વડોદરામાં અકસ્માતની વિચિત્ર ઘટના; મહિલાઓને ઘટના સ્થળે નજર સામે સાક્ષાત યમરાજ દેખાયા!

ભાયલી વિસ્તારમાં લલિતા પાર્ટી પ્લોટ પાસે આવેલા સિદ્ધિવિનાયક સોપાન કોમ્પલેક્ષના ચાર રસ્તા પાસે એક કાર તેમજ છોટા હાથી ટેમ્પો ધડાકા ભેર અથડાયા હતા. જેમાં કારમાં સવાર મહિલાને માથા તેમજ મોઢાના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

વડોદરામાં અકસ્માતની વિચિત્ર ઘટના; મહિલાઓને ઘટના સ્થળે નજર સામે સાક્ષાત યમરાજ દેખાયા!

હાર્દિક દીક્ષિત/વડોદરા: શહેરના ભાયલી વિસ્તારમાં અકસ્માતની એક વિચિત્ર ઘટના બની છે. આ અકસ્માત એવો હતો કે સ્થળ પર હાજર મહિલાઓને નજર સામે સાક્ષાત યમરાજ દેખાઈ ગયા હતા.

આમ તો વડોદરા શહેરમાં રોજબરોજ અકસ્માતની અનેક ઘટના સામે આવતી હોય છે. તેવામાં શહેરના ભાયલી વિસ્તારમાં આજ રોજ અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી હતી. ભાયલી વિસ્તારમાં લલિતા પાર્ટી પ્લોટ પાસે આવેલા સિદ્ધિવિનાયક સોપાન કોમ્પલેક્ષના ચાર રસ્તા પાસે એક કાર તેમજ છોટા હાથી ટેમ્પો ધડાકા ભેર અથડાયા હતા. જેમાં કારમાં સવાર મહિલાને માથા તેમજ મોઢાના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

સમગ્ર મામલે વાત કરવામાં આવે તો શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા લલિતા પાર્ટી પ્લોટ પાસે સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટ આવેલા છે. આ ફ્લેટ નજીક આવેલા ચાર રસ્તા પર ઉનાળાનું વેકેશન હોવાથી મોટી સંખ્યામાં બાળકો ક્રિકેટ સહિતની રમત રમતા હોય છે. આજે પણ અહીંયા મોટી સંખ્યામાં બાળકો રમી રહ્યા હતા. તેમજ ફ્લેટ બહાર દુકાનો પાસે કેટલીક મહિલાઓ ઊભી હતી. તે દરમિયાન લલિતા પાર્ટી પ્લોટ તરફથી એક છોટા હાથી ટેમ્પો અહીથી પસાર થઈ રહ્યો હતો. 

છોટા હાથી ટેમ્પો ફ્લોરેન્સ તેમજ સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટ નજીકના ચાર રસ્તા પાસે પહોંચતાં પ્રગતિ વિદ્યાલય તરફથી એક કાર પુરફાટ ઝડપે ધસી આવી હતી. પૂરફાટ ઝડપે આવેલી કાર છોટા હાથી ટેમ્પો સાથે ધડાકાભેર અથડાઈ છે. આ અકસ્માત બાદ ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બેકાબૂ બનેલો ટેમ્પો સિદ્ધિ વિનાયક સોપાન ફ્લેટના પાર્કિંગ સુધી ધસી જાય છે ત્યારે અહી ઉભેલી મહિલાઓનો આબાદ બચાવ થાય છે. આટલેથી ન અટકતા બેકાબૂ બનેલો ટેમ્પો નજીકમાં આવેલા ઝાડ સાથે ટકરાય છે. ભાયલી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં ઓવર સ્પીડ જતા કાર ચાલકના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતાઓ હતી. પરંતુ છોટા હાથી ટેમ્પો ચાલકની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. 

ઉલ્લેખનીય છે કે, અહી સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર મહિલાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તો વળી કારને પણ નુકશાન થયું હતું, ત્યારે અન્યની ચિંતા કર્યા વિના પુરફાટ ઝડપે વાહન ચલાવતા વાહનચાલકોએ આ ઘટના પરથી સબક લેવાની જરૂર છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લલિતા પાર્ટી પ્લોટથી ભાયલી ગેટ તરફ જવાના માર્ગ તરફના આ ચાર રસ્તા પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે.

પાલિકા દ્વારા અહી સ્પીડ બ્રેકરની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. જો અહીંયાના રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવામાં  આવે તો આવનાર સમયમાં અકસ્માતોનું જોખમ ટાળી શકાય. ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા અહી વહેલી તકે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news