આ કામ કરી બન્યો 'ખરો પટેલ', ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી બન્યો ભગવાન

ફક્ત દસ દિવસના ટૂંકાગાળામાં SOTTO અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજીવાર અંગદાન કરાવવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાના ટૂંકા ગાળામાં બીજી વખત સફળ અંગદાન કરાવવામાં આવતા 3 લોકોને નવજીવન મળ્યું છે

આ કામ કરી બન્યો 'ખરો પટેલ', ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી બન્યો ભગવાન

અતુલ તિવારી/ અમદાવાદ: ફક્ત દસ દિવસના ટૂંકાગાળામાં SOTTO અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજીવાર અંગદાન કરાવવામાં આવ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાના ટૂંકા ગાળામાં બીજી વખત સફળ અંગદાન કરાવવામાં આવતા 3 લોકોને નવજીવન મળ્યું છે.

અમદાવાદમાં આવેલા બાપુનગરના રહેવાસી 48 વર્ષીય શૈલેષભાઈ કે જેમનો 2 જાન્યુઆરીના રોજ નરોડા પાસે અકસ્માત થયો હતો. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમના જુદા જુદા રીપોર્ટ બાદ તેમને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના સ્ટાફના પ્રયાસો બાદ બ્રેઇનડેડ એવા શૈલેષભાઈના પરિવારજનોએ તેમના અંગોનાં પ્રત્યારોપણ માટે સંમતિ આપતા 3 લોકોને નવજીવન મળ્યું છે.

મૂળ ધોળકા તાલુકાના બદરખા ગામના મૃત શૈલેષભાઈ પટેલના પરિવારજનો દ્વારા લેવાયેલ અંગદાનના નિર્ણયને સમગ્ર ગામે પણ બિરદાવ્યું છે. શૈલેષભાઈના અંગો થકી બે કિડની અને એક લીવર એમ કુલ ત્રણ દર્દીઓને નવજીવન મળ્યું છે તો સાથે જ શૈલેષભાઈની બે આંખો મંજૂશ્રી કમ્પાઉન્ડ સ્થિત આંખની હોસ્પિટલમાં રાખવામાં આવી. જે આગામી સમયમાં આંખોની જરૂરીયાત હોય તેવા જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરાશે.

શૈલેષભાઈના અન્ય અંગોની વાત કરીએ તો તેમનું લીવર સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના 52 વર્ષીય જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવ્યું. જ્યારે કિડની પોરબંદર જિલ્લાના 10 વર્ષના બાળકને મળી છે, આ સિવાય અમદાવાદ શહેરના 22 વર્ષીય જરૂરિયાતમંદ દર્દીમાં પણ કિડનીનું સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

સામાન્ય પરિવારના એવા શૈલેષભાઈના બે સંતાનો છે, જેમાંથી એક દીકરી 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. જ્યારે 18 વર્ષનો એક પુત્ર છે, શૈલેષભાઈના પત્ની રેખાબેન કે જેઓએ અંગદાન માટેની સંમતિ આપી, તેઓએ સંમતિપત્ર પર અંગૂઠો લગાવી 3 લોકોના જીવનમાં ખુશીઓ લાવી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news