રાજકોટમાં "વ્યાજકવાદ" ની દર્દનાક કહાની કહેવા બે માસૂમ પિતાના ફોટા સાથે આવ્યા, ઘટના જાણી આંસુ આવી જશે!
ગુજરાત સરકારનાં ગૃહ વિભાગે 100 દિવસ વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવવા આદેશ કર્યા છે. આજે વ્યાજખોરોનાં ત્રાસથી પિડાતા લોકોને બચાવવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બે માસુમ બાળકો દિવંગત પિતાની તસવીર સાથે આવ્યા હતા.
Trending Photos
ગૌરવ દવે/ રાજકોટ: શહેરમાં બેફામ બનેલા વ્યાજખોરો સામે પોલીસે લાલઆંખ કરી છે. લોકોએ વ્યાજનાં ખપ્પરમાં પોતાની જીંદગી હોમી દીધી છે. માસુમ બાળકો સાથેના અનેક પરિવારોનાં માળા પિંખાઇ ગયા છે. પઠાણી ઉઘરાણી સાથે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકોએ આપઘાત કરવા મજબુર થવું પડ્યું છે અને પોલીસની પણ વરવી ભૂમિકા હોવાના આક્ષેપ થયા છે.
ગુજરાત સરકારનાં ગૃહ વિભાગે 100 દિવસ વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવવા આદેશ કર્યા છે. આજે વ્યાજખોરોનાં ત્રાસ થી પિડાતા લોકોને બચાવવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બે માસુમ બાળકો દિવંગત પિતાની તસવીર સાથે આવ્યા હતા. તેમની વ્યથા વ્યક્ત કરી હતી. તો બીજી તરફ વ્યાજખોરો વ્યાજે રૂપીયા આપતા પહેલા જમીન-મકાનનાં સાટ્ટાખત અને કોરા ચેક લખાવી લીધા હોવાનું અને ચેક બાઉન્સ કર્યા હોવાનાં કેસ ચાલતા હોવાની ફરીયાદો આવી હતી.
રાજકોટ શહેરના ટાગોર રોડ પર હેમુગઢવી હોલ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકદરબારમા વ્યાજખોરોનાં ત્રાસથી પીડાતા 20 કરતા વધું લોકો પોતાની અરજી અને ફરિયાદ સાથે તેમના નાના નાના બાળકો સાથે આવી પહોંચ્યા હતા. તો કેટલાક સિનિયર સિટીઝનો પણ વ્યાજખોરોથી બચવા માટે ન્યાયની માંગ સાથે પોલીસ પાસે પહોંચ્યા હતા.
પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવે કહ્યું હતું કે, લોકોને તાત્કાલિક રૂપીયાની જરૂર હોય ત્યારે આવા વ્યાજખોરો પાસેથી રૂપીયા લેતા હોય છે. કારણ કે, બેંકમાંથી લોન મેળવવા માટેની પ્રક્રિયા લાંબી રહેતી હોય છે. જ્યારે સરકારી એજન્સીઓ પાસે જતા પણ લોકો હચકાતા હોય છે. જ્યારે આ પ્રવૃતિ સંપૂર્ણ નાબુદ થાય તેવી શક્યતા નથી પરંતુ બને એટલી ઓછું કરવાનાં પ્રયત્ન કરી રહ્યા છીંએ. અમે છેલ્લા 5 દિવસમાં 25 ફરિયાદ નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. એટલું જ નહિ ગત વર્ષે 6 વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ પણ આગામી દિવસોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે આગામી દિવસોમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ લોકદરબારનું આયોજન કરવામાં આવશે.
ઝી 24 કલાકે પણ વ્યાજખોરો સામે ઝૂંબેશ શરૂ કરી છે. વ્યાજખોરોનાં ચુંગાલમાં ફસાયેલા લોકો પોલીસમાં ફરીયાદ કરે અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થાય તેવો ઉદ્દેશ છે. વ્યાજખોરોનાં "મિટર"(વ્યાજ)માં ફસાઇને અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. લોક દરબારમાં આવેલા કેટલાક કિસ્સાઓની વાત કરીએ તો...
કિસ્સો 1
જસદણનાં વિરનગર ગામે રહેતા અલ્પેશ રાદડિયાએ પત્ની હેતલની ડિલેવરી સમયે રાજકોટનાં વ્યાજખોર પાસે થી 1 લાખ રૂપીયા 10 ટકા વ્યાજે લીધા હતા. રામપાર્કમાં રહેતા જગદિશ રાયધનભાઇ ડવ નામનાં વ્યાજખોરે 1 લાખ રૂપીયામાંથી 20 હજાર વ્યાજ કાપીને 80 હજાર રૂપીયા આપ્યા હતા અને 2500 રૂપીયા નોટરી લખાણનાં લીધા હતા. ત્રણ વર્ષમાં 50 હજાર વ્યાજ વસુલ કર્યું છે. રૂપીયા ન હોવાથી વ્યાજનું મિટર ન ભરી શકતા વ્યાજખોરે કોરા ચેક બેંકમાં નાખીને બાઉન્સ કર્યા હતા અને કોર્ટમાં કેસ કર્યો હતો. પોલીસ ન્યાય અપાવે તેવી માંગ કરી રહ્યા છે.
