NRI નું હબ ગણાતા આણંદમાં કન્સલટન્સીએ યુવકને લાખોનો ચૂનો લગાડ્યો, ને નકલી વિઝા આપ્યા

Visa Fraud : વિદેશ જવાના ક્રેઝમાં વધુ એક આંખ ઉગાડનાર કિસ્સો સામે આવ્યો... NRI ના હબ ગણાતા આણંદમાં એક કન્સલટન્સીએ વિઝાના નામે યુવકને લાખોનો ચૂનો લગાડ્યો 

NRI નું હબ ગણાતા આણંદમાં કન્સલટન્સીએ યુવકને લાખોનો ચૂનો લગાડ્યો, ને નકલી વિઝા આપ્યા

Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદનાં યુવકે વિઝા કન્સલટન્સી ઓફિસ ખોલી સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને નકલી સ્ટુડન્ટ વિઝા આપી સાડા આઠ લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

યુકેના સ્ટુન્ડન્ટ વિઝાના નામે વીરસદના યુવાન સાથે ૮.૫૦ લાખની છેતરપીંડી કરાઈ હતી. આ સાથે જ વાસદ અને નાવલીના અન્ય ત્રણ પરદેશ વાંચ્છુઓને પણ ચુનો લગાવ્યો હોવાનું ખુલ્યું છે. નેક્સ્ટ ડેસ્ટીનેશનના સકલેન ઉર્ફે અમન દિવાને યુકેના ખોટા ઓફર લેટરો બનાવી આપી પાસપોર્ટ ઉપર યુકેના ખોટા સ્ટુડન્ટ વિઝાનું સ્ટીકર લગાડીને  ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે.

આણંદના વીરસદનો કૃપલ નામનો યુવક વધુ અભ્યાસ અર્થે યુકે જવા માંગતો હતો. જેને લઈ તેણે આણંદના નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીનો સંપર્ક કરી પોતાના સ્ટુડન્ટ વિઝાનું કામ આપ્યું હતું. જે પેટે રૂપિયા 10 લાખ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં યુવકને એડમિશન અને વિઝા લાગેલ પાસપોર્ટ તો મળ્યો પણ એ સ્ટેમ્પ બોગસ હોવાની શંકા યુવકને ગઈ હતી. તેથી યુવકે તપાસ કરતાં પોતાના મળેલા વિઝા ખોટા હોવાનું સામે આવ્યુ હતું. યુવકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી છે. સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોધાયો અને આણંદ SOG પોલીસે આરોપી સકલૈન ઉર્ફે અમન દિવાનની અટકાયત કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે.

આણંદ એસઓજી પોલીસે  સકલેન ઉર્ફે અમનની વિધિવત ધરપકડ કરીને આણંદની કોર્ટમાં રજુ કરીને વધુ તપાસ અર્થે બે દિવસના રીમાન્ડ પર મેળવ્યો હતો. રિમાન્ડ દરમ્યાન તે આ યુકેના બોગસ ઓફર લેટર અને પાસપોર્ટ લગાવેલા વિઝાના બનાવટી સ્ટીકરો કડીના જયેશ પટેલ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે જયેશ પટેલને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. સકલેન ઉર્ફે અમને છેલ્લા અઢી ત્રણ વર્ષથી નેક્સ્ટ ડેસ્ટિનેશનના નામે વિઝાની ઓફિસ ખોલીને બનાવટી વિઝાનું કામકાજ કરતો હતો. અત્યાર સુધીમાં આ બનાવટી વિઝા સ્ટીકરોના આધારે કોઈ વિદેશ તો નથી જતું રહ્યું ને તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે આ બનાવ મા હજી પણ ઘણા મોટા ઘટસ્ફોટ  થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news