નવતર પ્રયોગ! 212 સરકારી શાળાઓમાં શરૂ થયો 'સક્ષમ યુવિકા પ્રોજેક્ટ', જાણો A To Z માહિતી

નવસારીની 212 સરકારી પ્રાથમિક શાળાઓમાં શરૂ થયો સક્ષમ યુવિકા પ્રોજેક્ટ, શરૂઆતના તબક્કામાં જ કિશોરીઓમાં લોહીની ઉણપ સાથે કુપોષણ જોવા મળ્યુ

નવતર પ્રયોગ! 212 સરકારી શાળાઓમાં શરૂ થયો 'સક્ષમ યુવિકા પ્રોજેક્ટ', જાણો A To Z માહિતી

ધવલ પરીખ/નવસારી: નવસારી આદિવાસી જિલ્લો છે અને અહીના આદિવાસીઓમાં આરોગ્યને લગતી ઘણી સમસ્યાઓ સામે આવતી હોય છે. ત્યારે નવસારી જિલ્લા પંચાયત દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 ની કિશોરાવસ્થામાં પહોંચેલી વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસને ધ્યાને લઇ શરૂ કરેલા સક્ષમ યુવિકા પ્રોજેક્ટના પ્રારંભે જિલ્લાની 212 શાળાની 3610 વિદ્યાર્થીનીઓની થયેલી આરોગ્ય ચકાસણીમાં 69 ટકા વિદ્યાર્થીનીઓમાં હિમોગ્લોબીનની ઉણપ તેમજ 64 ટકા કિશોરીઓ કૂપોષણ નજીક હોવાનું તારણ સામે આવ્યું છે. જેથી આ વિદ્યાર્થીનીઓને શારીરિક રીતે સબળ બનાવવાના પ્રયાસો પણ શરૂ થયા છે. 

નવસારી જિલ્લા પંચાયત દ્વારા અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા સ્નેહા પ્રોજેક્ટમાંથી પ્રેરણા લઇ, જિલ્લા પંચાયત સંચાલિત જિલ્લાની 212 સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 ની 4151 વિદ્યાર્થીનીઓ માટે તેમના શારીરિક માનસિક અને બૌધિક વિકાસને ધ્યાને લઇ 12 પ્રકારના વિષયોને આવરી લઇ, સક્ષમ યુવિકા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં કિશોરાવસ્થામાં પહોંચેલી વિદ્યાર્થીનીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ જેતે વિષયના નિષ્ણાત દ્વારા પુરતી સમજ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ 60 સેશન્સમાં 6 મહિના સુધી ચાલશે.

જેમાં વિદ્યાર્થીનીઓના આરોગ્યની કાળજી સાથે તેમને સ્વચ્છતા, આરોગ્ય, કિશોરાવસ્થાના મૂંઝવતા પ્રશ્નો, કરાટે, યોગ, ખેતીવાડી, બાળ લગ્ન સાથે જ અન્ય કાયદાકીય માહિતી જેવા વિષયો સમજાવવામાં આવશે. ત્યારે પ્રોજેક્ટને લઈને વિદ્યાર્થીનીઓ પણ ઉત્સાહી છે. કારણ તેમને કંઇક નવું જાણવા મળશે સાથે જ તેમના માનસિક અને બૌદ્ધિક વિકાસ થવાથી શાળા અને સમાજમાં ઘણો ફાયદો મળશે. સાથે જ આંગણવાડી હસ્તક આ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ દરમિયાન પોષ્ટિક આહાર પણ આપવામાં આવી રહ્યો છે. .

ગત 12 જુલાઈ, 2023 થી શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં પ્રથમ તમામ કિશોરીઓનાં આરોગ્યને ધ્યાને રાખી હિમોગ્લોબીન તેમજ BMI ઇન્ડેક્ષ ચકાસવામાં આવ્યો હતો, જેના ચોંકાવનારા ડેટા સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 4151 વિદ્યાર્થીનીઓમાંથી 3610 વિદ્યાર્થીનીઓની તપાસ થઇ છે. જેમાં 69.22 ટકા વિદ્યાર્થીનીઓમાં લોહીની ઉણપ, એટલે કે હિમોગ્લોબીન ઓછું જણાયુ હતું. જયારે 2.27 ટકા વિદ્યાર્થીનીઓમાં એકદમ જ ઓછું HB જોવા મળ્યું હતું. 

બીજી તરફ વિદ્યાર્થીનીઓની ઉંચાઈ, વજન આધારિત BMI ઇન્ડેક્ષમાં પણ 64 ટકા વિદ્યાર્થીનીઓ કુપોષણની નજીક જણાઈ છે. જેને ધ્યાને લઈને જિલ્લા પંચાયતના નોડલ ઓફિસર સહિત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિદ્યાર્થીનીઓમાં સામે આવેલા કુપોષણને ધ્યાને લઇ, તેમને કેવી રીતે આરોગ્યની દ્રષ્ટિએ સક્ષમ બનાવી શકાય એના ઉપર મંથન શરૂ કર્યું છે. જયારે સામે શાળાના શિક્ષકો દ્વારા આ નવતર પ્રયોગની સરાહના કરવામાં આવી રહી છે.

જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આવતી મોટાભાગની વિદ્યાર્થીનીઓ આદિવાસી અને શ્રમિક પરિવારમાંથી આવતી હોય છે, ત્યારે 6 મહિનાના પ્રોજેક્ટમાં કિશોરાવસ્થાના પ્રારંભે વિદ્યાર્થીનીઓનું આરોગ્ય સુધરવા સાથે જ તેઓ પોતાના આરોગ્યની કાળજી પોતે લેતી થશે. એટલી સમજ કેળવાશે. સાથે જ સર્વાંગી વિકાસથી એમનું જીવન પણ ઉજળું થશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news