કિસ્સો - 2
રાજકોટનાં દોલતપરા વિસ્તારમાં રહેતા મનિષાબેન નામનાં 70 વર્ષિય વૃદ્ઘા તેનાં પતિને લઇને લોક દરબારમાં આવ્યા હતા. 2016માં તેના પતિએ 10 લાખ રૂપીયા પિન્ટુ કવા રાઠોડ નામનાં વ્યાજખોર પાસેથી લીઘા હતા. 10 લાખનું ત્રણ ગણું વ્યાજ ચુકવી દીધું છતાં ઘોકા બતાવીને માર મારવાની ધમકીઓ આપવામાં આવતી હોવાની પોલીસ સમક્ષ ફરીયાદ કરી હતી. મકાન બેંકમાં લોન પર ગીરવે મુકીને 27 લાખ રૂપીયા ચુકવ્યા છે
રાજકોટના આજીડેમ ચોક નજીક માન સરોવર પાર્ક પાસે રામેશ્વર પાર્ક-2 માં રહેતાં ફ્રુટના ધંધાર્થી મનોજભાઇ જેન્તીલાલ વૈઠાએ 7 મહિના પહેલા ઝેર પી આપઘાત કરી લીધો હતો. આપઘાતનાં બનાવમાં તેને મરી જવા મજબૂર કરનારા અને વ્યાજખોરી આચરનારા 4 શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો જો કે આ વ્યાજખોરો જામીન પર છૂટ્યા બાદ મૃતકની પત્ની કાજલબેન અને પરિવારજનો પાસે રૂપિયા માંગણી કરતા હોવાથી આજે મૃતકની પત્ની તેના બે માસુમ બાળકો સાથે તેના પતિના ફોટા સાથે લોકદરબારમાં આવી ન્યાયની માંગ કરી હતી
રાજકોટનાં હરિધવા રોડ પર રહેતા અને નોકરી કરતા વૃપ્ર યુવક દિપકભાઇ વિનોદભાઇ ભટ્ટ અને તેના પત્ની શિતલબેન ભટ્ટ પોલીસનાં લોક દરબારમાં કોઠારીયા રોડ પર રહેતા વ્યાજખોર નયન દામજી વોરા સામે વ્યાજખોરીની ફરીયાદ કરી હતી. પતિ અને પત્ની બન્ને વ્યાજખોરનાં ચુંગાલમાં ફસાયા છે. 20 લાખ રૂપીયા વ્યાજે લીધા હતા. તે સમયે ફરીયાદી દિપકે મિલ્કતનો સાટાખત લખી દીધો હતો. પછી સમય જતા વ્યાજનું ચક્રવૃદ્ધી વ્યાજ લાગતા વ્યાજખોર નયન વોરાને 14 લાખ જેટલી રકમ ચુકવી દીધી હતી.
જોકે વ્યાજનાં ચક્કરમાં આવી જતા દંપતિ પોલીસને શરણે પહોંચ્યું હતું. જેની જાણ થતા જ વ્યાજખોર નયન હાથ પગ તોડી નાખવાની ધમકીઓ અને વકિલ મારફતે ફોન કરી રૂપીયા લઇને જ સમાધાન થશે તેવી ધમકીઓ આપવા લાગ્યો હતો. ફરી એક વખત પોલીસે લોક દરબાર કરતા ન્યાયની માંગ કરી છે.
હાલ તો રાજ્ય સરકારે વ્યાજખોરોમાંથી લોકોને મુક્તી અપાવવા ઝુંબેશ શરૂ કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, પોલીસ વ્યાજ ખોરો સામે ધરપકડ કરી પગલા લે છે પરંતુ કોર્ટમાંથી જામીન પર મુક્ત થતાની સાથે જ ફરી એક વખત વ્યાજખોર પરિવારને હેરાન પરેશાન કરવાનું શરૂ કરે છે. આવા પરિવારો પોલીસ પાસે જાય છે ત્યારે એક વખત તેની સામે કાર્યવાહી થઇ ગઇ હવે કાંઇ ન થાય તેવા જવાબ મળે છે. એટલું જ નહિં ચેક બાઉન્સ કરવાની મોડેશ ઓપરેન્ડીને કારણે પોલીસનાં હાથ પણ બંધાય જાય છે જ્યારે ફરીયાદીએ કોર્ટનાં ધક્કા ખાઇ લાંબું થવું પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે