ભાજપમાં અસ્તિત્વની લડાઇ! ઉજવણીની પત્રિકામાં ધારાસભ્યનું નામ કટ, જાણો વાંકાનેરમાં કોને પડ્યું વાંકું

જોકે વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ મઠવીનું નામ આમંત્રણ પત્રિકામાં નથી ! જેથી કરીને આ પત્રિકા આગામી સમયમાં રાજકીય મુદ્દો બને તો નવાઈ નથી.

ભાજપમાં અસ્તિત્વની લડાઇ! ઉજવણીની પત્રિકામાં ધારાસભ્યનું નામ કટ, જાણો વાંકાનેરમાં કોને પડ્યું વાંકું

હિમાંશુ ભટ્ટ/મોરબી: જિલ્લાના વાંકાનેર તાલુકામાં વિધાનસભાની ચૂંટણી પછી પણ હજુ પણ ક્યાંકને ક્યાંક રાજકીય ખેચતાણ અને અસ્તિત્વનો જંગ ચાલી રહ્યો હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે આજે તારીખ 14 ના રોજ વાંકાનેરમાં કુંભારપરા ચોક ખાતે સમરસતા દિવસ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આમંત્રણ કાર્ડ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં વાંકાનેરના ધારાસભ્ય, વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ સહિતના ચૂંટણી સમયે સક્રિય હતા તેવા ઘણા આગેવાનના નામ જોવા મળતા નથી જેથી કરીને આ આમંત્રણ પત્રિકા હાલમાં વાંકાનેર નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલ છે.

આજે સમગ્ર ભારત દેશની અંદર ડો. બાબા સાહેબ આંબેડકરની 132 ની જન્મ જયંતી નિમિત્તે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના વાંકાનેરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સમરસતા દિવસ 2023 નિમિત્તે વાંકાનેરના કુંભારપરા ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની આમંત્રણ પત્રિકા હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલ છે અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આમંત્રણ પત્રિકામાં ક્યાંકને ક્યાંક રાજકીય ખેંચતાણ અને અસ્તિત્વનો જંગ હજુ પણ વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લામાં ચાલુ હોય તેવું જોવા મળી રહ્યું છે.

મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એચ.કે. વ્યાસના નામથી જે આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે તેમાં મુખ્ય મહેમાન તરીકે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા, ગેલાભાઈ કે. બોસિયા, મોરબી જિલ્લા ભાજપના મંત્રી રસિકભાઈ વોરા, કે.ડી. ઝાલા, ભગવાનભાઈ ચૌહાણ, મૂળજીભાઈ ગેડિયા, મુકેશભાઈ સોલંકી, અરૂણભાઇ મહાલીયા, દિનેશભાઈ વોરા વિગેરેના નામ લખવામાં આવ્યા છે.

જોકે સૌથી મોટી અને આચાર્ય જનક બાબતએ છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી જંગી બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા છે અને હાલમાં તે વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય છે તેમ છતાં પણ વાંકાનેર શહેરની અંદર જે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તેની આમંત્રણ પત્રિકામાં જીતુભાઈ સોમાણીનું નામ નથી. આટલું જ નહીં પરંતુ વાંકાનેર શહેર ભાજપના મહામંત્રીનું નામ આમંત્રણ પત્રિકામાં નામ લખવામાં આવ્યું છે. જોકે વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ મઠવીનું નામ આમંત્રણ પત્રિકામાં નથી ! જેથી કરીને આ પત્રિકા આગામી સમયમાં રાજકીય મુદ્દો બને તો નવાઈ નથી.

અત્રે ઉલ્લેખનીએ છે કે મોરબી જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના જે જૂથનો પ્રભાવ હતો તેની વચ્ચે પણ જે લોકોને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી હતી તે વિધાનસભાની ચૂંટણીમાં જંગી લીડ સાથે વિજય બની ચૂક્યા છે તેમ છતાં પણ અસ્તિત્વના લડાઈની જંગ હજુ પણ ચાલુ જ હોય તેવું જોવા મળી રહ્યું છે અને તાજેતરમાં જ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે 381 કરોડથી વધુના વિકાસ કામોનો શુભારંભ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.

કચ્છ મોરબીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતના ભાજપના આગેવાનો હાજર હતા પરંતુ અગાઉ જે જૂથનું પ્રભુત્વ મોરબી શહેર અને જિલ્લામાં જોવા મળતું હતું તે પૈકીના આગેવાનો કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા ન હતા જેથી કરીને તે બાબતે પણ ભાજપમાં ગણગણાટ થઈ રહ્યો છે અને મોરબી જિલ્લા ની અંદર ભાજપમાં ચાલી રહેલી આંતરિક ખેંચતાણ ઉપર ક્યારે પૂર્ણવિરામ મુકાશે તે આગામી સમય જ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news