વડોદરા-સાબરકાંઠા બાદ હવે આ બેઠકનો વારો, પેરાશૂટ ઉમેદવારને બદલવા પત્રિકા ફરતી કરાઈ

Valsad Loksabha Seat : વડોદરામાં પોસ્ટર વોર બાદ હવે વલસાડ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારને લઈ પત્રિકા વાયરલ થઈ હતી. ભાજપનાં ઉમેદવાર અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ 

વડોદરા-સાબરકાંઠા બાદ હવે આ બેઠકનો વારો, પેરાશૂટ ઉમેદવારને બદલવા પત્રિકા ફરતી કરાઈ

Gujarat Loksabha Election નિલેશ જોશી/વલસાડ : આજે ગુજરાતના રાજકારણમાં મોટી નવાજૂની થઈ છે. વડોદરા અને સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી. તો બનાસકાંઠા અને આણંદ બેઠક પર પણ નવાજૂની થાય તેવા સંકેત દેખાઈ રહ્યાં છે. ત્યારે આ વચ્ચે વધુ એક બેઠક પર ભાજપના ઉમેદરવાર બદલવાની માંગ ઉઠી છે. હવે વલસાડ લોકસભા સીટને લઈ ડખો ઉભો થયો છે. ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બદલવાની પત્રિકાઓ વહેતી થઈ છે. પત્રિકામાં બેઠક પરના ઉમેદવાર બદલવાની માંગ કરાઈ છે. ત્યારે વિવાદ વચ્ચે વલસાડ બેઠક પર ભાજપ ઉમેદવાર બદલી શકે છે! 

ધવલ પટેલને લઈ એક નનામી પત્રિકા વાયરલ થઈ 
વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ અને ઉમેદવારો લોકો વચ્ચે જઈ અને સમર્થન માંગી રહ્યા છે. ભાજપ દ્વારા આ બેઠક પર મૂળ વાંસદાના ધવલ પટેલ નામના ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જેઓ ભાજપના એસટી મોરચાના સોશિયલ મીડિયા સેલમાં રાષ્ટ્રીય લેવલે કામ કરી હોદ્દો ધરાવતા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા વાસદાના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને લઈ એક નનામી પત્રિકા વાયરલ થઈ રહી છે. જેમાં ઉમેદવાર ધવલ પટેલના નામની જાહેરાત થી સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓ પણ નારાજ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

ધવલ પટેલ સ્કાય લેબ ઉમેદવાર
આ પત્રિકામાં ધવલ પટેલ મતવિસ્તાર બહાર સુરત રહેતા હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ તેઓ અહીંના સ્થાનિક ન હોવાથી પાર્ટીના કોઈ અગ્રણીઓ કે કાર્યકર્તાઓની સાથે પણ સંપર્કમાં ન હોવાથી પાર્ટીમાં અંદરખાને છુપો અણગમો વ્યક્ત થઈ રહ્યો હોવાનો આ વાયરલ થયેલી પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે. પત્રિકા લખનાર પોતે પોતાને ભાજપનો કાર્યકર્તા હોવાનું જણાવી અને તેમાં વિવિધ મુદ્દે ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનને પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ધવલ પટેલને બદલે કોઈ સ્થાનિક અગ્રણીને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી છે. 

પત્રિકા વોરમાં નવી અફવાએ જોર પકડ્યું
વાયરલ થયેલી પત્રિકા બાદ જિલ્લામાં ભાજપ હવે આ મામલે ઉમેદવાર બદલવાની તૈયારી ચાલતી હોવાની સોશિયલ મીડિયાના અફવા ચાલી રહી છે. આ વાઇરલ પત્રિકા અને મેસેજને કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપના ઉમેદવારને લઈ આક્ષેપો કર્યા હતા. 

ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બહારના ગણાવી ઉમેદવાર બદલવા અંગેની ચાલતી ચર્ચાઓ અંગે કોંગ્રેસે આ ભાજપનો આંતરિક મામલો હોવાનું જણાવી રહ્યા છે. અને જોકે ભાજપ ઉમેદવાર બદલે કે ન બદલે પરંતુ આ વખતે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થશે તેવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પત્રિકા અને ઉમેદવાર બદલવાની ચાલી રહેલી ચર્ચાઓના મુદ્દે ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભાજપના મતે કોંગ્રેસ હારી રહી હોવાનું દેખાઈ રહ્યું હોવાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ખોટી અફવાઓ અને દુષપ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનુ ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જોકે અત્યારે તો લોકસભાની ચૂંટણીને કારણે બંને પાર્ટીઓ અને ઉમેદવારો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતાં જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે.

વલસાડમાં અનંત પટેલ વર્સિસ ધવલ પટેલ
આદિવાસી બાહુલ્ય ધરાવતી વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આંદોલનો થકી સરકાર સામે બાયો ચઢાવી અનેક મોરચે સફળ રહેલા આદિવાસી નેતા અનંત પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે ભાજપે સ્કાયલેબ પ્રકારે સોશ્યલ મીડિયામાં એક્ટિવ અને ભાજપના આદિવાસી મોર્ચાના યુવા નેતાને ચુંટણી સંગ્રામમાં ઉતર્યા છે. આદિવાસીઓમાં જાણીતા અનંત પટેલને કોંગ્રેસે ચુંટણી મેદાનમાં ઉતારતા ભાજપે પણ સામે સોશ્યલ મીડિયામાં એક્ટિવ એવો યુવા ચહેરો ધવલ પટેલને ચુંટણી સંગ્રામમાં ઉતાર્યા છે. મુળ વાંસદાના અને ધોડિયા પટેલ જ્ઞાતિના જ ધવલ પટેલ ભાજપના આદિવાસી મોર્ચાના સોશ્યલ મીડિયા સેલના રાષ્ટ્રીય ઇન્ચાર્જ છે. સોશ્યલ મીડિયામાં ધવલ પટેલના સવા લાખથી વધુ ફોલોઅર્સ છે.

વલસાડ લોકસભા ઉપર ટફ ફાઈટ
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને જોતા રાજકીય વિશ્લેષકો વલસાડ લોકસભા ઉપર ટફ ફાઈટ રહેવાનું માની રહ્યા છે. કારણ બંનેના ઉમેદવારો યુવા છે અને એક જ ધોડિયા જ્ઞાતિના છે. ત્યારે આંદોલનો થકી લોક ચાહના ધરાવતા અનંત પટેલ સામે સ્કાય લેબની જેમ મુકવામાં આવેલા ધવલ પટેલે ભાજપી સંગઠન ઉપર વિશ્વાસ સાથે ચુંટણી જંગ ખેલવો પડશે. ભાજપ માઇક્રો પ્લાનિંગ થકી ચુંટણી મેદાનમાં ઉતરતી હોય છે, પરંતુ કોંગ્રેસના જુથવાદ સાથે અનંત પટેલે ચુંટણી જીતવાની મથામણ કરવી પડશે. વલસાડ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગેસના યુવા ચહેરા છે, પરંતુ એક પાસે મજબૂત સંગઠન અને એક પાસે પોતાના આંદોલનો થકી મેળવેલી લોક ચાહના છે, જેમાં બે બળિયામાં કોણ બાજી મારશે એ ચુંટણી જંગ બાદ જ સામે આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news