સુરત કોર્ટે દાદી અને પૌત્રીનું કરાવ્યું મિલન, જેને નરાધમ પિતા બાળ આશ્રમમાં મૂકી આવ્યો હતો
Trending Photos
ચેતન પટેલ/સુરત :સુરતનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતમાં એક પિતાએ બીજા લગ્ન કરતા પોતાની દીકરીને બાળ આશ્રમમાં મૂકી દીધી હતી. ત્યારે કોર્ટે આજે દાદી-પૌત્રીનું મિલન કરાવતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ કોર્ટે પિતા અને બાળ આશ્રમને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. છલકાતી આંખે પીડિત માસુમ દીકરીને સાંભળી કોર્ટ રૂમમાં તમામની આંખો ભરાઈ ગઈ હતી. આવી ભાવુક ક્ષણે દાદીએ જજ સાહેબને ‘તમે જ અમારા ભગવાન છો..’ કહી આભાર વ્યક્ત કર્યો હતો.
શું બન્યું હતું 12 વર્ષ પહેલા
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દત્ત કુટીર સોસાયટીમાં કાપડે પરિવાર રહે છે. આ પરિવારના શાંતિલાલ કાપડે બીઆરટીએસ બસ સેવામાં ટિકિટ ચેકરનું કામ કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. જોકે શાંતિલાલ છેલ્લા ઘણા સમયથી દારૂ પીવાના રવાડે ચઢી ગયો હતો. 12 વર્ષ સુધી તેમની પત્ની રત્નાબેન તેમની સાથે રહેતી હતી. જેમાં તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતો. જો કે રોજેરોજ શાંતિલાલ દારૂ પીધા બાદ રોજેરોજ ઘરમાં ઝઘડો કરતો હતો. જેથી રત્નાબેને 4 વર્ષ અગાઉ જ શાંતિલાલને છૂટાછેડા આપ્યા હતા અને નાની દીકરીને પોતાની સાથે લઈ મહારાષ્ટ્ર જતી રહી હતી. બાદમાં શાંતિલાલ તેનો દીકરો, દીકરી અને વૃદ્ધ માતા સાથે રહેતો હતો.
બીજા લગ્ન માટે અવરોધ બનતી દીકરીને પિતા બાળ આશ્રમ મૂકી આવ્યો
આ દરમિયાન શાંતિલાલને બીજા લગ્ન કરવાનું મન થયું હતું. જો કે લગ્ન વચ્ચે દીકરી કાંટા સમાન હતી. જેથી શાંતિલાલે દીકરીના તમામ પુરાવા એકત્ર કરી લીધા હતા અને બાદમાં દીકરીને તેની નવી માતા સાથે મળવા લઈ જવાનું કહી રૂસ્તમપુરાના બાળા આશ્રમમાં લઇ ગયો હતો. જ્યાં દીકરીને નોંધારી છોડી ત્યાંથી ચાલ્યો આવ્યો હતો. રાત પડતા જ દાદીએ પૌત્રી દેખાતી ન હોવાનું પુત્રને કહ્યું હતું. શરૂઆતમાં દાદીએ પુત્રને દીકરી ક્યાં હોવાના અનેક સવાલો કર્યા હતાં જો કે પુત્રએ મોઢું સુદ્ધા ખોલ્યું ન હતું. આખરે શાંતિ લાલ એ દીકરીને બાળ આશ્રમમાં મૂકી આવ્યો હોવાનું કહ્યું હતું. અને દાદીએ કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે તેને બીજા લગ્ન કરવા હતા. આ સાંભળીને વૃદ્ધ માતાના પગ તળિયેથી જમીન ખસકી પડી હતી.
વૃદ્ધાની અરજી બાદ પણ બાળ આશ્રમે દીકરીને ન છોડી
બાદમાં વૃદ્ધ દાદી જીજાબાઈએ વારંવારની વિનંતી કરી હતી. એટલે કે, 18 દિવસ પછી દારૂડિયો પુત્ર માતાને દીકરી પાસે મળવા રૂસ્તમપુરાના બાળ આશ્રમમાં લઈ ગયો હતો. જ્યાં એક ઓરડીમાં રડતી માસુમ દીકરીના અવાજને સાંભળી દાદીએ દીકરીના નામની બૂમાબૂમ કરી દીધી હતી. દાદીનો અવાજ સાંભળીને દોડી આવેલી 12 વર્ષની માસૂમ દીકરીએ દાદીનો સાડીનો છેડો પકડી રડતા રડતા કહેવા લાગી કે, ‘મને અહીંયાંથી લઈ જાઉં મારે તમારી સાથે જ રહેવું છે.’ આ સાંભળ્યા બાદ પણ આશ્રમના વહીવટદારોનું હૃદય ન પીગળ્યું, અને માસૂમ દીકરીને હાથ પકડી ખેંચીને રૂમમા લઈ ગયા હતા.
દાદીએ પૌત્રીને મેળવવા કાયદાકીય લડત લડી
આશ્રમ સંચાલકોની દાદાગીરી અને અમાનવીય કૃત્ય જોઈ દાદીએ મનમાં નક્કી કર્યું હતું કે, તેઓ પોતાની પૌત્રીને પામીને જ રહેશે. બાદમાં દાદીએ તાત્કાલિક પાડોશી મહિલાની મદદ લઇ વકીલનો સંપર્ક કર્યો હતો. વકીલ દ્વારા સર્ચ વોરંટ કાઢવા અરજી કરી હતી. કોર્ટે પણ અરજીની ગંભીરતા લઈ સલાબતપુરા પોલીસને બાળ આશ્રમના સંચાલકોને બાળકી સાથે 27 મીએ સવારે 10 વાગે હાજર રહેવા ફરમાન કર્યું હતું. કોર્ટ રૂમમાં બાળકીની ગભરાટ જોઈ જજ સાહેબ પણ સમજી ગયા હતાં. દીકરીનો ઉદાસ ચહેરો જોઈ જજ સાહેબે પણ એને હસાવવા ઘણા પ્રયાસ કર્યા અને એમની પાસે બોલાવી દીકરીને તમામ હકીકત પૂછતાં રડતા રડતા પોતાની વ્યથા સંભળાવી હતી. આ સાંભળતા જ જજ સાહેબે બાળ આશ્રમના સંચાલકોને કડક શબ્દોમાં ઠપકાર્યા હતા. પિતાને તાત્કાલિક હવે કોર્ટ કંપાઉન્ડમાં દેખાય તો કડક સજા કરીશ એમ કહી કાઢી મુક્યાં હતા.
જજના ઓર્ડરથી કોર્ટ રૂમમાં તમામની આંખોમાંથી આસુ આવ્યા
જજ સાહેબે માસૂમ દીકરીને પૂછ્યું તારે કોની સાથે રહેવુ છે. તો રડતા રડતા જવાબ મળ્યો ‘દાદી સાથે..’ એ સાંભળી જજ સાહેબ અને આખો કોર્ટ રૂમમાં ભાવુકતાના દ્રશ્યો દેખાયા હતા. વકીલ, સગા સંબંધીઓ તમામની આંખ છલકાઈ ગઈ હતી. જજ સાહેબે તાત્કાલિક માસૂમ દીકરીનો કબ્જો દાદી જીજાબાઈને સોંપતા જ દાદી અને પુત્રીએ ‘સાહેબ તમે જ અમારા ભગવાન છો..’ એમ કહી આભાર વ્યક્ત કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે