ટ્રાફિકના નિયમો તોડવામાં આ સુરતી લાલાએ રેકોર્ડ તોડ્યો, 67 મેમો મળ્યા

સુરત પોલીસ દ્વારા વિવિધ ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરવામા આવ્યા છે. જેમાં જે વ્યકિત ટ્રાફિકના નિયમનું ઉલ્લઘન કરતા નજરે દેખાય તો તેને દંડ ફટકારવામા આવતો હોય છે. આ મહાશય પણ ટ્રાફિકના નિયમ ઉલ્લઘન કરતા કેમેરાની તીસરી આંખમા આવી ગયો હતો

ટ્રાફિકના નિયમો તોડવામાં આ સુરતી લાલાએ રેકોર્ડ તોડ્યો, 67 મેમો મળ્યા

ચેતન પટેલ/ સુરત : સુરતમા એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી તમને હસવુ પણ આવશે, તો સાથે જ દયા પણ આવશે. સુરતનો એક એવો યુવાન છે, જેને એક-બે નહિ પરંતુ 67 જેટલા દંડના મેમો મળ્યા છે. તેની ગાડીની કિંમત કરતા તેની દંડની રકમ વધી જાય છે. 

આ યુવાનનુ નામ હસમુખ વેકરીયા છે. જે સુરતના યોગીચોક વિસ્તારમા રહી રત્નકલાકાર તરીકે કામ કરી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવે છે. સુરત પોલીસ દ્વારા વિવિધ ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરવામા આવ્યા છે. જેમાં જે વ્યકિત ટ્રાફિકના નિયમનું ઉલ્લઘન કરતા નજરે દેખાય તો તેને દંડ ફટકારવામા આવતો હોય છે. આ મહાશય પણ ટ્રાફિકના નિયમ ઉલ્લઘન કરતા કેમેરાની તીસરી આંખમા આવી ગયો હતો. જેને શરુઆતમા તો 2 જ મેમો ઘરે મળ્યા હતા. જોકે બાદમા તેને ટ્રાફિક તરફથી મેમો મળતા બંધ થઇ ગયા છે. બાદમા ત્રણ વર્ષ પછી એકાએક ટ્રાફિક પોલીસ કર્મીનો ફોન તેના પર જાય છે અને તેમનો ત્રણ વર્ષમા રુ 25 હજારનો દંડ ભરવાનો બાકી હોવાનુ જણાવ્યુ હતું. 

આ સાંભળતાની સાથે જ હસમુખભાઇ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક ટ્રાફિક ચોકી પર ગયા હતા. જ્યા ટ્રાફિક પોલીસે તેમને એક નહિ બે નહિ પરંતુ 67 જેટલા જુદા જુદા મેમો આપ્યા હતા. ટ્રાફિક મેમો મળતા જ હસમુખભાઇના પગ તળિયેથી જમીન સરકી પડી હતી. તેઓએ ટ્રાફિક પોલીસને જણાવ્યુ હતુ કે તેમની ગાડીની કિંમત માત્ર 20 હજાર રૂપયા જ છે. તો તેઓ 25 હજાર રૂપિયાનો દંડ કઇ રીતે ભરી શકે. આ વાત સાંભળતા જ ટ્રાફિક પોલીસે પોલીસ કમિશનરને મળવા જણાવ્યુ હતું.

srtmemo.JPG

હસમુખ તાત્કાલિક ધોરણે પોલીસ કમિશનરને મળવા પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જો કે પોલીસ કમિશનરે પણ દંડની કેટલીક રકમ હાલમા ભરી બાકીની રકમ ધીરે ધીરે ભરવા જણાવ્યું હતું. જ્યારે તેને હેલમેટ અંગે પુછવામા આવ્યું ત્યારે તેને જણાવ્યું હતું કે, તેને હેલમેટ પહેરવુ ફાવતુ નથી, કારણ કે તેનાથી તેને આજુબાજુનું દેખાતું નથી અને અકસ્માતનો ભય રહે છે.

તો બીજી તરફ દંડની આટલી મોટી રકમ જોતાની સાથે જ હસમુખભાઇએ તેની ગાડીની નંબર પ્લેટ વાળી નાખી હતી કે હવે કોઇ પણ રીતે તેની ગાડીની નંબર પ્લેટ સીસીટીવી  કેમેરામાં કેદ ન થાય. ઉલ્લેખનીય છે કે, હસમુખભાઇ હીરા ઘસીને દર મહિને માત્ર 10 હજાર રૂપિયા કમાય છે, ત્યારે તેઓ દંડની રકમ ભરે કે પછી ઘરનું ગુજરાન ચલાવે તેની દ્વિઘામાં પડયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news