સતત પૈસા કમાવવાની દોડમાં સંબંધોને ગળી રહ્યો છે મની સિકનેસ સિન્ડ્રોમ, જાણો તેના લક્ષણો અને બચવાનો ઉપાય
વ્યક્તિ પૈસા કમાવવાના ચક્કરમાં ઘણી વખત પોતાની જાતને પણ ભૂલી જાય છે. પૈસાની તુલનાએ ઘણી વ્યક્તિ પોતાની જાતની પરવાહ પણ નથી કરતા જેને મની સિકનેસ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: જીવનમાં દરેક માણસને પૈસાની જરૂર પડતી હોય છે. પૈસાથી સમાજમાં એક મોભો પણ ઘણા લોકોને મળતો હોય છે. વ્યક્તિ પૈસા કમાવવાના ચક્કરમાં ઘણી વખત પોતાની જાતને પણ ભૂલી જાય છે. પૈસાની તુલનાએ ઘણી વ્યક્તિ પોતાની જાતની પરવાહ પણ નથી કરતા જેને મની સિકનેસ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે.
કેસ: 1 એક પત્નીએ પોતાના પતિ પાસેથી એટલે છૂટાછેડાની માંગણી કરી કારણકે તેનો પતિ સતત પૈસા કમાવવાની ઈચ્છા ને કારણે કામમાં જ વ્યસ્ત રહેતો.
કેસ: 2 એક બાળક સતત ઘરમાં એકલું અનુભવતું. સતત ગુસ્સો કરતુ. ઊંડાણપૂર્વક તપાસ કરતા ખબર પડી કે તેનાં માતા પિતા બંન્ને નોકરી કરતા અને બાળકને પૂરતો સમય ન આપી શકતા. માતા પિતાએ જણાવ્યું કે બાળકના જ ઉજ્જવળ ભવિષ્ય માટે અમે અત્યારે ખૂબ પૈસા એકત્ર કરવા માંગીએ છીએ જેથી તેનું ભવિષ્ય સુધરે.
આ બંન્ને કિસ્સાઓ મની સિકનેસ સિન્ડ્રોમના લક્ષણો ધરાવતા લોકોના છે. મની સિકનેસ સિન્ડ્રોમ વિશે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ જોશી વિશ્વા અને સોલંકી કવિતાએ અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમા આ સિન્ડ્રોમ વિશે લાયબ્રેરી રિસર્ચ કર્યું.
મની સિકનેસ સિન્ડ્રોમ એટલે શું
મની સિકનેસ સિન્ડ્રોમ એટલે જેમાં વ્યક્તિઓ જીવનના અન્ય પાસાઓ જેવા કે સામાજિક સંબંધો, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સુખાકારી કરતા પૈસા અને નાણાકીય સફળતાને વધુ અગત્યના માને છે. મની સિકનેસ સિન્ડ્રોમ એટલે પૈસાની ચિંતા. મની સિકનેસ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિ માટે પૈસા જ સર્વસ્વ હોય છે. તેમને બસ પૈસાની ચિંતા જ સતત રહે છે. લગભગ ઘણી વ્યક્તિ થોડા ઘણા અંશે આ સિન્ડ્રોમનો શિકાર બનતી જણાય છે. એક સર્વે મુજબ પૈસાની વધુ પડતી ચિંતા આજે તણાવનું સૌથી મોટું કારણ બની ગયું છે. આર્થિક પ્રગતિએ ઘણા લોકોને આ ચિંતાની જાળમાં ફસાવ્યા છે અને તેવા લોકો સતત પૈસાની ચિંતા કરતાં જોવા મળે છે.
મની સિકનેસ સિન્ડ્રોમના લક્ષણો
- વધુ પૈસાની સતત ઈચ્છા: મની સિકનેસ સિન્ડ્રોમ ધરાવતા લોકો ક્યારેય તેમની સંપત્તિથી સંતોષ નથી મેળવી શકતા.
- ઉચ્ચ પ્રતિષ્ઠાની સખત ઈચ્છા: સંપત્તિ અને સામાજિક દરજ્જો દેખાડવા સખત મોંઘી અને કિંમતી વસ્તુઓની ખરીદી જોવા મળે.
- સંગ્રહ ખોરી: મની સિકનેસ સિન્ડ્રોમથી પીડિત કેટલાક વ્યક્તિઓ ઉપયોગ કર્યા વિના વધુ પડતી રકમ અથવા સંપત્તિ એકઠી કરીને આનંદ અનુભવે છે.
- નાણાકીય જોખમ: મની સિકનેસ સિન્ડ્રોમ વ્યક્તિઓને તેમની નાણાકીય બાબતોમાં વધુ પડતા જોખમો લેવા તરફ પ્રેરી શકે છે જેમ કે વિવિધ જગ્યાએ રોકાણ કરવું, વધુ પડતી મિલકતો ભેગી કરવી, કિંમતી આભૂષણો અને મોંઘા વાહન લેવા વગેરે
- અંગત સંબંધોની ઉપેક્ષા:આવા સિન્ડ્રોમ ધરાવતા લોકો તેમના અંગત સંબંધો કરતાં તેમની નાણાકીય સફળતાને વધુ મહત્વ આપે છે. કુટુંબ, મિત્રો અને સામાજિક સંબંધની અવગણના કરતા જોવા મળે છે.
- ભાવાત્મક તકલીફ: સંપત્તિના સંગ્રહ છતાં મની સિકનેસ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિઓ તેમની નાણાકીય પરિસ્થિતિને લઈને સતત અતિશય ચિંતાની લાગણી અનુભવે છે.
- પૈસા પ્રત્યે અતિશય આવેગશીલ વર્તન: આ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિ પાસેથી કોઈએ થોડા ઘણા રૂપિયા લીધા હોય તો તેને સતત બેચેની રહ્યા કરતી હોય છે. જ્યાં સુધી એ પૈસા પરત ન આવે ત્યાં સુધી આવેગશીલ રહે છે.
ભારતમાં બધાને પસંદ છે આ 5 નોકરી! પદ, પૈસા, પાવર અને પ્રતિષ્ઠા એવી કે સૌ કરે સલામ
મની સિકનેસ સિન્ડ્રોમ ના કારણો
- ભૌતિકવાદી સ્વભાવ
- સામાજિક સરખામણી
- અછત નો ડર
- સમાજ તરફથી દબાણ
- નાનપણમાં પૈસાના અભાવને લીધે થયેલ ઉપેક્ષા
- ઘરની જવાબદારી
- સ્ટેટ્સ સિમ્બોલ
- બાળકોની દરેક જરૂરિયાત પૂર્ણ કરવાની ઈચ્છા
મની સિકનેસ સિન્ડ્રોમના કારણો વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે છે. તેમજ સિન્ડ્રોમ દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ રીતે પ્રગટ થઈ છે.
મની સિકનેસ સિન્ડ્રોમ નિવારવાના ઉપાયો
- આવક મુજબ ખર્ચ: મની સિકનેસ સિન્ડ્રોમ ધરાવતી વ્યક્તિ નાણાકીય વ્યવસ્થાને અસરકારક કરવા અને વધુ પડતો ખર્ચ ટાળવા માટે બજેટ બનાવુ.
- માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો: તણાવ અને ચિંતામાં ઘટાડો કરવા માટે ધ્યાન અને કસરત જેવી પ્રવૃત્તિ કરવી.
- વ્યવસાયિક મદદ લેવી: આર્થિક સલાહકારો વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ નાણાકીય યોજના બનાવવા મદદ કરી શકે.
- ઇર્ષાને કારણે થતા કે આવેગમાં થતા ખર્ચ ટાળવા: કોઈપણ ખરીદી કરતા પહેલા વિચારવું કે તે ખરેખર જરૂર છે કે?? નાણાકીય ખર્ચમાં કાબુ મુકો.કોઈની ઈર્ષા કરીને તેવી જ વસ્તુઓ લેવાનો આગ્રહ ટાળો
- જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચે તફાવત કરવાનું શીખવુ:
- નકામા ખર્ચા કરતા પહેલા પોતાના જીવનની જરૂરિયાત વસ્તુઓ આવશ્યક છે કે નહીં તેનું ધ્યાન રાખી પછી ખરીદી કરવી. પોતાની ઈચ્છાઓ કરતા જરૂરિયાતને પ્રાધાન્ય આપવું.
- કાઉન્સેલિંગ: વધુ પડતી પૈસાની ચિંતા અનુભવાતી હોય અને અવાસ્તવિક્તાની નજીક હો ત્યારે સારા સલાહકારની મદદ લેવી.
- માન્યું કે પૈસા દરેક જગ્યાએ જરૂરી છે. પૈસાથી જીવન ચાલે છે પણ પૈસા જ જીવન નથી એ પણ સ્વીકારો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે