નવસારીમાં ખેડૂતોની ચિંતા બે પ્રાણીઓએ વધારી! આ રોચક તથ્ય જાણીને તમને પણ થશે આશ્ચર્ય!

જોકે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ દિપડાઓ નવસારી જિલ્લામાં હોવાનું પણ તારણ મળ્યુ છે. જેથી માનવ વસ્તી સાથે રહેતા શીખી ગયેલા ચાલક દિપડાઓ સાથે હવે માણસોએ પણ રહેતા શીખવાની જરૂર ઉભી થઇ છે. 

 નવસારીમાં ખેડૂતોની ચિંતા બે પ્રાણીઓએ વધારી! આ રોચક તથ્ય જાણીને તમને પણ થશે આશ્ચર્ય!

ધવલ પરીખ/નવસારી: નવસારીમાં ખેડૂતોની ચિંતા બે પ્રાણીઓએ વધારી છે. એક તરફ જંગલી ભૂંડના ઝૂંડ ઉભા પાકને નુકશાન કરે છે. તો બીજી તરફ હિંસક દિપડા ખેતરોમાં આશ્રય સ્થાન બનાવતા ખેડૂતો ખેતરમાં જતા ડરે છે. પરંતુ નવસારીના જ એક ઝુઓલોજીના વિદ્યાર્થીના 5 વર્ષના સંશોધનથી દિપડા ખેડૂતોના મિત્ર હોવાનું રોચક તથ્ય સામે આવ્યુ છે. કારણ ખેતી પાકને ઉખાડી ફેંકતા જંગલી ભૂંડનો શિકાર કરી દિપડાઓ તેમની સંખ્યાને નિયંત્રિત કરે છે. જોકે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ દિપડાઓ નવસારી જિલ્લામાં હોવાનું પણ તારણ મળ્યુ છે. જેથી માનવ વસ્તી સાથે રહેતા શીખી ગયેલા ચાલક દિપડાઓ સાથે હવે માણસોએ પણ રહેતા શીખવાની જરૂર ઉભી થઇ છે. 

નવસારીના પૂર્વમાં આદિવાસી વિસ્તારોમાં જંગલ આછા થતા શિકારની શોધમાં હિંસક દિપડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા, અહીં શેરડી અને ડાંગરના ખેતરો સાથે જ ચીકુ અને આંબાવાડીઓ, નદી અને કોતરો રહેવા માટે અનુકૂળ રહી, સાથે શિકાર પણ સરળતાથી મળી રહેતા ચાલાક દિપડાઓને ખેતર અને વાડીઓ રહેવા માટે માફક આવી રહ્યા છે. ઘણીવાર દિપડાઓ ગ્રામ્ય રસ્તાઓ, હાઇવે તેમજ કોઈના ખેતર કે ઘરની દિવાલો પર લટાર મારતા જોવા મળી જાય છે. જેથી જંગલમાંથી ખેતરો અને વાડીઓમાં રહેતા શીખેલા ચબરાક દિપડાઓ હવે માનવવસ્તી સાથે રહેવાનું શીખવા માંડ્યા છે. 

બીજી તરફ દિપડા દેખાતા જ વન વિભાગને જાણ કરવામાં આવે છે અને વન વિભાગ પાંજરૂ મૂકી દિપડાને પકડી વાંસદા નેશનલ પાર્કમાં છોડી આવે છે. પરંતુ એકલો રહેવા ટેવાયેલો દિપડો નેશનલ પાર્કમાં અન્ય દિપડાની ટેરેટરી સાથે મેચ નથી થતો અને ફરી પોતાના વિસ્તારમાં આવી પહોંચતો હોવાનુ વનિય કોલેજના વાઈલ્ડ લાઈફ નિષ્ણાંતોનું સંશોધન છે. 

જેથી લોકોએ દિપડા સાથે રહેવું શીખવું પડશે. ત્યારે વાંસદા તાલુકાના ઘણાં ગામોમાં દિપડા ચોક્કસ સમયે ફરતા જોવા મળે છે. ચોરવણી ગામે તો વહેલી સવારે માનકુનીયા તરફથી મુખ્ય રસ્તા પર લટાર મારતો અને સાંજે 7 આસપાસ જમના ચવધરીના ઘર પાછળ આવતો હોવા છતાં કોઈ હુમલો કરતો ન હોવાથી તેઓ દિપડા સાથે રહેતા શીખી રહ્યા છે.

