શ્રાવણમાં ફરાળી પેટીસ તોડાવશે ઉપવાસ: લોટ ભેળવી પેટીસ વેચવાના મોટા કારસ્તાનનો પર્દાફાશ
રાજકોટમાં ફરાળી પેટિસમાં ભેળસેળ થતી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસમાં નમૂના ફેઈલ થયા છે અને આરોગ્ય વિભાગે પોણા બસો કિલો પેટીસનો નાશ કર્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: તહેવારો ટાણે જ કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી પેટીસના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. અગાઉ ઘણી વખત ફરસાણના ધંધાર્થીઓ પેટીસમાં ફરાળી લોટને બદલે મકાઇનો લોટ પધરાવી ઉપવાસીઓને અભડાવવાનો ગોરખધંધો કરતા હોવાનું બહાર આવી ચૂક્યું છે, ત્યારે રાજકોટમાં ફરાળી પેટિસમાં ભેળસેળ થતી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તપાસમાં નમૂના ફેઈલ થયા છે અને આરોગ્ય વિભાગે પોણા બસો કિલો પેટીસનો નાશ કર્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે લોકો એકટાણું કે ઉપવાસ કરી રહ્યાં છે, આવામાં કેટલાક વેપારીઓ પણ વધુ નફો રળી લેવાના પ્રયાસમાં ફરાળીમાં ભેળસેળ કરી રહ્યાં છે. પેટીસમાં ફરાળી લોટને બદલે મકાઇનો લોટ અને અન્ય વસ્તુઓની ભેળસેળ કરતા હોવાનું બહાર આવ્યું છે. ઉપવાસીઓને આ ભેળસેળવાળું પધરાવી દેવાના ગોરખધંધાનો રાજકોટમાં આજે પદાર્ફાશ થયો છે.
શ્રાવણ મહિનાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફરાળી પેટીસના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં તેઓ ફેલ રહ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગે અલગ અલગ 5 ડેરીમાંથી 178 કિલો પેટીસનો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના ખુલાસામાં ફરાળી પેટીસમાં ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. પેટીસમાં લોટ અને અન્ય વસ્તુઓની ભેળસેળ કરતા હોવાનું બહાર આવ્યું છે. રાજકોટની જય સીયારામ ડેરી, ખુશ્બુ ગાંઠિયા, જય સીયારામ ડેરીફાર્મ, ભગવતી ફરસાણમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં આરોગ્ય વિભાગે નમૂનાઓ લઈને નોટિસો ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ફરાળીની પેટીસમાં થઇ રહેલી ભેળસેળની આ કોઇ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ રાજકોટમાંથી આરોગ્ય વિભાગે પેટીસના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડીને ભેળસેળનું ષડયંત્ર ઝડપી પાડ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં હજારો ભકતો ઉપવાસ અને એકટાણા કરતા હોય છે. તેવામાં નફો રળવા ધાર્મિક લાગણી સાથે ચેડા અને આરોગ્ય સાથે ખિલવાડ કરવાનો ધંધો પણ વધી જાય છે. શ્રાવણ માસમાં અને ફરાળી વસ્તુમાં પણ જો આવું બનતું હોય તો અન્ય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા ધંધાર્થીઓ કયાંથી ડર અનુભવતા હશે તે સવાલ ઉપજે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે