બે હાથ હવામાં લહેરાવીને સુરતના રસ્તાઓ પર બાઈક સ્ટંટ કરવું યુવતીને ભારે પડ્યું

બે હાથ હવામાં લહેરાવીને સુરતના રસ્તાઓ પર બાઈક સ્ટંટ કરવું યુવતીને ભારે પડ્યું
  • સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે
  • દરેક આઈડી પર સંજનાના બાઈક સ્ટંટના ઢગલાબંધ ફોટો અને વીડિયો અપલોડ કરાયેલા છે 

ચેતન પટેલ/સુરત :સુરતમાં બાઈકર્સ બેખૌફ બન્યા છે. તાજેતરમાં જ એક યુવકનો બ્રિજ પર રોન્ગ સાઈડમાં સ્ટંટ (bike stunt) કરતો વીડિયો (video) સામે આવ્યો હતો. જેના બાદ હવે એક યુવતીની બાઈક સ્ટંટની ખબરે સૌ કોઈને ચોંકાવી દીધા છે. સ્ટાઈલિશ કપડા પહેરીને બાઈક સ્ટંટ કરતી યુવતી પોલીસની નજરે પડી છે. આખરે આ યુવતીને પોલીસ સ્ટેશનમાં જવાનો વારો આવ્યો હતો.

સુરત પોલીસે જોખમી સ્ટંટ કરવા બદલ ધરપકડ કરી 
સુરતમાં બાઈક પર વગર માસ્કે છુટા હાથે બાઇક રાઇડીંગ કરતી યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (viral video) થયો હતો. જેના બાદ ઉમરા પોલીસ દોડતી થઈ હતી. બારડોલીની એક યુવતીને સુરતમાં આવીને બાઈકના સ્ટંટ કરવા ભારે પડ્યા છે. બારડોલીથી સુરત (surat) આવીને બાઈક સ્ટંટ કરતા વીડિયો ઉતરીને યુવતીને જેલમાં જવાનો વારો આવ્યો છે. પોલીસ કન્ટ્રોલ રૂમને આ વીડિયો મળ્યો હતો. ઉમરા પોલીસે જોખમી સ્ટંટ કરવા અને લોકોના જીવ જોખમ મૂકવા બાબતે યુવતી સામે ગુનો નોંધ્યો છે. ઉમરા પોલીસે યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. 

આ પણ વાંચો : મેયર ન બનાવાતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા વર્ષાબા, કહ્યું-જીતુ વાઘાણીના ઈશારે મારું નામ કપાયું 

સંજનાના ઈન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ યુવતીનું નામ સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદ છે. સંજના મૂળ બારડોલીની છે. તે બોરડાલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે. આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વિડીયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે. આ વીડિયો સુરત પોલીસના હાથે લાગતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. સંજના ઉર્ફે પ્રિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મૂકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે. 

જે બાઈક પર સંજના જોખમી સ્ટંટ કરે છે તે બીજા કોઈનું છે 
સુરત પોલીસે સંજના સામે જોખમી સ્ટંટ અને માસ્ક વગર ડ્રાઈવિંગ કરવા માટેનો ગુનો નોંધ્યો છે. જોકે, તેને જામીન મળી ગયા છે. જોકે, યુવતી પાસેથી કબજે કરાયેલું બાઈક યુવતીનું પોતાનું નથી. GJ 22 L 9378 નંબરનું આ બાઈક તેના મિત્ર મોહંમદ બિલાલ રૂસલ ધાંચીનું છે. જેણે સંજનાને ફોટોગ્રાફી અને રાઈડિંગ માટે બાઈક આપી હતી. મોહંમદની આ બાઈક પર સંજનાએ સુરતના ડુમ્મસ રોડ પર જોખમી સ્ટંટ કર્યા હતા. આ જ બાઈક પર સંજનાના અનેક ફોટો અને વીડિયો છે, જે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં છે. 

ટૂંકા કપડા પહેરીને પ્રિન્સીનું જોખમી બાઈક સ્ટંટ 
પ્રિન્સીએ ઈન્સ્ટાગ્રામ પર જે પણ ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે તેમાં તેની ભવ્ય લાઈફસ્ટાઈલ જોઈ શકાય છે. ટૂંકા અને મોર્ડન કપડામાં પ્રિન્સીના બાઈક સ્ટંટ કરતા ફોટો અને વીડિયો તેના શોખને બતાવે છે. તેના અનેક વીડિયોમાં તે છુટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news