આરોપીએ પોલીસ અધિકારી પર ચડાવી કાર: સર્જાયા ફિલ્મી દ્રશ્યો

બાતમીનાં આધારે આરોપીને ઝડપવા પોલીસે ગોઠવી વોચ: જો કે આરોપીએ સીધી પોલીસ પર જ ગાડી ચડાવી

આરોપીએ પોલીસ અધિકારી પર ચડાવી કાર: સર્જાયા ફિલ્મી દ્રશ્યો

સુરત : ચોકબજાર રાજા ઓવારા ઉપર ડિસેમ્બર મહિનામાં નામચીન ગુંડા મમ્મુ હાંસોટી પર થયેલા ફાયરિંગમાં સોપારી આપનારા માથાભારે શખ્સ અલ્તાફ પટેલને ગુરૂવારે રાત્રે ક્રાઇમ બ્રાન્ચે નવસારી ટોલનાકા પાસેથી ફિલ્મી ઢબે ઝડપી લીધો હતો. જો કે તેને પકડવા માટે પોલીસે કરેલી ગોઠવણની અગાઉથી તેને જાણ થઇ ગઇ હોવાથી તેણે પીએસઆઇ સહિત ત્રણ પોલીસ કર્મચારી પર ગાડી ચડાવી દીધી હતી. જેમાં ત્રણેય પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. 

ક્રાઇમ બ્રાન્ચના સુત્રોનાં જણાવ્યા અનુસાર ગત્ત 25મી ડિસેમ્બર, 2017નાં રોજ રાત્રે ચોક બજાર વિસ્તારમાં મહમ્મદ હુસૈન ઉર્ફે મમ્મું ચાંદ પર અજાણ્યા લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગમાં મમ્મું ચાંદને હાથમાં ગોળી આવી હતી. આ સબબ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કતારગામમાં 20 કરોડનાં હીરાની લૂંટમાં પકડાયેલી યુપીની આઝાદખાન ગેંગ દ્વારા મમ્મુ પર ફાયરિંગ કરાયાનું બહાર આવ્યું હતું. વિપુલ ગાઝીપરા અને અલ્તાફ પટેલ દ્વારા જ 6 લાખમાં સોપારી અપાઇ હોવાનું બહાર આવ્યું હતું. 

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે અલ્તાફ નવસારીથી સુરત આવી રહ્યો છે. જેનાં આધારે સ્ટાફ સાથે અધિકારી વોચમાં બેઠા હતા. દરમિયાન અલ્તાફ નિકળતા તેની ગાડી અટકાવાઇ હતી. જો કે તેણે પોલીસથી બચવા માટે પોલીસ પર જ ગાડી ચડાવી દીધી હતી. જેમાં ત્રણેય પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ ફિલ્મી સ્ટાઇલે તેનો પીછો કરીને અલ્તાફને ઝડપવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news