ગૌણ સેવા કૌભાડમાં એક વ્યક્તિની ધરપકડ, 1 દિવસના રિમાન્ડ પર મોકલાયો

ધર્મેન્દ્ર સિંહ રાઠોડ નામની વ્યક્તિએ અન્ય એજન્ટો મારફતે 9 વ્યક્તી પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા, કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ગૌણ સેવા કૌભાડમાં એક વ્યક્તિની ધરપકડ, 1 દિવસના રિમાન્ડ પર મોકલાયો

ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મામલે બનાવટી નિમણૂક પત્ર આપવાનું કૌભાંડ થોડા દિવસ પહેલા બહાર આવ્યુ હતું. આ કૌભાંડમાં પોલીસે ધર્મેન્દ્રસિંહ રાઠોડ નામના એજન્ટની ધરપકડ કરી છે. બોગસ ડિગ્રી ધરાવનાર 9 લોકો પાસેથી ધર્મેન્દ્રસિંહ રાઠોડે રૂપિયા ઉઘરાવ્યા હતા. એજન્ટો મારફતે ઉઘરાવેલા રૂ.50 લાખ સરોજબા રહેવરને અપાવવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા મળેલા નિમણૂકપત્રો લઈને કેટલાક યુવકો નોકરીમાં હાજર થવા માટે પહોંચ્યા હતા. જેમના નિમણૂકપત્રોની તપાસ કરવામાં આવતા તે નકલી જણાયા હતા. ગૌણ સેવા મંડળના અધિકારીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે નકલી નિમણુકપત્રો લઈને આવનારા યુવકોની પુછપરછ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી હતી. 

જેમાં પોલીસને ધર્મેન્દ્રસિંહ રાઠોડ નામની વ્યક્તિનું નામ જાણવા મળ્યું હતું. આ વ્યક્તિએ તેના એજન્ટો મારફત નોકરી આપવાના બહાને લોકો પાસેથી મોટી રકમ ઉઘરાવી હતી. પ્રાથમિક તપાસમાં એજન્ટે 20થી વધુ લોકો પાસેથી રૂપિયા લીધા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. લોકો પાસેથી ઉઘરાવેલી આ રકમમાંથી ધર્મેન્દ્ર સિંહે રૂ.50 લાખ સરોજબા રહેવરને આપ્યા હોવાનું જણાવ્યું છે. 

પોલીસે ધર્મેન્દ્ર સિંહ રાઠોડને કોર્ટમાં રજૂ કરતાં તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ સરોજબા રહેવર કોણ છે અને અન્ય કેટલા લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ સમગ્ર કૌભાંડમાં હજુ વધુ નામો બહાર આવે તેવી શકયતા સેવાઇ રહી છે. લોકો પાસેથી પણ કરોડો રૂપિયા ઉઘરાવાયા હોવાની પોલીસને આશંકા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news