પરેશ ધાનાણીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, પ્રતિમાના નિર્માણ માટે અભિનંદનની સાથે સાથે કર્યા પ્રહાર

પત્રમાં પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો કે સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધ્યો હતો. જોકે આજના શાસકો વર્ગ વિગ્રહ ફેલાવી તેમની આત્માને ઠેસ પહોચાડી રહ્યા છે સરદારે દેશમાં જાતિ ભાષા ધર્મ અને પ્રાંતના સીમાડાઓ તોડી કોમી એખલાસ અને સદભાવનાનું વાતાવરણ ઉભું કરી વારસામાં આપ્યુ હતુ

પરેશ ધાનાણીએ વડાપ્રધાનને લખ્યો પત્ર, પ્રતિમાના નિર્માણ માટે અભિનંદનની સાથે સાથે કર્યા પ્રહાર

ગૌરવ પટેલ, અમદાવાદ: વિશ્વમાં સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે ત્યારે આ લોકાર્પણ પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં સરદાર પટેલની પ્રતિમાના નિર્માણ માટે સરકારને અભિનંદન પાઠવ્યા છે અને સાથે-સાથે સરકાર પર પ્રહાર પણ કર્યા છે. તેમણે લખ્યું છે કે સરદાર પટેલની પ્રતિભાને ઝાંખપ લગાડીને સત્તાની સીડી ચઢવા માટે સામાજિક સમરસતા અને સદભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી છે. 

પરેશ ધાનાણીએ રાજ્યના અને ખેડૂતોના કેટલાક મુદ્દાઓની પણ વાત પત્રમાં કરી છે તેમણે લખ્યું છે કે રાજ્યમાં હાલ દુષ્કાળની સ્થિતિ છે ત્યારે આ વાતને પીએમ મોદીએ મનકી બાતમાં સ્થાન આપવું જોઈએ. હજુપણ અનેક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવા માગ કરી છે સાથે જ રાજ્ય સરકાર નર્મદાનું પાણી ખેતરો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી હોવાનો પણ તેણે ઉલ્લેખ કર્યો છે. ખેડૂતોના દેવા માફ કરવા, ખેડૂતોને તાત્કાલિક પાકનો વીમો ચૂકવવો, અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુ ધનને બચાવવા રાહત દરે ઘાસચારો આપવો, ઓછા વરસાદ વાળા વિસ્તારમાં મનરેગા યોજનાની વ્યવસ્થા કરવી અને નર્મદા યોજના માટે જમીન આપનારા આદિવાસીઓના પુનર્વસનની યોગ્ય વ્યવસ્થા કરવી તેવી ધાનાણીએ પત્રમાં માગ કરી છે.

31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતિમાનું અનાવરણ થનારુ છે ત્યારે 29 તારીખના રોજ ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો પત્રમાં સરદાર પટેલનું નર્મદાનુ સ્વપ્ન કાંગ્રેસ દ્વારા નર્મદા યોજના માટે કરવામાં આવેલા કાર્યો વર્તમાન સરકારે નર્મદા યોજનાને લઇને કરેલા દાવા અને વાસ્તવિક સ્થિતિ તથા ઉદ્યાગો માટે નર્મદા યોજનામાં આવતા કમાન્ડ એરીયાને ડિકમાન્ડ કરવામાં આવેલી જમીની વિગત નો ઉલ્લેખ કરી પરેશ ધાનાણીએ કેનાલોનું કાર્ય તાત્કાલીક પુર્ણ કરી ખેડૂતના ખેતર સુધી પાણી પહોચાડવાની માંગ કરી હતી.

પત્રમાં પરેશ ધાનાણીએ ઉલ્લેખ કર્યો કે સરદાર પટેલે દેશને એક તાંતણે બાંધ્યો હતો. જોકે આજના શાસકો વર્ગ વિગ્રહ ફેલાવી તેમની આત્માને ઠેસ પહોચાડી રહ્યા છે સરદારે દેશમાં જાતિ ભાષા ધર્મ અને પ્રાંતના સીમાડાઓ તોડી કોમી એખલાસ અને સદભાવનાનું વાતાવરણ ઉભું કરી વારસામાં આપ્યુ હતુ પણ સરદારના ગુજરાતમાં સત્તાની સીડીએ રાજકીય રોટલા શેકવા કોમી એકતા સંવાદીતા અને સદભાવનાને ઠેસ પહોચાડાતી હોવાનો એહસાસ થાય છે.

