સુરતના દર્દીઓને હવે અમદાવાદ-મુંબઈ દોડવું નહિ પડે, સિવિલ હોસ્પિટલમાં શરૂ થશે આ સુવિધા

Surat Civil Hospital : સુરત સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ પાસેથી 6 સુપર સ્પેશ્યાલિટી વિભાગોની માંગણી કરવામાં આવી હતી, ત્યારે જલ્દી જ નવી સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ સુરતમાં શરૂ થશે 

સુરતના દર્દીઓને હવે અમદાવાદ-મુંબઈ દોડવું નહિ પડે, સિવિલ હોસ્પિટલમાં શરૂ થશે આ સુવિધા

Surat News પ્રશાંત ઢીવરે/ સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગમાં કેથલેબ સાથે કિડની, યુરોલોજી અને ન્યુરોલોજીની સુપર સ્પેશ્યાલિટી સુવિધાઓ શરૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી બાદ કિડની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કેથલેબ શરૂ થશે. ત્યારબાદ ધીરે- ધીરે ચાર માળ પર કાર્ડિયાક સેન્ટર શરૂ કરવામાં આવશે, જેમાં હૃદય સંબંધિત તમામ રોગોની સારવાર અને સર્જરી કરવામાં આવશે. આનાથી હૃદયરોગના દર્દીઓએ અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડશે નહીં અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા પડશે નહીં. કેથલેબ સુવિધા શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ગંભીર રોગોની સારવાર એક જગ્યાએ મળશે 
બે કાર્ડિયોલોજિસ્ટ અને બે ટેક્નિશ્યનની કાયમી નિમણૂક માટેની દરખાસ્ત ગાંધીનગર મોકલી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગે આ માટે અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ સાથે જોડાણ કર્યું છે. એટલું જ નહીં, કિડનીની સારવાર માટે સુપર સ્પેશ્યાલિટી સુવિધા શરૂ કરવા માટે અમદાવાદની IKDRC હોસ્પિટલ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ન્યુરો, યુરો અને ગેસ્ટ્રો જેવી સુપર સ્પેશ્યાલિટી સુવિધાઓ પણ શરૂ થઈ શકે છે. જો આ સુવિધાઓ શરૂ થશે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર દર્દીઓને ગંભીર રોગોની સારવાર એક જ જગ્યાએ મળી શકશે. હાલમાં આ સુવિધાઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે.

સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ હશે 
આ વિશે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું કે, 12 માળની કિડની બિલ્ડિંગમાં નીચેના ચાર માળે હાર્ટ વિંગ હશે. ત્યારબાદ ચાર માળે કિડની અને છેલ્લા ચાર માળે ન્યુરોલોજી અને ગેસ્ટ્રોલોજીની સુપર સ્પેશ્યાલિટી સુવિધાઓ હશે. આનાથી કિડની, હૃદય અને મગજના ગંભીર રોગોની સારવાર મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની ભાગીદારી સાથેનો આ સમગ્ર પ્રોજેક્ટ આશરે રૂપિયા 300 કરોડનો છે, જેમાંથી રૂપિયા 120 કરોડ કેન્દ્ર સરકાર અને રૂપિયા 180 કરોડ રાજ્ય સરકાર ચૂકવશે.

6 સુપર સ્પેશ્યાલિટી વિભાગોની માંગણી કરી 
ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા રાજ્ય સરકારના બજેટમાં ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવાની વાત કરવામાં આવી હતી. આ કાર્ડિયાક સેન્ટર સુરતની સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયાક સેન્ટર બનાવવાની વાત ઘણા વર્ષોથી ચાલી રહી હતી. હાલમાં અમદાવાદની યુએન મહેતા સંસ્થા દ્વારા નવનિર્મિત કાર્ડિયાક સેન્ટરનું સંચાલન કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય, કીડની, લીવર અને મગજ જેવા અંગોના ગંભીર રોગોની સારવાર અને સર્જરી માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ હોસ્પિટલના પરિસરમાં જ છે. સુરત સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ પાસેથી 6 સુપર સ્પેશ્યાલિટી વિભાગોની માંગણી કરવામાં આવી હતી.

મહત્વની વાત છે કે સુરત નવી હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યના લોકો સારવાર અર્થે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર ન હોવાથી કેટલાક સમયથી આ સુવિધા શરૂ કરવાની માંગ કરવામાં આવતી હતી. આખરે આ સુવિધા શરૂ કરવા પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેથી હવે દર્દીઓને અમદાવાદ અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડશે નહીં અને ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયા ખર્ચવા પડશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news