પાવાગઢ નિજ મંદિરમાં ઇતિહાસની સૌથી મોટી ચોરી! વાઘ બારસે 78 લાખના 6 હાર અને મુગટ ચોરીને ફરાર

શક્તિપીઠ પાવાગઢ ખાતે ગત 28 ઓક્ટોબર એટલે વાઘબારસ ની રાત્રે મહાકાળી નિજ મંદિરના ગર્ભગૃહમાં ચોરી થઈ હોવાની વાત વહેતી થઈ હતી અને પોલીસે પણ ચોરીનો પ્રયાસ થયો હોવાની વાતની પુષ્ટિ કરતા માં મહાકાળીના ભક્તો સહિત મંદિર ટ્રસ્ટ અને ખૂબ પોલીસ પણ ચિંતામાં હતી.

પાવાગઢ નિજ મંદિરમાં ઇતિહાસની સૌથી મોટી ચોરી! વાઘ બારસે 78 લાખના 6 હાર અને મુગટ ચોરીને ફરાર

ઝી બ્યુરો/વડોદરા: સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે ગત 28 ઓક્ટોબર એટલે વાઘબારસ ની રાત્રે મહાકાળી નિજ મંદિરના ગર્ભગૃહમાં ચોરી થઈ હોવાની વાત વહેતી થઈ હતી અને પોલીસે પણ ચોરીનો પ્રયાસ થયો હોવાની વાતની પુષ્ટિ કરતા માં મહાકાળીના ભક્તો સહિત મંદિર ટ્રસ્ટ અને ખૂબ પોલીસ પણ ચિંતામાં હતી, કારણ આ કોઈ સામાન્ય ચોરી ઘટના નહોતી પરંતુ જગતની રખવાળી કરતી કળિયુગની સાક્ષાત દેવી માં મહાકાળીના સૌથી મોટા ધામ શક્તિપીઠ પાવાગઢના નિજ મંદિરની વાત હતી. જો પહેલા તો માત્ર ચોરીનો પ્રયાસ જ માત્ર હોવાની વાત કરતી પોલીસે આખરે આજરોજ આરોપી ઝડપી પાડ્યા બાદ ચોરી થઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર કર્યું હતું.

સનાતન ધર્મ માં જે 51 શક્તિપીઠો નો ઉલ્લેખ કરવા માં આવ્યો છે તેમાંથી એક સૌથી થી મહત્વ ના ગણાતા માં મહાકાળી ના ધામ અને પંચમહાલ માં આવેલ પાવાગઢ મહાકાળી ધામ માં ચોરી ના પ્રયાસ ની ઘટના ગત 28 ઓક્ટોબર એટલે વાઘ બારસ ની રાત્રે અંદાજીત 1.30 વાગ્યા ની આસપાસ બની હતી. બીજા દિવસે એટલે ધનતેરસ ના વહેલી પરોઢે જ્યારે નિજ મંદિરના દ્વાર પૂજારી દ્વારા ખોલવામાં આવ્યા ત્યારે સૌ ચોંકી ઉઠ્યા કારણ કે ધનતેરસના જ્યારે લાખો ભક્તો માં મહાકાળીને પોતાનું ધન અને મિલકત સાચવવા પૂજન અર્ચન કરી રહ્યા હતા તેવા જ વખતે માં મહાકાળી ના ધામમાં ઇતિહાસની સૌથી મોટી ચોરી ને અંજામ અપાઈ ચુક્યો હતો. પહેલા તો પૂજારી ગર્ભગૃહ નો અસ્તવ્યસ્ત સામાન જોઈ મંદિર ના ટ્રસ્ટીઓને જાણ કરી. પહેલા તો મંદિર ટ્રસ્ટે ચોરી ના પ્રયાસ અંગે પોલીસ ને જાણ કરી પરંતુ પોલીસ ની તપાસ અને સીસીટીવી જોતા સામે આવ્યું કે નિજ મંદિર માંથી મહાકાળી માતાજી ની મૂર્તિ ને પહેરાવેલા સોના ના 6 હાર અને મુગુટ જેવા કિંમતી આભૂષણો અંદાજીત 78 લાખ ની કિંમત ગાયબ થયેલા છે. 

પોલીસે મંદિર પ્રસાસન ની ફરિયાદ ના આધારે ચોરી થયા હોવાનું ફલિત થતા તપાસ નો ધમધમાટ શરૂ કર્યો.જો કે પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો દિવાળી ના તહેવારો ની શરૂઆત. આવા સમયે જ્યારે દરરોજ લાખો ની સંખ્યા માં ભક્તો માં મહાકાળી ના ચરણે શિષ નમાવવા આવતા હોય ત્યારે આટલી પબ્લિકમાં ચોરને શોધવો ક્યાં તે પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો. પોલીસે પ્રાથમિક તબક્કે પાવાગઢ ના તમામ ગેસ્ટ હાઉસ,હોટેલ્સ અને આવતા જતા વાહનો પણ નાકાબંધી કરી ચેક કરવા નું શરૂ કર્યું હતું.

પોલીસે એલ.સી.બી. અને એસ.ઓ.જી સહિતની એજન્સીઓ સાથે કુલ 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી સંખ્યાબંધ સીસીટીવી ચેક કરવા ની કાર્યવાહી હાથ ધરી.જો કે ટેક્નિકલ અને હ્યુમન સોર્સ થી એલ.સી.બી ની ટીમ ને એક કડી મળી કે ચોરી ની આગલી રાત્રે એક બાઇક ચાલકની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તે દિશામાં વધુ સીસીટીવી ચેક કરતા મંદિર ની આસપાસ પણ તેજ વ્યક્તિ ની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે બાઇકના નમ્બરથી વાહન માલિકની વિગતો મેળવી હતી. 

જો કે સીસીટીવી માં પણ ચોરી ની ઘટના ને અંજામ આપ્યો હોવા ની ખાતરી થતા પોલીસે શંકાસ્પદ હિલચાલ વાળા બાઇક ચાલક વિદુરભાઈ ચંદ્રસિંગભાઈ વસાવા ને તેના વતન સુરત જિલ્લા ના ઉમરપાડા ના નસારપુર ગામ થી શંકા ના આધારે રાઉન્ડઅપ કરી લીધો.પોલીસે પોતાની રીતે વિદુરની પૂછપરછ કરતા તેને પોતાનો ગુનો કબૂલાત કરી પોલીસને જણાવ્યું કે પોતે સટ્ટાખોરી ની આદતવાળો હોઈ ઓનલાઈન ગેમ માં લાખો રૂપિયા હારી જતા માથે દેવું થઈ જતા ચોરીનું પગલું ભર્યું હતું અને ચોરી કરેલા આભૂષણો નેત્રંગ રોડ પર આવેલ ગેરેજ પર રીપેરીંગમાં મુકેલ પોતાની ટ્રક ના સિટ ના પાછળ ના ભાગે મુકેલ છે.

પોલીસે તાત્કાલિક વિદુરે જણાવેલ ટ્રક નો કબજો મેળવી તપાસ કરતા સોનાના 6 હાર અને મુકુટ સહિત 78 લાખનો સહીસલામત હાલતમાં ચોરીનો મુદ્દામાલ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ સમગ્ર મામલે પંચમહાલ પોલીસે આરોપી વિદુર વસાવાને ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news