મહેસાણાના ખેડૂતોને હવે રૂપિયા ખાતા વચેટિયાથી મળશે રાહત, ડાયરેક્ટ માલ વેચી શકશે
Trending Photos
- ખેડૂતોએ 53 સબ પોસ્ટ ઓફિસોમાંથી કોઈ પણ જગ્યા પર જઈ રજિસ્ટ્રેશન કરાવી પોતાના પાકની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવાનું રહેશે
- ખેડૂત સીધો ખરીદાર સાથે વાત કરી પોતાનો પાક વેચી શકશે અને આ પ્રોજેક્ટથી ખેડૂતોને વચેટિયા કમિશન લેતા લોકોથી રાહત મળશે
તેજસ દવે/મહેસાણા :રાજ્યમાં પોસ્ટ વિભાગ ખેડૂતો તેમની ખેતપેદાશ પોતાને અનુકુળ ભાવે વેચી શકે તે માટે ડીજીટલ પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમાં પાયલોટ તરીકે 2 જિલ્લાઓની પસંદગી શરૂઆતના તબક્કામાં કરવામાં આવી છે. જેમાં મેહસાણા જિલ્લા પોસ્ટ વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય પોસ્ટ વિભાગ દ્વારા ખેડૂતો માટે એક ડિજીટલ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવશે. જેમાં મેહસાણા અને ગોંડલ જિલ્લાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે. ભારતીય ટપાલ વિભાગ મેહસાણાએ એગ્રીબીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે કોન્ટ્રક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટમાં હાલના તબક્કે મેહસાણા જિલ્લાની 53 સબ પોસ્ટ ઓફિસોમાં આની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં ખેડૂતોએ 53 સબ પોસ્ટ ઓફિસોમાંથી કોઈ પણ જગ્યા પર જઈ રજિસ્ટ્રેશન કરાવી પોતાના પાકની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવાનું રહેશે. ઓછામાં ઓછો ૧૦ ટન પાક હોવો જોઈએ અને આમાં જે ખેડૂત પાસે ૧૦ ટન ઉત્પાદન ના હોય તે અન્ય ખેડૂતો સાથે મળી ભેગું રજિસ્ટ્રેશન કરાવી શકશે અને આ વિગત પોસ્ટ દ્વારા એગ્રીબીડ કંપનીના માધ્યમ થકી ઓનલાઈન મૂકવામાં આવશે. જેથી જે ખેડૂત સીધો ખરીદાર સાથે વાત કરી પોતાનો પાક વેચી શકશે અને આ પ્રોજેક્ટથી ખેડૂતોને વચેટિયા કમિશન લેતા લોકોથી રાહત મળશે અને પોતાના મહામૂલી પાકના પુરા રૂપિયા મેળવી શકશે.
પોસ્ટ વિભાગના આ પ્રોજેક્ટ થકી ખેડૂતોને સીધે સીધો લાભ થશે. ખેડૂત સીધા વેપારી સાથે કનેક્ટ થશે. જેથી ખેડૂત પોતાના માલની વેલ્યુ પ્રમાણે ભાવ મેળવી શકશે. આ ખેડૂતના હિત માટેનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ થકી ખેડૂતનો સમય અને રૂપિયા બંનેની બચત થશે. ખેડૂતોને બ્રોકર, કમિશનીયાથી છુટકારો મળશે. વચ્ચેથી કમિશનીયા નીકળશે એટલે ખેડૂતને પૂરેપૂરા રૂપિયા મળશે અને ખેડૂત પોતાની મરજીથી ખરીદાર પાસેથી ભાવ નક્કી કરી પોતાનો પાક વેચી શકશે. આ પ્રોજેક્ટ થકી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો આવનાર દિવસોમાં થશે.
પોસ્ટના આ ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો પોતાનો પાક તેમને અનુકુળ એવા ઉચ્ચતમ ભાવથી સીધે સીધો ખરીદારને વેચી શકશે. પોસ્ટ વિભાગ ખેડૂતો પાસેથી માહિતી એકત્ર કરી એગ્રીબીડને આપશે અને તે કંપની ઓનલાઈન માધ્યમથી ખરીદાર સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ થકી મેહસાણા જિલ્લાનો ખેડૂત ડિજીટલ ખેડૂત બનવા તરફ આગળ વધશે તેમ કહીએ તો નવાઈ નહિ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે