મહેસૂલ મંત્રી રીક્ષામાં બેસીને રજિસ્ટાર કચેરીએ પહોંચ્યા, અધિકારીઓ જોતા જ રહી ગયા
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ :વલસાડમાં આજે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ની હાજરીમાં મહેસુલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મેહેસુલ મેળા માં હાજરી આપવા આવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કાર્યક્રમના નિર્ધારીત સમય પહેલાં જ વલસાડ પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, મહેસુલ મેળામાં જતા પહેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પ્રોટોકોલ તોડી અને પોતાની ગાડીમાંથી ઉતરી અને એક રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં જ બેસી તેઓ કોઈપણ જાતની જાણ કર્યા વિના સીધા જ વલસાડની રજિસ્ટાર કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં દસ્તાવેજ કરાવવા આવેલા અને પોતાનું કામ લઈને આવેલા અરજદારો સાથે મુલાકાત કરી હતી.
એક કેબિનેટ મંત્રી અચાનક જ રિક્ષામાં રજીસ્ટર કચેરી સુધી પહોંચતા કચેરીમાં દોડધામ મચી ગઇ હતી. પોતાના કામ માટે કચેરીએ આવેલા અરજદારો પણ મંત્રીને જોઈને ચોંકી ગયા હતા. પોતાની કામ કરવાની આગવી શૈલી પ્રમાણે જ રાજેન્દ્ર ત્રિવેદી સીધા અરજદારો સાથે મુલાકાત કરી અને તેમની સાથે તેમની પૂછપરછ કરી હતી. અને કોઈ સમસ્યા હોય તો જણાવવા જણાવ્યું હતું.
સાથે તેઓએ આ સરકારી કામમાં કચેરીમાં કોઈ કર્મચારી કે અધિકારી પૈસાની માંગણી કરે છે કે કેમ તેવી પણ અરજદારો સાથે પૂછપરછ કરી હતી. અરજદારોને એ પણ પૂછ્યું કે, નિર્ધારિત સમયમાં જ તેમનું કામ થઈ જાય છે કે કેમ..?? આ સાથે અનેક પ્રકારની પૂછપરછ કરી હતી. આમ એક અરજદારને લઈને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક કર્મચારી સાથે પણ વાતચીત કરી હતી.
પોતાના વિભાગમાં આવી રીતે સમયબદ્ધ અરજદારોના કામ થઈ રહ્યા હોવાનુ જાણતા જ રાજેન્દ્ર ત્રિવેદીએ ખુશી વ્યક્ત કરી હતી. રાજ્યના મહેસૂલ મંત્રી સામાન્ય નાગરિકની જેમ પ્રોટોકોલ તોડી અને પોતાની ગાડીમાંથી ઉતરી સીધા જ રીક્ષામાં સરકારી કચેરી સુધી પહોંચતા જિલ્લા કલેકટર સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ રીક્ષામાંથી ઉતરીને જાતે જ રીક્ષાનું ભાડુ પણ ચૂકવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે