દરરોજ ટેન્કર મંગાવવામાં આવે છે

ઉનાળો કેમનો નીકળશે!! અરવલ્લીની જીવાદોરી સમાન 3 ડેમના તળિયા અત્યારથી જ દેખાવા લાગ્યા
  • અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર, ઉનાળુ પાક માટે નહિ મળે સિંચાઇનું પાણી
  • જિલ્લાના જળાશયોમાં માત્ર સરેરાશ 35 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે
  • પીવાનું પાણી મળશે પણ સિંચાઈ માટે નહિ મળે પાણી, નર્મદાની પાઇપ લાઈન દ્વારા જળાશયો ભરવા ખેડૂતોની માંગ

સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લી જિલ્લામાં ચોમાસામાં અપૂરતા વરસાદને પગલે ઉનાળાની શરુઆતમાં જ જિલ્લાના જીવાદોરી સમાન જળાશયોમાં પાણીના તળિયા દેખાવા લાગ્યા છે. જેને પગલે જિલ્લાના ખેડૂતોને ઉનાળુ ખેતી માટે સિંચાઇનું પાણી મળી શકે તેમ નથી. જેથી ખેડૂતોની ચિંતા અત્યારથી જ વધી ગઈ છે. સરકાર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાની પાઇપ લાઈન દ્વારા પાણી નાખવામાં આવે અને ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.

ઉનાળાના પ્રારંભે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કુવા બોરમાં પાણીના સ્તર નીચા જતા રહ્યાં છે. જેથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. જ્યારે બીજી તરફ ચોમાસુ વરસાદ પૂરતા પ્રમાણમાં નહિ પડવાને પગલે જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય મોટા ત્રણ મેશ્વો, માજુમ અને વાત્રક જળાશયોમાં પૂરતા પાણીનો જથ્થો થઇ શક્યો નથી. હજી તો ઉનાળાની શરૂઆત થઇ છે, તેવામાં આ જળાશયોમાં સરેરાશ માત્ર 36 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, ત્યારે આ ઓછા પાણીના જથ્થાએ જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારી છે. ઉનાળુ સીઝનમાં સિંચાઇનું પાણી નહિ મળવાને પગલે તેની અસર આવનારા ઉનાળુ વાવેતર ઉપર થનાર છે. ત્યારે સરકાર દ્વારા જિલ્લાના આ જળાશયોમાં નર્મદાની પાઇપ લાઈન દ્વારા પાણી નાખવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે. 

જિલ્લાના જળાશયો માંથી રવિ સીઝનમાં સિંચાઈ માટે પાંચ પાણી આપી દેવામાં આવ્યા છે. પરંતુ હાલ ઉનાળાના પ્રારંભે આ જળાશયોમાં પાણીનો જથ્થો માત્ર પીવા પૂરતો બચ્યો છે, જેથી આવનારા ઉનાળામાં પીવા માટે પાણી પૂરતા પ્રમાણમાં મળી શકશે. પણ સિંચાઈ માટેના પાણીનો જથ્થો ઉપલબ્ધ નહિ હોવાને પગલે સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં પીવાના પાણીની તંગી ઉભી થઈ છે. રાજ્યના 3 જિલ્લાના 20 ગામમાં હાલમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવે છે. હાલમાં બનાસકાંઠાના ધાનેરાના 2, વાવના એક, કચ્છમાં ભચાઉના એક, ભુજના 11, રાપરના 3, દ્વારકાના કલ્યાણપુરના 2 ગામમાં દરરોજ ટેન્કર મંગાવવામાં આવે છે. મહત્વનું છે કે, જળ જીવન મિશન હેઠળ તમામ લોકોને પાણી મળે તે રીતે કામગીરી કરવામાં આવે છે. ગુજરાતમાં 92 ટકા ગ્રામ્ય વિસ્તારમાં ઘરોને નળ કનેક્શનથી જોડવાનો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ રાજ્યના કુલ 91.77 લાખ ઘરમાંથી હાલમાં 7.33 લાખ ઘરને નળ કનેક્શન સાથે જોડવાની કામગરી બાકી છે. રાજ્યમાં નળ કનેક્શન આપવાની સૌથી ધીમી કામગીરી આદિવાસી વિસ્તારોમાં છે. રાજ્યમાં સૌથી ઓછુ કામ દાહોદ જિલ્લામાં થયું છે. રાજ્યના 3223 ગામમાંથી 541 ગામમાં હજુ સુધી નળ કનેક્શન નાખવાની કામગીરી શરૂ થઈ જ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news