"તું મને ભિખારી સમજે છે? હું ધારાસભ્યનો છોકરો છું...", રૂપિયાના બંડલો દેખાડી યુવકે બસમાં રોફ ઝાડ્યો!

સુરતમાં બીઆરટીએસ બસમાં કંડક્ટર અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભો રહીને બોલાવતો હતો, એ દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો. બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો.

"તું મને ભિખારી સમજે છે? હું ધારાસભ્યનો છોકરો છું...", રૂપિયાના બંડલો દેખાડી યુવકે બસમાં રોફ ઝાડ્યો!

ઝી બ્યુરો/સુરત: સામાન્ય રીતે સિટી બસ અને બીઆરટીએસમાં ડ્રાઈવર-કંડક્ટરો અને લોકોની માથાકૂટ સામાન્ય બની ગઈ છે. ત્યારે ફરી એકવાર સુરતમાં સિટી બસનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સિટી બસના કંડક્ટર સાથે એક મુસાફરે કોલર પકડીને ઉગ્ર બોલચાલી કરી દાદાગીરી કરી હતી. તેણે કંડક્ટરનો કોલર પકડી પોતે MLAનો પુત્ર હોવાનો દમ માર્યો હતો. એટલું જ નહીં, પોતાની એક બેગમાં રૂપિયાના બંડલ દેખાડી રૌફ જમાવ્યો હતો. આ ઘટનાનો કંડક્ટરે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. પરંતુ આ વાયરલ વીડિયોની ZEE 24 કલાક પુષ્ટિ કરતું નથી.

યુવકે કોલર પકડીને રોફ જમાવ્યો!
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતમાં બીઆરટીએસ બસમાં કંડક્ટર અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભો રહીને બોલાવતો હતો, એ દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો. બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો. ત્યારબાદ મામલો બિચકાયો હતો અને જોતજોતામાં યુવકે પોતે ધારાસભ્યનો પુત્ર હોવાની ઓળખ આપીને કંડક્ટર સાથે દાદાગીરી કરી હતી. યુવકે કંટક્ટરનો કોલર પકડી લીધો હતો.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 27, 2024

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
યુવક આટલેથી અટકાયો નહોતો. જ્યારે કંડક્ટર અને યુવક વચ્ચે મામલો ઉગ્ર બન્યો ત્યારે યુવાને પોતાની બેગમાંથી 500 રૂપિયાની નોટનાં બંડલો બતાવી રૌફ જમાવ્યો હતો. અને કહ્યું હતું કે તું મને શું ભિખારી સમજે છે. આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

નોંધનીય છે કે આ ઘટનામાં રૂટ નંબર 148 સિટી બસમાં કંડક્ટરની યુવક સાથે માથાકૂટ થઈ હતી. યુવાને કંડક્ટરનો કોલર પકડી લેતાં 100 નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ યુવક સુમૂલ ડેરી પાસે જ ઊતરીને જતો રહ્યો હતો. પરંતુ યુવક કોણ છે એ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, જેણે પોતાને ધારાસભ્યના પુત્ર તરીકે ઓળખ આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news