ગુજરાતમાં અહીં ઈ-ટોયલેટનો પ્રોજેક્ટ હજી અધૂરો, 5 વર્ષ પછી પણ જાહેરાત માત્ર કાગળ પર જોવા મળી!

વડોદરા કોર્પોરેશને 5 જાન્યુઆરી 2017ના રોજ શહેરને શૌચ મુક્ત અને સ્વચ્છ બનાવવા ઈ-ટોયલેટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેમાં સુજલ એડવર્ટાઈઝમેન્ટ કંપની પીપીપી ધોરણે શહેરના જુદા જુદા 200 સ્થળો પર ઈ-ટોયલેટ પોતાના ખર્ચે બનાવી મૂકશે.

ગુજરાતમાં અહીં ઈ-ટોયલેટનો પ્રોજેક્ટ હજી અધૂરો, 5 વર્ષ પછી પણ જાહેરાત માત્ર કાગળ પર જોવા મળી!

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા કોર્પોરેશને સ્માર્ટ સિટી અંતર્ગત 5 વર્ષ પહેલાં અમલમાં મુકેલ ઈ-ટોયલેટનો પ્રોજેક્ટ હજી અધૂરો રહ્યો છે. શહેરને શૌચ મુક્ત બનાવવા અને મહિલાઓને શૌચાલયની સુવિધા મળી રહે તે માટે ઈ-ટોયલેટના પ્રોજેક્ટની કરેલી જાહેરાત માત્ર કાગળ પર જોવા મળી છે. 

વડોદરા કોર્પોરેશને 5 જાન્યુઆરી 2017ના રોજ શહેરને શૌચ મુક્ત અને સ્વચ્છ બનાવવા ઈ-ટોયલેટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેમાં સુજલ એડવર્ટાઈઝમેન્ટ કંપની પીપીપી ધોરણે શહેરના જુદા જુદા 200 સ્થળો પર ઈ-ટોયલેટ પોતાના ખર્ચે બનાવી મૂકશે તેવી દરખાસ્ત મંજૂર કરી હતી. જેમાં ઈ-ટોયલેટના બદલામાં સુજલ એડવર્ટાઈઝમેન્ટ કંપનીને જાહેરાતના હક્કો પાલિકાએ આપ્યા હતા. શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે પાલિકાએ 50 ઈ-ટોયલેટ મૂકવાની મંજૂરી આપી. જેનો પાલિકાએ મોટાપાયે કાર્યક્રમ પણ કર્યો. પણ આજે 5 વર્ષ બાદ પણ બીજા 150 ઈ-ટોયલેટ મૂકવામાં નથી આવ્યા. પાલિકાના કેટલાક અધિકારી અને શાસકો પોતાના અંગત કારણોસર બીજા 150 ઈ-ટોયલેટ ન મુકાય તેવું ઈચ્છી રહ્યા છે, જેના લીધે શહેરને શૌચ મુક્ત કરવાનું સ્વપ્ન પણ અધૂરું રહ્યું છે.

No description available.

લોકો જાહેરમાં શૌચ ન કરે અને મહિલાઓને શૌચાલય માટે મુશ્કેલી ન પડે તેવા ઉદ્દેશ્યથી પાલિકાએ 200 ઈ-ટોયલેટની જાહેરાત કરી હતી, જેમાં 1 રૂપિયાનો સિક્કો નાખવાથી ઈ-ટોયલેટનો દરવાજો ખૂલે તેવી સિસ્ટમ ઊભી કરાઈ છે. શહેરમાં મૂકેલા 50 જેટલા ઈ-ટોયલેટ અત્યારે ઉપયોગમાં છે, લોકો તેનો કુદરતી ક્રિયા માટે ઉપયોગ પણ કરે છે. પણ વધુ ઈ-ટોયલેટ ન હોવાથી કેટલાક લોકો જાહેરમાં પણ શૌચ કરે છે, તો મહિલાઓને અનેક વખત શૌચક્રિયા માટે મુશ્કેલી પણ પડે છે.

ઈ-ટોયલેટની ખાસિયતની વિશે વાત કરીએ તો એક ઈ-ટોયલેટ ઈજારદારને 2.56 લાખ રૂપિયામાં પડ્યું છે, જેમાં તેમને પાલિકા ઓપરેશન અને મેન્ટેનન્સસહ 10 વર્ષના લીઝ પીરીયડ પર આપ્યું છે. ઈ-ટોયલેટની વિશેષતાની વાત કરીએ તો ઈ-ટોયલેટનું બારણું ખૂલે એટલે ઓટોમેટિક ફ્લશ થાય છે, વ્યક્તિ શૌચક્રિયા પૂરી કરી ઊભો થાય ત્યારે ઓટોમેટિક ફ્લશ થાય છે, વધારે પાણીની જરૂર હોય તો ફ્લશ માટેનું અલાયદું બટન પણ આપેલું છે..દર 20 વ્યક્તિ ઈ-ટોયલેટનો ઉપયોગ કરે પછી આપોઆપ ઈ-ટોયલેટનો ફ્લોર પાણીથી સ્વચ્છ થઈ જાય છે..

વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે કહ્યું કે ઈ-ટોયલેટમાં થોડાક બદલાવ કરવાનું ઇજારદારને કહ્યું છે, એટલે બીજા 150 ઈ-ટોયલેટ હજી નથી મૂકાયા. વહેલીતકે બીજા ઈ-ટોયલેટ મુકાય તેવી વ્યવસ્થા કરીશું. જ્યારે પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે કહ્યું કે પાલિકા આવા પ્રોજેક્ટ પર પૂરતું ધ્યાન નથી આપતી એટલે જ સ્વચ્છતા રેન્કિંગમાં સતત પાછળ ધકેલાઈ રહ્યું છે..મહિલાઓ માટે ઈ-ટોયલેટ ખૂબ ઉપયોગી છે..પાલિકા માત્ર જાહેરાત કરવામાં માને છે પણ અમલવારીમાં નથી માનતું. 

No description available.

ઈ-ટોયલેટનો કોન્ટ્રાક્ટ મેળવનાર ઇજારદાર સુજલ એડવર્ટાઈઝમેન્ટના પરેશ શાહે કહ્યું કે પાલિકાએ સૂચવેલ બદલાવ સાથેના ઈ-ટોયલેટ અમે તૈયાર કરી દીધા છે, પાલિકામાંથી જો નવા ઈ-ટોયલેટ મૂકવાની સૂચના આપવામાં આવશે તો અમે મૂકી દઈશું. 

મહત્વની બાબત છે કે પાલિકા દ્વારા 30મી એપ્રિલે શહેરમાં એકસાથે 200 સ્થળો પર સ્વચ્છતા કરી સ્વચ્છતા ઉત્સવ ઉજવવાની તૈયારી કરવામાં આવી રહી છે પણ ક્યાંક ને કયાંક પાલિકા માત્ર સ્વચ્છતાનું નાટક કરતી હોય એમ લાગે છે. જો પાલિકાના શાસકો અધિકારીઓ સ્વચ્છતા પ્રત્યે ગંભીર હોત તો શહેરના મહત્વના ગણાતા ઈ-ટોયલેટનો પ્રોજેક્ટ 5 વર્ષ બાદ પણ અધૂરો ન હોત.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news