18 જૂને પીએમ મોદીના હસ્તે 1 લાખ 41 હજાર પરિવારોને મળશે ઘરનું ઘર

રાજ્યમાં અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 3.72 લાખ અને શહેરી વિસ્તારોમાં 6.24 લાખ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

18 જૂને પીએમ મોદીના હસ્તે 1 લાખ 41 હજાર પરિવારોને મળશે ઘરનું ઘર

વડોદરાઃ આગામી તા. 18 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેઓ વડોદરા ખાતે રૂ. 21,000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે કુલ 1 લાખ 41 હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના ગ્રામીણ ક્ષેત્રોમાં 1 લાખ આવાસોનું લોકાર્પણ તેમજ શહેરી ક્ષેત્રોમાં 41 હજાર આવાસોમાંથી 38,071નું લોકાર્પણ અને 2,999 ઘરોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ગ્રામીણ અને શહેરી ક્ષેત્રે અત્યાર સુધીમાં 9.75 લાખ આવાસોનું નિર્માણ
રાજ્યમાં અત્યારસુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં 3 લાખ 72 હજાર 865 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે જે પૈકી 14 આદિવાસી જિલ્લાઓમાં જ સૌથી વધુ 2 લાખ 93 હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી તેમજ ચોમાસાના કારણે વિલંબ થયા બાદ એક માસના ટુંકા ગાળામાં અન્ય એક લાખ જેટલા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે આ કામગીરીનું સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે છેલ્લા થોડાક જ માસમાં 90 હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ શહેરી વિસ્તારોમાં 6.24 લાખ આવાસો બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના શહેરો અને ગામડાઓને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા અને શહેરી વિસ્તારમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વ્યાજબી કિંમતે આવાસ પૂરા પાડી શકાય તેવા ઉમદા હેતુ સાથે તા.25 જૂન, 2015ના રોજ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ, રાજ્યના ગ્રામીણ વિસ્તારના કુટુંબોને પોતાના સ્વપ્નનું ઘર મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવા ઉદ્દેશથી તા. 20 નવેમ્બર, 2016ના રોજ ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલી બનાવવામાં આવી હતી. આજે રાજ્યના લાખો પરિવારો એવા છે કે જેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે પોતાના ઘરમાં રહેવાનું સુખ માણી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news