પહેલા જાતિવાદના નામે આનંદીબેન હોમાયા, હવે પ્રાંતવાદના નામે રૂપાણીને હોમવાનું ષડયંત્રઃ ધાનાણીનું ટ્વીટ

પ્રાંતવાદના નામે નિષ્ફળ રૂપાણી સરકારના રાજીનામું લેવાનું ષડયંત્રઃ પરેશ ધાનાણીએ લગાવ્યો આરોપ  

Updated: Oct 11, 2018, 07:22 PM IST
પહેલા જાતિવાદના નામે આનંદીબેન હોમાયા, હવે પ્રાંતવાદના નામે રૂપાણીને હોમવાનું ષડયંત્રઃ ધાનાણીનું ટ્વીટ
ફાઇલ ફોટો

અમદાવાદઃ હિંમતનગરના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતીયો વિરુદ્ધ હુમલાઓ શરૂ થયા હતા. આ ઘટના બાદ ઘણા ઉત્તર ભારતીયો ગુજરાત છોડીને પોતાના રાજ્ય પરત ફર્યા હતા. આ મુદ્દે રાજનીતિ ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરે છે. તો આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેઠ ઠાકોર અને ઠાકોર સેના પર પરપ્રાંતીયો પર હુમલો કરવાના આરોપો લાગ્યા હતા. આ મુદ્દે આજે અલ્પેઠ ઠાકોરે ઉપવાસ પણ કર્યા હતા. અલ્પેશના ઉપવાસ સ્થળે વિધાનસભમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપની સરકાર પર પ્રહારો કર્યા હતા. 

ત્યારબાદ પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને રાજ્યમાં સત્તાપરિવર્તનની આશંકા વ્યક્ત કરી છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કર્યું કે, પહેલાં જાતિવાદની હોળીમાં આનંદીબેન હોમાયા.. હવે ગૌરવવંતા ગુજરાતમાં પ્રાંતવાદનો પલીતો ચાંપીને તમામ મોરચે નિષ્ફળ નિવડેલી અને રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારનું રાજીનામું લેવા માટે ઊપર બેઠેલા આંકાઓએ ષડ્યંત્ર શું કામે રચ્યું છે..?

પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપ દ્વારા વિજય રૂપાણીને હટાવવાનું આ કાવતરુ છે. પરપ્રાંતીયો પર હુમલો કરીને રૂપાણી સરકારને હટાવવાની આ ચાલનો સરકાર જવાબ આપે. પાટીદારો પર દંડા વરસાવીને આનંદીબહેનને દૂર કર્યા હતા.