પરેશ ઘાનાણીએ પત્રમાં કોંગ્રેસે નર્મદા યોજના માટે કરેલા કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. સરદાર પટેલ સાહેબ ૧૯૪૬થી નર્મદાના પુરસ્‍કર્તા રહેલા તત્‍કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્‍તે ૧૯૬૧માં ગોરાગામ પાસે નર્મદા યોજાનાનું ખાતમુર્હુત કરાવ્‍યું હતું.
latter-paresh

પાણી વહેંચણીનો આંતરરાજ્ય વિવાદ સર્જાયો
આંતરરાજ્‍ય જળવિવાદ કાનૂન નીચે ભારત સરકારે એને ૧૯૬૬માં સર્વોચ્‍ય અદાલતના ન્‍યાયમૂર્તિના અધ્‍યક્ષપદે નર્મદા જળવિવાદ પંચને ઉકેલ માટે સોંપી જેનો ચુકાદો ૧૯૭૯માં ચુકાદો આપ્‍યો એટલે કે ૧૯૪૭ થી ૧૯૭૯ સુધી આવી બહુલક્ષી યોજના દલીલોમાં જ અટવાતી રહી.  નર્મદાને સરદાર પટેલની યાદમાં ૧૯૬૧થી જ સરદાર સરોવર યોજના નામ આપવામાં હતું. સરદાર સરોવર નર્મદા નિગમ ૧૯૮૮માં રચાયું હતું. 

૧૯૯૫ સુધીમાં મુખ્‍ય નહેરના રસ્‍તે આવતી બધી નદીઓના સંબંધિત કામ સાથે ગાંધીનગર પહોંચાડવામાં આવી હતી. બંધની સાથોસાથ કડીથી ફંટાતી સૌરાષ્‍ટ્ર નહેર જે સૌથી મોટી શાખા છે એનું કામ ૧૯૯૧માં શરૂ કરી વિરમગામ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. યોજનાના પ્રથમ તબક્કાની શાખાઓના, મુખ્‍ય નહેર અને ભુગર્ભ પાવર હાઉસના કામો શરૂ કરી દેવામાં આવ્યા હતા. તા.૦૫-૦૩-૧૯૯૭ના રોજ સર્વોચ્‍ય અદાલતે બંધની ઉંચાઇ વધારવાની અનુમતી આપવા ઈન્‍કાર કર્યો. કાનુની લડાઈમાં પહેલાં ૧૨૧ મીટર અને છેવટે ૨૦૦૬ની સાલમાં ૧૩૮ મીટર ઉંચાઇએ લઇ જવા શરતી પરવાનગી મળી હતી. 

આ સરાકારે નહેરના કામ પુર્ણ ન કર્યા હોવાનો આક્ષેપ કરતાં પરેશ ધાનાણીએ કહ્યુ કે નહેરોના બાંધકામમાં પર્યાવરણવાદી કે સર્વોચ્‍ય અદાલત બેમાંથી કોઇની કોઇ રોકટોક ન હતી. આજે હવે બંધનું કામ પુર્ણ થઈને ૧૭ મીટર એટલેકે ૫૫ ફીટના દરવાજા મુકાઈ ગયા છે. આમ તો બંધ ૧૧૦.૬૪ મીટરે પહોંચે તો પણ જળસંગ્રહ ૪.૭૨ મિલિયન એકર ફીટ થાય અને ત્‍યારે પાણી કચ્‍છ સુધી પહોંચે અને ૧૭.૯૩ લાખ હેકટરમાં જો નહેરોની ગુંથણી તૈયાર હોય તો સિંચાઇ પણ થઇ શકે. ૧૯૯૫ થી ૨૦૧૮ એટલે કે ૨૩ વરસના ગાળામાં ધાર્યું હોત તો નહેરોનાં કામ પૂરાં થઇ ગયાં હોત. પરંતુ, આજે પણ ૨૦ હજાર કિ.મી.ની લંબાઇની કેનાલોના કામ બાકી છે. 

પરેશ ધાનાણીએ પત્રમાં વર્તમાન સરકારે જે તે સમયે નર્મદાને લઇને કરેલા દાવાઓ પણ રજુ કર્યા

(૧) ૧૫ વરસ પહેલા તા.૧લી મે, ૨૦૦૩ના એક કાર્યક્રમમાં પણ કહેવામાં આવ્‍યું હતું કે, ગુજરાતમાં નર્મદા કેનાલ આવતાની સાથે જ ગુજરાતનો ખેડૂત રૂપિયો વાવીને ડોલર ઉગાડશે.

(૨) વર્ષ ૨૦૦૩-૨૦૦૪ના નાણા મંત્રીના અંદાજપત્ર પ્રવચનમાં નદી નીર સંયોગના નામે ગુજરાતની પાર-તાપી-નર્મદાને દમણગંગાથી શરૂ કરીને સાબરમતી સુધી લઈ જવાનુ આયોજન છે તેવી જાહેરાત કરવામાં આવેલ આજે આ પ્રોજેકટ માટે કોઈ કામગીરી થઈ નથી.

