મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ : ભાઈની નજર સામે જ PI દેસાઈ કારમાં સ્વીટીની લાશ લઈને નીકળ્યો હતો
Trending Photos
- PI અજય દેસાઈએ ઊંઘમાં જ સ્વીટીનુ ગળુ દબાવ્યું હતું, પોલીસને 49 દિવસ ગોળગોળ ફેરવી
- PI અજય દેસાઈએ કોંગ્રેસી નેતા કિરીટસિંહ જાડેજાને પણ ખોટુ કહીને સમગ્ર હત્યાકાંડમાં સામેલ કર્યો હતો
ઝી મીડિયા/બ્યૂરો :સ્વીટી પટેલ મર્ડર મિસ્ટ્રીમાં પીઆઈ અજય દેસાઈ (PI ajay desai) એ પોલીસને 49 દિવસ સુધી ગોળગોળ ફેરવી હતી. પરંતુ આખરે તેની પોલ ખૂલી હતી. અજય દેસાઈ ક્રાઈમ બ્રાન્ચને ઊંઠા ભણાવવામાં અસફળ રહ્યો હતો. અજય દેસાઈએ જ સ્વીટી (sweety Patel) નું ગળુ દબાવીને હત્યા કરી હતી. રાજ્યના પોલીસ વડા (gujarat police) આશિષ ભાટિયાએ અજય દેસાઈને રક્ષક નહિ પણ ભક્ષક ગણાવ્યો છે.
પીઆઇને દાખલો બેસે તેવી કડક સજા કરાશે
સ્વીટી પટેલ હત્યા કેસ મામલે ડીજીપી આશિષ ભાટિયા (ashish bhatia) એ કહ્યું કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે ઉમદા કામ કર્યું છે. અજય દેસાઇએ રક્ષક થઈને ભક્ષકનું કામ કર્યું છે. આરોપી પીઆઇને દાખલો બેસે તેવી કડક સજા કરાશે. પીઆઈનાં ડીએનએ ટેસ્ટ સહિતની કાર્યવાહી થશે. જરૂરી તમામ પુરતા પુરાવા કોર્ટમાં રજૂ કરીશું.
પ્લાન કરીને સ્વીટીની હત્યા કરી
પીઆઈ અજય દેસાઈએ પ્લાન કરીને પત્ની સ્વીટીની હત્યા કરી હતી. તેણે કોંગ્રેસી નેતા કિરીટસિંહ જાડેજાને પણ ખોટુ કહીને સમગ્ર હત્યાકાંડમાં સામેલ કર્યો હતો. કિરીટસિંહ જાડેજાને અજય દેસાઈએ પોતાની ગર્ભવતી બહેનને સળગાવી દેવાની વાત કરી મનાવ્યો હતો. 4 જૂનની રાત્રી અજય દેસાઈની હત્યા કરી હતી. આ દિવસે સ્વીટી અને અજય દેસાઈ વચ્ચે ઝઘડો થયો હતો. સ્વીટીએ ગર્ભવતી હોવાની વાત અજય દેસાઈથી છુપાવી હતી, આ કારણે અજય દેસાઈ તેનુ કાસળ કાઢવા ઈચ્છતો હતો. રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ અજય દેસાઈએ ઊંઘમાં જ સ્વીટીનુ ગળુ દબાવીને હત્યા કરી હતી. એટલુ જ નહિ, લાશને આખી રાત બેડરૂમમાં જ મૂકી રાખી હતી. બીજા દિવસે સવારે પોતાની કારમાં લાશ મૂકીને તેને સગેવગે કરી હતી.
સ્વીટીનો ભાઈ ઘરમાં આવ્યો ત્યારે તેની લાશ બેડરૂમમાં જ હતી
સમગ્ર કેસમાં અજય દેસાઈએ સફાઈપૂર્વક કામ કર્યુ હતું. અજય જ્યારે સ્વીટીની લાશ સગેવગે કરવા નીકળ્યો હતો ત્યારે સ્વીટીનો ભાઈ ઘરે આવ્યો હતો. બહેન સાથે સંપર્ક ન થતા તે ઘરે આવ્યો હતો. પરંતુ તે સમયે પીઆઈ દેસાઈએ તેને કહ્યું હતું કે તે સ્વીટીને શોધવા જાય છે. તેણે સાળાને એમ પણ કહ્યું કે, તે બાળકનું ઘરમાં ધ્યા રાખે. આમ, ભાઈની નજર સામે જ PI કારમાં બહેનની લાશ લઈને જતો રહ્યો હતો. જેના બાદ સ્વીટીનો સંપર્ક ન થતા તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે