ઈંગ્લેન્ડમાં રહેતા પરિવારના 8 પ્લોટ સુરતના ઠગોએ બારોબાર વેચી માર્યા
Surat Crime News : ઈંગલેન્ડમાં રહેતા પરિવારના 8 પ્લોટને સુરતના ઠગોએ બારોબાર વેચી દીધા, કેવી રીતે વેચ્યા તે જાણીને તમને વિશ્વાસ નહિ થાય
Trending Photos
સુરત :ઈંગ્લેન્ડ ખાતે વર્ષોથી સ્થાયી થયેલા વ્યક્તિના પાલીગામના પ્લોટના ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરી બીજાને પધરાવીને છેતરપીંડી આચરનાર ટોળકીના ત્રણ સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.
સુરત શહેર ગુજરાતનું ઝડપથી વિકસતુ શહેર છે. સુરત શહેરના વિકાસની સાથે સાથે તેનો જમીન વિસ્તાર પણ વધતો જઈ રહ્યો છે. જેથી જમીનની કિમંતીમાં પણ ખુબ વધારો થતો રહે છે. જેથી આ જમીન પર નજર બગાડીને ખોટી રીતે વેચાણ કરનારા પણ વધતા જતા રહ્યાં છે. સુરત શહેરમાં આવી જમીનના માલિકોની જાણ બહાર બારોબાર જમીન વેચાણ થતા હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. આવો જ એક કિસ્સો ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા સુરતી સાથે થયો.
સચીન જીઆઈડીસીના પાલી ગામ ખાતે આવેલ બ્લોક નંબર 41 ના પ્લોટ નં 313 થી 320 સુધીના કુલ આઠ પ્લોટ આવેલા છે. જેમના માલિકો માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ તથા તેમના પત્ની ચન્દ્રકલાબેન ચૌહાણ તથા જગદીશભાઇ બેચરભાઇ રાજપુત વર્ષ 1989 માં ઈંગ્લેન્ડ સ્થાયી થયા હતા. તેમના આ પ્લોટની ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે તેમની જમીનના અસલ દસ્તાવેજો બહુમાળી ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમા હતા. આ અંગેની માહિતી આરોપીઓએ કોઇક રીતે મેળવી લીધી હતી. તેમણે અસલ દસ્તાવેજો સબ રજીસ્ટારની કચેરીમાંથી છોડાવી લીધા. ત્યાર બાદ આરોપીઓએ દસ્તાવેજોમાં જણાવેલ અસલ માલિકોના નામ સાથે મળતા આવતા બીજા અન્ય ત્રાહિત વ્યકિતઓ સાથે મળી હિતેશ માણેકલાલ ચૌહાણના નામનો ખોટો વ્યકિત ઉભો કરાયો હતો. તેણે માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ તથા ચન્દ્રકલાબેન પોતાના સગા માતાપિતા થતા હોવાનું અને તેઓએ જમીન માટે પાવર ઓફ એટર્ની આપેલ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : આજની પોઝિટિવ સ્ટોરી : 63 વર્ષના કાંતિભાઈનું યુવાઓને શરમાવે તેવું સાહસ, રોજ 30 કિમી સાયકલ ચલાવે
ખોટા પાવર ઓફ એટર્ની વર્ષ 2006 માં ઉભા કરાયા હતા. તે પાવરોનો આધાર લઈ સબ રજીસ્ટારની ઓફિસમાં રૂબરૂ જઈને પોતે જ માલિક હોવાનું જણાવ્યું હુતં. તેના દસ્તાવેજ બનાવી લીધા હતા. ત્યાર બાદ જગદીશ બેચરભાઇ રાજપૂત નામનો ખોટો વ્યકિત પણ ઉભો કરાયો. જેથી પાલી ગામના પ્લોટ નં- 316 થી 320 ની પોતાની માલિકીના હોવાનું જણાવી હતી. જે ખોટી વ્યક્તિએ પણ સબ રજીસ્ટાર રૂબરૂ પોતે માલિક હોવાનું જણાવી તેના વેચાણ દસ્તાવેજ વર્ષ 2016 ના વર્ષમાં બનાવી આપ્યા હતા. આમ આ આઠેય પ્લોટના વેચાણ દસ્તાવેજ કરી આપી ઠગ ટોળકીએ તેને વેચી નાંખ્યા હતા. તેના રૂપિયા આ ટોળકીએ મેળવી લઇ છેતરપીંડી કરી હતી. આ મામલાની જાણ મૂળ માલિકને થતા તેમણે ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે આર્થિક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 આરોપોઓની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સનકી પ્રેમીઓ બન્યા ખતરનાક, સુરત-ખેડા બાદ વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા કરાઈ
ધરપકડ કરાયેલ આરોપીઓ:
- મુકેશ રતીલાલ રામગોંઠે
- અશોકકુમાર કનૈયાલાલ ભાટીયા
- ચેતન ધીરૂભાઇ ધીમ્મર
આ સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરી તમામના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે