મકાન પચાવી પાડવાની ખતરનાક ટ્રીક : અજાણી મહિલા બની વૃદ્ધાની સીધી લીટીની વરસદાર

Land Grabbing : રાજકોટમાં ભૂ-માફિયાઓ બેફામ... વૃદ્ધાના કેર ટેકરે મકાન પચાવી પડ્યું... બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી બની ગઈ સીધી લીટીની વરસદાર...
 

મકાન પચાવી પાડવાની ખતરનાક ટ્રીક : અજાણી મહિલા બની વૃદ્ધાની સીધી લીટીની વરસદાર

Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના જંકશન પ્લોટમાં રહેતા વૃધ્ધાનું દેખરેખ રાખવા કામે રખાયેલ મહિલાએ વકીલ અને નોટરીની મદદગારીથી વૃધ્ધાના નામનું મકાન ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ઉપયોગ કરી મકાનનો દસ્તાવેજ પોતાના નામે ટ્રાન્સફર કરી લઇ મકાન પચાવી પાડ્યાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પ્રદ્યુમનનગર પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. 

રાજકોટમાં ભૂ માફિયાઓ ફરી સક્રિય થયા છે. જંકશન પ્લોટમાં વૃદ્ધાની કેર કરવા કેર ટેકર રાખવામાં આવી હતી. જોકે આ કેર ટેકર વૃદ્ધાના મોત બાદ બોગસ ડોક્યુમેન્ટ આધારે સીધી લિટીની વરસદાર તરીકે મકાન પર કબજો કરી લીધો. જોકે વૃદ્ધાના મોત બાદ પૌત્રએ મકાન ખાલી કરવાનું કહેતા મહિલાએ મકાન ખાલી નહિ થાય તેવું કહી દીધું હતું. જે અંગે જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. કલેક્ટરના હુકમ બાદ પ્રદ્યુમનનગર પોલીસે જગદીશભાઈ પ્રાગજીભાઈ ઝાલાની ફરિયાદ પરથી જીવતીબેન નાનજીભાઈ ચનુરા, વકીલ હર્ષાબેન એ. મકવાણા અને નોટરી ડી.વી. ગાંગાણી સામે લેન્ડ ગ્રેબીંગની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. 

ફરિયાદીનું કહેવું છે કે, રાજકોટના 10-જંકશન પ્લોટમાં ઝાલા નિવાસ તરીકે ઓળખાતી મિલકત ઉજમબેન કારેલીયા પાસેથી ખરીદી હતી. જેમાં તે તેના માતા-પિતા ઉપરાંત ભાઈઓ સહિતના પરિવારજનો સાથે રહેતા હતા. જેના આશરે દોઢેક વર્ષ બાદ તેના પિતાનું મૃત્યુ નિપજ્યુ હતું. જ્યારે બંને ભાઈઓને અને પોતાને નોકરી અને કામ ઉપરાંત સગવડતાના કારણે તમામ શહેરના અલગ અલગ જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા. આમ જંકશન પ્લોટના મકાને તેના માતા એકલા રહેતા હોય અને થોડા સમય બાદ હાલી ચાલી શકતા ન હોવાથી તેની સારસંભાળ રાખવા આરોપી જાગુબેનને ત્યાં કામે રાખ્યા હતા. 

આ દરમિયાન તેમના માતાનું બીમારીથી 2018માં મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ આરોપીએ જીવતીબેન ઉર્ફે જાગુબેને તેના માતા-પિતાની દીકરી હોવાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેના માતાના નામના મકાનનો દસ્તાવેજ પોતાના નામે ટ્રાન્સફર કરાવી લીધો હતો. બાદમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા મકાન વેરો ભરવામાં ચડત વેરામાં ડીસ્કાઉન્ટ આપતા હોય જેથી મકાનનો વેરો પાછલા ત્રણ-ચાર વર્ષનો ચડત થઇ ગયો હતો જે એકસાથે ભરવા પુત્ર વિપુલભાઇ ઝાલાને જાણ કરી તો તેને આ વેરો ભરવા ઓનલાઇન જોયું તેમાં આ જાગુબેનનુ નામ ચડ્યું હતું અને લાઇટબીલમાં પણ ચેક કરાવ્યું તો આ જાગુબેનનુ નામ હતુ.આ જાગુબેનનુ નામ અમારી રીતે તપાસ કરતા તેનુ સાચુ નામ જીવતીબેન નાનજીભાઇ ચનુરા હોવાનું જાણવા મળ્યું હતું અને અમો ત્રણ ભાઇઓ જ છીએ કોઇ બહેન નથી અને માતાએ કોઇ દીવસ કોઇને દત્તક લીધેલ નથી. જેથી આ મકાન જાગુબેને તેના નામે કરી લીધાની જાણ થતા અમે અમારી કાયદેસરની વારસાઇનુ મકાન મેળવવા કલેક્ટર કચેરીએ લેન્ડગ્રેબીંગના કાયદા મુજબ કાર્યવાહી કરવા અરજી કરી હતી. જેમાં વકીલ હર્ષાબેન મકવાણા અને નોટરી ડી.વી.ગાંગાણીએ તેના માતા મૃત્યુ પામ્યા હોય તે બાદ તેના નામનું ખોટુ સોગંદનામુ બનાવવામાં મદદગારી કરી હતી. આમ જીવતીબેન ચનુરાએ તેના વારસાઇ મકાન પચાવી પાડતા ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. 

રાજકોટ શહેરમાં ફરી એક વખત ભૂ-માફિયાઓ સક્રિય થયા છે. વૃદ્ધ મહિલા એકલા હતા તે સમયે જ વકીલની મદદથી બોગસ દસ્તાવેજો ઉભા કરી મકાન પચાવી પાડવાનું આખું કારસ્તાન સામે આવ્યું છે, ત્યારે પોલીસ સ્થળ તપાસ કરી ગુનો દાખલ કર્યો છે. પોલીસ આરોપીને ઝડપી કઈ રીતના કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news