સુરતની ગજેરા સ્કૂલની મનમાનીના પડઘા ગાંધીનગર સુધી પડ્યા, પોલીસ પણ દોડતી થઈ
Trending Photos
- છેલ્લા ત્રણ દિવસથી ગજેરા સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે નિયમ ભંગ ચલાવી નહીં લેવાય
- ગજેરા સ્કૂલ હાલમાં જ ભાજપમાં જોડાયેલા ધીરૂ ગજેરાના ભાઈ વસંત ગજેરાની છે
ચેતન પટેલ/સુરત :ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે. પરંત હજુ સુધી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે સુરતની ગજેરાના સ્કૂલ (gajera school) ના સંચાલકો સરકારના નિયમોને ઘોળીને પી ગયા છે. સરકારની પરમિશન વગર જ ગજેરા સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરીને તેમને શાળાએ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. ઝી 24 કલાકના અહેવાલના અસર બાદ પોલીસ તંત્ર પણ દોડતુ થયુ હતું. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ જણાવ્યું કે નિયમ ભંગ ચલાવી નહીં લેવાય. અત્રે ઉલ્લેખનિય છે કે ગજેરા સ્કૂલ હાલમાં જ ભાજપમાં જોડાયેલા ધીરૂ ગજેરાના ભાઈ વસંત ગજેરાની છે.
પરવાનગી વગર વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવાયા
ગુજરાત સરકારે ધોરણ 9 થી ઉપરના વર્ગો (offline class) શરૂ કરવા આદેશ આપ્યા છે. પરંતુ સુરતના કતારગામ વિસ્તારની ગજેરા સ્કૂલને કોઈ નિયમો લાગતા નથી તેવુ લાગે છે. સરકારથી ઉપરવટ જઈને સુરતની ગજેરા સ્કૂલે ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઝી 24 કલાકની ટીમે તપાસ કરતા અહી ધોરણ 6 થી 8 ના વર્ગો ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. આખરે કેમ વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા. તેમજ રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યુ કે, વિદ્યાર્થીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ વગર બેસાડવામાં આવ્યા હતા. આખો રૂમ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. ધોરણ 6 થી 8 ના વર્ગોમાં કોરોના ગાઈડલાઈનનું કોઈ પાલન કરવામાં આવ્યુ ન હતું. તો ધોરણ 8 ના એક શિક્ષક સાથે વાત કરતા કહ્યું કે, તમે પ્રિન્સીપાલ સાથે વાત કરો. હુ કંઈ ન કરીશું.
વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવા નોટિસ મળી
ઝી 24 કલાકના અહેવાલ બાદ મનપા આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલને નોટિસ આપવામાં આવી છે, કેમદ બે દિવસ સમગ્ર સ્કૂલ બંધ કરવાનો આદેશ કરાયો હતો. વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા મામલે સ્કૂલના સંચાલકે ખુલાસો આપતા કહ્યું હતું કે, અમે વાલીઓની સહમતિથી વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. અમે જે બાળકોને એજ્યુકેશનનુ શિડ્યુલ હતુ, તેમને જ બોલાવ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષાને નોટબુક ચેકિંગ માટે બોલાવ્યા હતા. અમે શિક્ષણ કચેરીએ પણ વાત કરી હતી.
પોલીસ પણ દોડતી થઈ
છેલ્લા ત્રણ દિવસથી ગજેરા સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવતા ZEE 24 કલાકે સવાલો ઉઠાવ્યા હતા. અહેવાલની અસર થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પીએસઆઈ સહિતના અધિકારીઓ દ્વારા સ્કૂલમાં તપાસ કરાઈ હતી. તો બીજી તરફ, સ્કૂલના ટ્રસ્ટીઓ પણ પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી. આ મામલે PSI એ નિવેદન આપતા કહ્યું કે, નિયમો તોડ્યા છે, તો કાયદાકીય કાર્યવાહી થશે.
આ પણ વાંચો : અમદાવાદમાં ટ્રિપલ અકસ્માત : કારે રીક્ષાને ટક્કર મારતા ગરીબ ચાલકનું મોત, બાદમાં બાઈકને પણ અડફેટે લીધી
ખોટા બહાના કાઢી સ્કૂલમાં ન બોલાવી શકાય - શિક્ષણાધિકારી
તો બીજી તરફ, આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી એચ આર રાજ્યગુરુએ કહ્યું કે, DEO ની ચાર સભ્યોની ટીમ તપાસ કરશે. તપાસના અહેવાલને આધારે કાર્યવાહી કરાશે. ધોરણ 6 થી 8 ના વર્ગોને હજી સુધી ઓફલાઈન કરવા માટે કોઈ મંજૂરી આપવામાં આવી નથી. કોઈ ખોટા બહાના કાઢી વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી ન શકાય.
સરકારની બેવડી નીતિ - કોંગ્રેસનો આરોપ
ગજેરા સ્કૂલની મનમાની વિશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, ભાજપના નેતાઓને તમામ પ્રકારની છૂટ અપાઈ છે. સરકારની નીતિ, નિયત અને દુરંદેશીની ખોટ છે. સરકારની બેવડી નીતિ છે. તો સાથે જ ફીના રાહત મુદ્દે તેમણે કહ્યું કે, મહામારીના સમયમાં પ્રજાને રાહત આપવી જોઈએ. સંચાલકોની વકીલાત કરવાવાળી આ સરકાર વાલીઓને માત્ર રાહતની વાતો કરે છે. ફીના નામે ખુલી લૂંટ ચાલી રહી છે. અમે માંગ કરીએ છીએ કે સ્કૂલ ફી મુદ્દે રાહત આપવી જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે