શરમ કરો... નવા બનેલા મેટ્રો સ્ટેશનને પણ લોકોએ પાનની પિચકારી મારીને લાલ કરી નાંખ્યું!

Swachhta Abhiyan : અમદાવાદ શહેરમાં શરૂ થયેલી મેટ્રો સ્ટેશનનો વીડિયો વાયરલ... શહેરીજનોએ મેટ્રો સ્ટેશન પર પાન અને ગુટકાની પિચકારીઓ મારી હોવાનો વીડિયો વાયરલ
 

શરમ કરો... નવા બનેલા મેટ્રો સ્ટેશનને પણ લોકોએ પાનની પિચકારી મારીને લાલ કરી નાંખ્યું!

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :દેશભરમાં સ્વચ્છતા અભિયાનને લઈને સતત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે સરકાર પણ લોકોને પોતાની આસપાસ સફાઈ રાખવાની અપીલ કરે છે. પરંતુ શહેરોથી લઈને રેલવે સ્ટેશનો પર સામાન્ય લોકો હજુ પણ ગંદકી ફેલાવી રહ્યા છે. તેમાં પણ ગુજરાતીઓની પાન ખાઈને જ્યાંત્યાં થૂંકવાની આદતથી તો વિદેશના અનેક દેશો પરેશાન છે. આવામાં તાજેતરમા શાનથી શરૂ કરાયેલી અમદાવાદ મેટ્રો ટ્રેન અને અટલ બ્રિજને પણ લોકોએ પાનની પિચકારીથી દૂર રાખ્યા નથી. નવા મેટ્રો સ્ટેશન પર પાન અને ગુટકાની લોકોએ પિચકારી મારેલા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો સ્ટેશન પર પાનની પિચકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

અમદાવાદના અટલ બ્રિજ પર કરાતી ગંદકી બાદ હવે મેટ્રો સ્ટેશન અને ટ્રેનમાં પાનની પિચકારી મારતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદ મેટ્રોને વિકેન્ડમાં ફરવાનુ સ્પોટ બનાવનાર અમદાવાદીઓને તેની સ્વચ્છતાને લઈને કોઈ પડી નથી. અમદાવાદ મેટ્રોમાં બેદરકાર નાગરિકોએ પાનની પિચકારી મારી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો મામલે જ્યારે ઝી 24 કલાકે લોકો સાથે વાતચીત કરી તો તમામ લોકોની એક જ પ્રતિક્રિયા, આવા બેદરકાર લોકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. સ્ટેશન અને ટ્રેનમાં તમામ ખાદ્ય ચીજો પર પ્રતિબંધની સાથે કડક ચેકીંગ કરવું જોઈએ. 

ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાનની પિચકારીથી ગંદી થયેલી દિવાલો જોવા મળે છે. આ એ જ ગુજરાત છે જ્યાં ગાંધીજી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાની મુહિમ ચલાવી છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનથી રૂટની શરૂઆત કરાવી હતી. અમદાવાદના બે રૂટ પર મેટ્રો કાર્યરત છે.  અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12 હજાર કરોડથી વધુનો છે. ત્યારે હવે કેટલાક શખ્સો મેટ્રોના સ્ટેશન પર ગંદકી કરી રહ્યા છે.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા
જો તમે દેશના નાગરિકો છો તો તમારે કેટલીક બાબતો સમજવા જેવી છે. આપણે આપણી જ સંપત્તિ પર પિચકારી મારી રહ્યા છીએ. આપણા દેશ અને રાજ્યને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે. સ્વચ્છતા અપનાવો અને દેશને આગળ લઈ જવાની જવાબદારી આપણી છે. પાન અને ગુટખાની પિચકારી જાહેર સ્થળો પર ખુલ્લેઆમ દેખાય છે. જાહેર રસ્તા, સરકારી ઈમારતો પાસે પાનની પિચકારીના દ્રશ્યો દેખાય છે. બસ સ્ટેશન-રેલવે સ્ટેશનમાં ઠેરઠેર પાનની પિચકારીના દ્રશ્યો દેખાય છે. પિચકારી મારતા સમયે શરમ અનુભવતા નથી. કેટલાક લોકો પિચકારી મારવાને પોતાનો મૂળભૂત અધિકાર સમજે છે. પિચકારી મારનારાઓ ભુલી જાય છે કે તે પોતાની સંપત્તિ ગંદી કરી રહ્યા છે. 

તો વડોદરાની સરકારી કચેરીમાં લોકોએ પાન પડીકી ખાઈ પીચકારી મારેલા દ્રશ્યો જોવા મળ્યાં. કચેરીની દીવાલો પીચકારી મારી ખરાબ કરી નાંખી છે. સરકારી કચેરીમાં પાન પડીકી ખાઈ પીચકારી મારનારા સામે  કોઈ કાર્યવાહી થતી નથી. શહેરના કુબેર ભવન અને નર્મદા ભવન ખાતે લોકોએ ઠેર ઠેર પીચકારી મારી ગંદકી કરી હતી. સરકારી કચેરીઓની સુંદરતા બગાડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news