(૩) ૨૦૦૩-૨૦૦૪ના નાણા મંત્રીના અંદાજપત્ર પ્રવચનમાં નદી નીર સંયોગના નામે નર્મદા કમાન્‍ડ વિસ્‍તારમાં ફાળવેલ પાણી ઉપરાંતના વધારાના પાણીના સદ્‌ઉપયોગ અર્થે તેને રૂપેણ, સાબરમતી, બનાસ નદીમાં વહેવડાવીને સંગ્રહ કરવા માટે આડ બંધનું કામ ચાલુ છે.

(૪) ૨૦૦૬-૨૦૦૭ના નાણા મંત્રીના અંદાજપત્ર પ્રવચન જળ વ્‍યવસ્‍થાપન અન્‍વયે ઉલ્લેખ છે કે માતૃગયા તીર્થ તરીકે પ્રસિદ્ધ સિધ્‍ધપુર ખાતે સરસ્‍વતી-નર્મદા મહાસંગમનું ભગીરથ કામ અમારી સરકારે પૂરું કરીને ભારતના સાંસ્‍કૃતિક જીવનને મહિમાવંત કર્યું છે ત્‍યારબાદ આજે સરસ્‍વતી નદી સુકીભઠ્ઠ છે.

(૫) ૨૦૦૭-૨૦૦૮ના નાણા મંત્રીના અંદાજપત્ર પ્રવચન મુજબ સરદાર સરોવર યોજનાની કેનાલોનું કામ પૂરજોશમાં ચાલી રહયું છે. સરદાર સરોવર યોજના વર્ષ ૨૦૧૦ દરમિયાન પૂર્ણ કરવાનો ગોલ્‍ડન ગોલ છે જે અંતર્ગત ૧૮ લાખ હેકટર વિસ્‍તારને નર્મદાના જળથી સિંચિત કરી શકાશે પરંતુ ૨૦,૦૦૦ કિ.મી. જેટલી કેનાલ નેટવર્કનું કામ બાકી છે.

(૬) ૨૦૧૩-૨૦૧૪ના નાણા મંત્રીના અંદાજપત્ર પ્રવચન મુજબ નર્મદા યોજના હેઠળ નહેરોના માળખાની કામગીરી ખૂબ ઝડપથી પૂર્ણ થવા તરફ જઈ રહી છે. ૨૦૧૦માં ગોલ્‍ડન ગોલની વાત કરીને ૧૩-૧૪ના વર્ષમાં ઝડપણી પૂર્ણ થવા જઈ રહેલી નર્મદાની કામગીરી ૨૦૧૮માં પણ અધુરી જ છે.

(૭) ૨૦૧૩-૧૪ના નાણાંકીય વર્ષનું સરદાર સરોવર નર્મદા નિગમને અર્ધ વાર્ષિક સરવૈયું બહાર પાડયું ત્‍યારે સરવૈયા ત્રીજા પેરામાં યોજનાનું બાંધકામ ચાલુ છે અને યોજના મોટા ભાગે પુરી થઇ શકી નથી એવો ઉલ્લેખ વાંચવા મળ્‍યો. આ બાબત ગંભીર એટલા માટે છે કે, આ વિગત કંપની કાનુન હેઠળ બહાર પાડવામાં આવે છે અને આજે પણ યોજના પુરી થઈ શકી નથી.

(૮) ૨૦૧૪-૨૦૧૫ના નાણા મંત્રીના અંદાજપત્ર પ્રવચન મુજબ નર્મદાની બાકી રહેતી નહેરો અને વિતરણ નેટવર્કનું કામ તબક્કાવાર વર્ષ ૨૦૧૫-૧૬ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આજે ૨૦૧૮માં પણ નહેરો અને વિતરણ નેટવર્કનું કામ અધુરું જ છે.

(૯) ૨૦૧૬-૨૦૧૭ના નાણા મંત્રીના અંદાજપત્ર પ્રવચન મુજબ સરદાર સરોવર યોજના અન્‍વયે ખેડૂતોને પાણી પહોંચાડવા માટે ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ભૂગર્ભ પાઈપલાઈનના કામો હાથ ધરવાની વાત કરીને ખેડૂતોની મંડળીઓ બનાવી, ખેડૂતો પાસેથી નાણા ઉઘરાવી પાઈપલાઈન નાંખવામાં ખેડૂતોને ભાગીદાર બનાવી પંપીંગ વગર પાણી પાઈપલાઈનમાં વહી જ ન શકે છતાં તુક્કો ચલાવવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news