શાપર વેરાવળમાં દલિત યુવકની હત્યા મામલે પાંચ આરોપીઓની ધરપકડ

શાપર વેરાવળમાં ઢોર માર મરાતા યુવકનું મોત થયું હતું. આ સમગ્ર મામલે આખરે પાંચ આરોપીની ધરપકડ કરાઈ છે. તંત્ર અને મૃતકના પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. 

 

શાપર વેરાવળમાં દલિત યુવકની હત્યા મામલે પાંચ આરોપીઓની ધરપકડ

રાજકોટઃ શાપર વેરાવળમાં ઈન્ડ્રસ્ટીઝ વિસ્તારમાં બનેલી શર્મનાક ઘટનામાં આખરે પરિવારને ન્યાય મળ્યો છે. દલિત યુવકને ઈન્ડ્રસ્ટીઝમાં બાંધીને ઢોર માર મારતા યુવકનું મોત નિપજ્યું હતું. ઘટના બાદ પરિવારે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જો કે આ મામલે પોલીસે તાત્કાલિક તપાસ કરીને પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ પાંચેય આરોપીઓમાં ચિરાગ વોરા, દિવ્યેશ વોરા, જયસુખ રાદડીયા અને તેજસ ઝાલા નામના આરોપીનો સમાવેશ થાય છે. તો એક આરોપી સગીર છે.

બીજી તરફ તંત્ર અને મૃતકના પરિવાર વચ્ચે સમાધાન થઈ ગયું છે. જિલ્લા કલેક્ટરે પરિવારની પાંચેય માગણી સ્વીકારી લેતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. મૃતકના પરિવારને 5 એકર જમીન, રહેવા માટે મકાન, મૃતકના બાળકોને શિક્ષણ, માસિક મેડિકલ ચેકઅપ અને આરોપીની જાહેરમાં સરભરા કરવાની માગણીઓ જિલ્લા કલેક્ટરે સ્વીકારી લીધી છે. તો દોષિતોને કડક સજા થાય તેવી અલ્પેશ ઠાકોરે માગ કરી છે. જ્યારે આ મામલે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ કહ્યું કે જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

મૃતકના પરિવારની પાંચેય માગણીઓ સ્વીકારી લેવાતા આખરે મૃતકના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. લીંબડીના પરનાળામાં મૃતકના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. હાલ આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી રહી છે.. પોલીસ દ્વારા સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news