ખાસ કરીને ગામડા અને શહેરોની નજીક શેરડીના ગાઢ ખેતર કે વાડીમાં ઘર બનાવીને રહેતો હિંસક દિપડો ખેડૂતોમાં ભય સાથે ખેતીને લઈ ચિંતા વધારે છે. બીજી તરફ ખેતરો અને વાડીઓમાં જંગલી ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે. ભૂંડના ઝૂંડ ખેતરોમાં ઉભા પાકને ઉખેડી જતા રહે છે. ભૂંડને પકડવા વન વિભાગ પાસે કોઈ યોજના કે વ્યવસ્થા જ નથી. ત્યારે દિપડાની ખોરાક પેટર્ન ઉપર નવસારીના વાંસદાના ઝુઓલોજીના વિદ્યાર્થી અને હાલમાં દિપડા ઉપર Phd કરી રહેલા મોહમ્મદ નવાઝ ડાહ્યાના સંશોધન મુજબ દિપડાનો મુખ્ય શિકાર જંગલી ભૂંડ છે. જ્યારે શ્વાન બકરી, ગાય, વાછરડી વગેરે પછીના ક્રમે આવે છે. 

મો. નવાઝ દક્ષિણ ગુજરાતમાં જંગલ, ખેતર, નદી કોતરો વગેરે સ્થળોએ ફરીને દિપડાના 400 આધાર અને નેશનલ પાર્કમાંથી 50 આધાર શોધી લાવ્યા હતા. બાદ અઘારને પાણીથી ધોઈ, તેમાંથી મળનો ભાગ કાઢી નાંખી, બચેલા ભાગને બે દિવસ વ્યવસ્થિત સુકવ્યા હતા. ત્યારબાદ એમાંથી મળતા પ્રાણીઓના હાડકા અને વાળનું વૈજ્ઞાનિક ઢબે પ્રયોગશાળામાં પૃથક્કરણ કરતા તારણ મેળવ્યુ છે કે દિપડાનો મુખ્ય ખોરાક જંગલી ભૂંડ છે. દિપડાને કારણે જ ભૂંડ નિયંત્રિત થઈ રહ્યા છે. જેથી દિપડો ખેડૂતો માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે.

છેલ્લા પાંચ વર્ષથી મો. નવાઝ દિપડા ઉપર સંશોધન કરી રહ્યા છે અને હાલમાં જ દિપડા ઉપર યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અને ભારતમાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સમાં પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. જેમાં દિપડો માણસો ઉપર હુમલો પણ પોતે ભયમાં મુકાય ત્યારે કરતો હોવાનું તારણ મળ્યુ છે. બીજી સૌથી મોટી વાત એ છે કે વર્ષ 2011 અને 2016 ના દિપડાની ગણતરીના સરકારી આંકડા અને નવાઝના સંશોધન દરમિયાનના આંકડાને આધારે દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતમાં સૌથી વધુ દિપડા નવસારી જિલ્લામાં જોવા મળી રહ્યા છે. 

એક અંદાજ મુજબ નવસારીમાં દિપડાની સંખ્યા 60 થી વધુ અને 100 ની નજીક હોય શકે છે. જોકે દિપડાની સ્થિતિ વિશે ઉંડાણ પૂર્વકનું સંશોધન કરવા ઉત્તમ ડિજિટલ સાધનોની જરૂર છે. જે ખૂબ મોંઘા હોવાથી સંશોધન કરનાર વિદ્યાર્થી એને લઈ શકે એમ નથી. ત્યારે સરકાર દ્વારા સાધનો માટે યોગ્ય આર્થિક મદદ કરવામાં આવે તો દિપડાના જીવન સાથે રહેણી કરણી ઉપર વ્યવસ્થિત સંશોધન થઇ શકે એમ છે. 

હિંસક દિપડો ચાલક અને એટલો ચબરાક છે કે ગમેતેવી સ્થિતિમાં રહેતા શીખી ગયો છે. જેના કારણે જ માનવીની જેમ પોતાની સંખ્યા વધારવામાં સફળ રહ્યો છે. ત્યારે ગામડા હોય કે શહેર લોકોએ દિપડા સાથે રહેતા શીખવું જ પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news