રાજકોટ: કોરોનાનો શંકાસ્પદ દર્દીના નમુના પરીક્ષણ માટે પૂના મોકલાયા, તંત્ર દોડતું થયું
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીના નમુના પરીક્ષણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા બાદ ગઇકાલ રાત્રિથી સમગ્ર સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ બુધવાર મોડીરાતથી જ કામે લાગી છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીના નમુના પરીક્ષણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા બાદ ગઇકાલ રાત્રિથી સમગ્ર સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ બુધવાર મોડીરાતથી જ કામે લાગી છે. આજે ગુરુવારે આખો દિવસ આ દોડધામ ચાલુ રહી હતી.
જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોનાનો જે શંકાસ્પદ કેસ મળી આવ્યો છે એ ઘરની આસપાસના ૫૦ જેટલા મકાનોમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ વ્યક્તિના પરિવારના 17 લોકોને પથિકાશ્રમમાં રાખવામાં આવ્યા છે અને ત્યાં તેમને રહેવા ખાવા-પીવા સહિતની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી છે.
શંકાસ્પદ દર્દી છેલ્લા ચાર દિવસ દરમિયાન કેટલા લોકોના સંપર્કમાં આવ્યો તેની તપાસ પણ ચાલુ છે. અને જેમ-જેમ નામો ખુલતા જાય છે તેમ તેમ આવા લોકોની તબીબી તપાસ પણ ચાલુ કરી દેવામાં આવી છે.. જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સારવાર આપવા માટે હાલ સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે પરંતુ જો વધુ જરૂર જણાય તો તેના માટે અલગ અલગ 8 ખાનગી હોસ્પિટલને તૈયાર રહેવા માટે જણાવાયું છે.
દર્દી સાથે સંપર્કમાં આવનાર વ્યક્તિને અલગથી રાખવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેનબસેરા, અમદાવાદ હાઈવે પર આવેલ ત્રિમંદિર, યુનિવર્સિટી નજીક આવેલી સમરસ બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ, આરટીસી ટ્રેનિંગ સેન્ટર સહિતના સ્થળોએ આ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલ, વોકાર્ડ હોસ્પિટલ, ગીરીરાજ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ, ક્રાઇસ્ટ હોસ્પિટલ, લેન્ડમાર્ક હોસ્પિટલ, ક્રિષ્ના હોસ્પિટલ ઓલમ્પસ હોસ્પિટલ, એચસીજી હોસ્પિટલ, સેલસ હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં 29 વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે. આ તમામ 28 હોસ્પિટલોમાં બાળકો માટે નવ અને મોટી ઉંમરની વ્યક્તિઓ માટે 65 વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આગોતરી સાવધાની વર્તતા કલેક્ટર દ્વારા ક્રાઇસીસ મેનેજમેન્ટ
કોરોનાના શંકાસ્પદ કેસના નમુના પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો આ કેસ પોઝિટિવ આવે તો છેલ્લી ઘડીએ દોડધામ ન કરવી પડે તે માટે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગુરુવારે બપોરે ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં જિલ્લાવિકાસ અધિકારી, પોલીસ કમિશનર,મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ કમિશનર, નગર પાલિકા કમિશનર ,પ્રાંત અધિકારીઓ અને નગરપાલિકાના સત્તાવાળાઓને હાજર રાખવામાં આવ્યા હતા.. બેઠક પૂરી થયા બાદ તેમાં થયેલી ચર્ચાની મળતી વિગત મુજબ, હાલ પરિસ્થિતિ રાબેતા મુજબ અને સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. પરંતુ જો પૂના મોકલવામાં આવેલા નમુનામા કેસ પોઝિટિવ આવે તો તુર્તજ તંત્ર કામે લાગી જાય તે દિશામાં રચના ઘડી કાઢવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે