કોરોના કોઈનો સગો થયો નથી અને થવાનો પણ નથી.. તાપીમાં લગ્નપ્રસંગે ભેગી થયેલી હજારોની આ ભીડ કેવી રીતે એકઠી થઈ?

કોરોના કોઈનો સગો થયો નથી અને થવાનો પણ નથી.. તાપીમાં લગ્નપ્રસંગે ભેગી થયેલી હજારોની આ ભીડ કેવી રીતે એકઠી થઈ?
  • આ વીડિયો બતાવે છે કે, લોકો હજી પણ સમજવા તૈયાર નથી, અને કોરોનાને હજી પણ ગંભીરતાથી લેતા નથી
  • સમગ્ર મામલે પોલીસ તંત્ર ઊંઘતુ ઝડપાયું હતું. પોલીસ વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવી

નરેન્દ્ર ભુવેચિત્રા/તાપી :ગુજરાતમાં કોરોના ફરીથી હાવિ થયો છે. ત્યારે તાપીના સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. તાપીના નિઝરમાં યોજાયેલ એક લગ્નપ્રસંગમાં કોરોનાને નોતરતી ભીડ ઉમટી પડી હતી. આ લગ્ન પ્રસંગના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં હજારો લોકો એકબીજાને સાવ અડોઅડ ઉભા છે, અને ડાન્સ કરી રહ્યાં છે. ત્યારે લગ્નપ્રસંગમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડ્યા છે. 

વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી 
તાપી પોલીસના નાક નીચે નિઝરના વેલદા ગામમાં કોહિનૂર સ્ટાર બેન્ડની પાર્ટીમાં હજારોની ભીડ એકઠી થઈ હતી. જોગાભાઈ પાડવીના પરિવારનો આ લગ્ન પ્રસંગ હતો. જેમાં હેમાંક્ષી અને ગણેશ નામના કપલના લગ્નપ્રસંગના આગામી દિવસે આ પાર્ટી યોજાઈ હતી. આજે 24 ફેબ્રુઆરીના રોજ લગ્ન છે, જેના આગામી દિવસે ડીજે પાર્ટીમાં આ ભીડ એકઠી થઈ હતી. આ ભીડમાં એક પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો મોટું સંક્રમણ ફેલાઈ શકે છે. આ વીડિયો ચિંતા ઉપજાવે તેવો છે. આ વીડિયો બતાવે છે કે, લોકો હજી પણ સમજવા તૈયાર નથી, અને કોરોનાને હજી પણ ગંભીરતાથી લેતા નથી. આ વીડિયો બતાવે છે કે, લોકોને પોતાનો જીવ વ્હાલો નથી. જોકે, સમગ્ર મામલે પોલીસ તંત્ર ઊંઘતુ ઝડપાયું હતું. પોલીસ દ્વારા વીડિયો વાયરલ થયા બાદ એક્શન લેવામાં આવ્યું હતું. 

આ ઘટના અંગે રેન્જ ઓફિસર રાજકુમાર પાંડિયને જણાવ્યું કે, આ વિશે એફઆઈઆર નોંધવામાં આવી છે. કાર્યક્રમ રાખનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. તો સમગ્ર મામલાથી બેખબર નિઝર ગામના સરપંચ કિશનભાઈએ જણાવ્યું કે, હાલ હું ક્વોરેન્ટાઈન છું. લગ્નમાં થોડા લોકો જ બોલાવાયા હતા, પણ વધુ લોકો આવી ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news